IPL 2022ની 29મી મેચમાં ગુજરાતે ચેન્નઈને 3 વિકેટે હરાવ્યું છે. મેચમાં ગુજરાત સામે જીત માટે 170 રનનો ટાર્ગેટ હતો, જે ટીમે 7 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
ચેન્નઈની હારનો સૌથી મોટો વિલન ક્રિસ જોર્ડન રહ્યો. તેણે 3.5 ઓવરમાં 58 રન આપ્યા હતા. રાશિદ ખાને જોર્ડનની એક ઓવરમાં 25 રન બનાવ્યા હતા. અહીંથી મેચ ચેન્નઈના હાથમાંથી ગુજરાત પાસે જતી રહી હતી.
અંતિમ ઓવર જોર્ડનને આપવી મોંઘી પડી
મેચની 19મી ઓવર ચેન્નઈના કેપ્ટન રવીન્દ્ર જાડેજાએ ડ્વેન બ્રાવોને આપી હતી. તેણે પાંચમા બોલ પર રાશિદ ખાનની અને છઠ્ઠા બોલ પર અલ્ઝારી જોસેફની વિકેટ લીધી હતી. અહીંથી ફરી એવું લાગતું હતું કે ચેન્નઈની ટીમ મેચમાં પરત ફરી છે. અંતિમ ઓવરમાં ગુજરાતે જીત માટે 13 રનની જરૂર હતી. ત્રણ ઓવરમાં 18 રન આપી એક વિકેટ લેનાર મુકેશ ચૌધરીને બોલિંગ આપવાના બદલે કેપ્ટને મોંઘો સાબિત થયેલા જોર્ડનને અંતિમ ઓવર આપી દીધી હતી. જાડેજા અને ધોનીના આ નિર્ણયથી બધા અચંબામાં પડી ગયા હતા.
મિલરે જીત અપાવી
અંતિમ ઓવરના પ્રથમ બે બોલ પર કોઈ રન બન્યો ન હતો, પણ ત્રીજા બોલ પર મિલરે સિક્સર ફટકારી હતી. ત્યાર પછીનો બોલ જોર્ડને નો બોલ ફેંક્યો. ચોથા બોલ પર મિલરે ફોર મારી હતી. પાંચમા બોલ પર મિલરે બે રન લેતાંની સાથે જ ગુજરાતની જીત થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.