ઈંગ્લેન્ડના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન જો રૂટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 2017માં એલિસ્ટર કુકે કેપ્ટન પદ છોડ્યા પછી જો રૂટે જવાબદારી સંભાળી હતી. તેણે 64 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ કરી અને 27 વખત ટીમને જીત અપાવી હતી.
રૂટની કેપ્ટનશિપમાં છેલ્લી 17 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડ માત્ર એક જ મેચ જીતી શક્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝમાં હાર પછી તેણે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. રૂટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે હું દેશ માટે રમવાનું ચાલુ રાખીશ અને આગળ પસંદ થતા કેપ્ટનની મદદ કરવા હંમેશા તૈયાર રહીશ.
એશિઝની હાર પછી કોચની હકાલપટ્ટી કરાઈ
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રખ્યાત એશિઝ સિરીઝમાં 0-4થી હારનો સામનો કર્યા પછી રુટને કેપ્ટનશિપ પદથી હટાવવાની માંગ વધુ તીવ્ર બની હતી. ઇંગ્લેન્ડના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ રૂટની કેપ્ટનશિપની ટીકા કરી રહ્યા હતા. એશિઝ સિરીઝ પછી વેસ્ટ ઈન્ડિઝ ગયેલી ઈંગ્લિશ ટીમ પણ સિરીઝ 0-1થી હારી ગઈ હતી. ત્યારપછી એ લગભગ નિશ્ચિત થઈ ગયું હતું કે રૂટની ટેસ્ટ કેપ્ટનશીપની કારકિર્દી હવે તેના અંતને આરે આવી ગઈ હતી.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) આ વર્ષે ફેબ્રુઆરીમાં કોચ ક્રિસ સિલ્વરવુડને હટાવી દીધા હતા. તેનું કારણ એશિઝ સિરીઝ અને 2021માં ટીમનું ખરાબ પ્રદર્શન પણ હતું. ત્યારથી સમજાયું કે આગળનો વળાંક એ રૂટનો છે.
રૂટે કહ્યું કે તેની કારકિર્દીનો સૌથી પડકારજનક નિર્ણય
જો રૂટે તેની કેપ્ટનશિપ છોડવા અંગે કહ્યું કે 'વેસ્ટ ઈન્ડિઝથી પરત ફર્યા પછી મેં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડવાનું મન બનાવી લીધું હતું. મારી કારકિર્દીમાં મેં લીધેલો આ અત્યારસુધીનો સૌથી મુશ્કેલ નિર્ણય છે. આ માટે મેં મારા પરિવાર અને નજીકના મિત્રો સાથે વાત કરી અને પછી આ નિર્ણય પર આવ્યો છું. હું જાણું છું કે કેપ્ટન પદ છોડવાનો આ યોગ્ય સમય છે. હું મારા દેશ માટે રમ્યો અને છેલ્લા 5 વર્ષથી ટીમની કેપ્ટનશિપ કરી, મને તેનો ગર્વ છે. મેં જે પણ કર્યું તે મારા માટે સન્માનની વાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.