ચેન્નઈ સુપર કિંગ્સ 10મી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. મંગળવારે ચેપોક ખાતે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નઈએ ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું હતું. મેચ બાદ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો. તેણે કહ્યું હતું કે આ અંગે નિર્ણય લેવા માટે 8-9 મહિનાનો સમય છે.
મેચ બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિકે પણ ધોનીનાં વખાણ કર્યા હતા. તેણે કહ્યું- અમે સતત વિકેટ ગુમાવતા રહ્યા. બીજી તરફ ધોની બોલિંગમાં ફેરફાર કરતો રહ્યો.
હર્ષા ભોગલેના સવાલ, ધોનીના જવાબ...
નિવૃત્તિ પર - નિર્ણય લેવા માટે સમય છે
કોમેન્ટેટર હર્ષા ભોગલેએ MSને પૂછ્યું હતું કે શું ચેન્નઈના પ્રેક્ષકો તમને અહીં ફરીથી જોશે, તો ધોનીએ કહ્યું- તમે પૂછવાનો પ્રયાસ કરી રહ્યા છો કે હું અહીં ફરીથી રમીશ કે નહીં? એ પછી ભોગલેએ ધોનીને સવાલ પૂછ્યો કે શું તે આગામી સીઝન રમવા ચેપોક પરત ફરશે? ધોનીએ હસીને જવાબ આપ્યો કે મને ખબર નથી. મારી પાસે નિર્ણય લેવા માટે 8-9 મહિનાનો સમય છે. અત્યારે માથાનો દુખાવો લેવા માગતો નથી.
ચેન્નઈ સુપર કિંગ્સ - અત્યારે ખબર નથી કે હું કઈ ભૂમિકામાં જોડાઈ રહીશ
ધોનીએ કહ્યું- હું એક ખેલાડી તરીકે તેની સાથે રહીશ કે કોઈ અન્ય સ્વરૂપમાં, મને અત્યારે ખબર નથી. હું માત્ર એટલું જ જાણું છું કે હું CSK સાથે રહીશ. હું જાન્યુઆરીથી ઘરથી દૂર છું. મેં માર્ચમાં પ્રેક્ટિસ શરૂ કરી. હવે આઈપીએલની મિની હરાજી ડિસેમ્બરમાં છે. હજી સમય છે. હું હવે એના વિશે વિચારતો નથી.
IPL- ફાઈનલ 2 મહિનાની મહેનતનું પરિણામ છે
CSKના 10મી વખત ફાઇનલમાં પહોંચવા પર ધોનીએ કહ્યું, "આઇપીએલ ખૂબ મોટી ટૂર્નામેન્ટ છે. પહેલાં 8 ટીમ રમતી હતી. હવે 10 ટીમ રમી રહી છે. આવી સ્થિતિમાં બીજી ફાઇનલ કહેવું યોગ્ય રહેશે નહીં. આ 2 મહિનાની મહેનતનું પરિણામ છે. દરેક વ્યક્તિએ તેમાં યોગદાન આપ્યું છે. હા, મિડલ ઓર્ડરને પૂરતી તકો મળી નથી, પરંતુ અમે જ્યાં છીએ એનાથી ખુશ છીએ.
કેપ્ટનશિપ- હું મુશ્કેલી આપનાર કેપ્ટન બની શકું છું
કેપ્ટનશિપ પર ધોનીએ કહ્યું- હું સંજોગો અનુસાર ફિલ્ડિંગ બદલતો રહું છું. આવી સ્થિતિમાં હું સાથી ખેલાડીઓ માટે મુશ્કેલીકારક કેપ્ટન બની શકું છું, પરંતુ મને ખબર છે કે કયા ખેલાડીનો ઉપયોગ ક્યારે અને ક્યાં કરવો. મેં પણ એવું જ કર્યું.
અમે કેટલીક ભૂલો કરી. અમે 15 વધારાના રન આપ્યા. અમારી પાસે જે રીતે બોલિંગ છે એમાં વધારાના રન આપવા યોગ્ય નથી. ચેન્નઈએ આ મેચમાં 13 વાઈડ બોલ ફેંક્યા હતા. પથિરાનાએ માત્ર 8 વાઈડ બોલ ફેંક્યા, જ્યારે દીપક ચહરે 3 અને તુષાર દેશપાંડેએ બે વાઈડ બોલ ફેંક્યા હતા.
ક્વોલિફાયર મેચ - જાડેજાએ તકનો ફાયદો ઉઠાવ્યો
ધોનીએ કહ્યું હતું કે ગુજરાત ટાઇટન્સ સારી ટીમ છે. તેણે લક્ષ્યનો સારી રીતે પીછો કર્યો. પાછળથી બોલિંગ અમારા માટે ફાયદાકારક હતી. જાડેજાએ તકનો લાભ લીધો હતો. તેણે સારી બોલિંગ કરી. બેટિંગમાં મોઈન ખાન અને જાડેજાના યોગદાનને ભૂલી શકાય એમ નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.