• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Dominance Of Mumbai Indians Players In T 20 World Cup, 6 Players Including Rohit Included In The List; RCB's Only 'VIRAT' Player

કોહિલી પર ભારે રોહિત:T-20 વર્લ્ડ કપમાં મુંબઈ ઈન્ડિયન્સના પ્લેયર્સનો દબદબો, રોહિત સહિત 6 ખેલાડીના નામ યાદીમાં સામેલ; RCBનો એકમાત્ર 'વિરાટ' ખેલાડી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • T-20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં RCB-SRH-KKRના 1 તથા CSKના 1+2 (રિઝર્વ) ખેલાડીનો સમાવેશ

T-20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમના 15 પ્લેયર્સ તથા સ્ટેન્ડબાય પ્લેયર્સની યાદી BCCIએ જાહેર કરી દીધી છે. જેમાંથી 6 ખેલાડી તો IPLની સૌથી મજબૂત ટીમ પૈકી એક મુંબઈ ઈન્ડિયન્સના જ છે. ઉલ્લેખનીય છે કે 2020માં UAEમાં આયોજિત IPLની 13મી સિઝનને પણ મુંબઈ ઈન્ડિયન્સે જ જીતી હતી. તેવામાં એક બાજુ વિરાટ કોહલીએ આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડવા માટે નિર્ણય લીધો છે તો બીજી બાજુ રોહિતની IPL ટીમના ખેલાડીઓનો T-20 ફોર્મેટમાં દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

રોહિત શર્માની IPL ટીમના 6 ખેલાડી સામેલ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ખેલાડીઓ IPLની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડી રહ્યા છે. વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની 'વિરાટ સેના'માં MI ટીમના 6 ખેલાડીના નામ સામેલ છે. જેમાં ઈન્ડિયન ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માની સાથે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન અને રાહુલ ચાહર સામેલ છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપનો મહાસંગ્રામ 17 ઓક્ટોબરથી શરૂ થશે અને આની પહેલા 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી IPL-14 ફેઝ-2 પણ રમાશે.

MIના ખેલાડીઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન
રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપ હેઠળ IPLના 5 ટાઇટલ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને જીતાડ્યા છે. 2020માં IPLની 13મી સીઝનનું આયોજન UAEમાં કરાયું હતું. ત્યારે પણ રોહિતની ટીમ ચેમ્પિયન બની હતી. તેવામાં આ ખેલાડીઓ ઈન્ડિયન ટીમ તરફથી વર્લ્ડ કપમાં પણ પોતાનું બેસ્ટ આપવા મેદાનમાં ઉતરશે. તેવામાં દરેક ખેલાડી IPLમાં આ તમામ સ્ટેડિયમની પિચ સમજી શકશે અને ખેલાડીઓના પ્રદર્શનના આધારે વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમ પોતાની બેસ્ટ પ્લેઇંગ-11 પણ મેદાનમાં ઉતારી શકશે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ઓપનિંગમાં આક્રમક ગેમ રમીને ટીમનો પાયો પાક્કો કરશે ત્યારે બીજી બાજુ બેસ્ટ ફિનિશર રૂપે હાર્દિક પંડ્યા ડેથ ઓવર્સમાં લોફ્ટેડ અને 360 શોટ્સ સાથે ઈન્ડિયન ટીમના સ્કોરબોર્ડને આગળ વધારશે.

UAEમાં આયોજિત IPL-13માં MI ખેલાડીઓનું પ્રદર્શન

  • IPL-2020નું આયોજન UAEમાં કરાયું હતું. તેમાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓના પ્રદર્શન પર એક નજર ફેરવીએ તો સૂર્યકુમાર યાદવે 16 મેચમાં 145ની સ્ટ્રાઇક રેટ સાથે 480 રન કર્યા હતા.
  • MIના કેપ્ટન રોહિત શર્માએ 332 રન તથા હાર્દિક પંડ્યાએ 281 રન કર્યા હતા. તે સમયે હાર્દિકનો સ્ટ્રાઇક રેટ 179 રહ્યો હતો.
  • મુંબઈના કિ-બોલર જસપ્રીત બુમરાહે 15 મેચમાં 15ની એવરેજથી 27 વિકેટ લીધી હતી. જેમાં તેની ઇકોનોમી 7થી ઓછી હતી.
  • રાહુલ ચહરે 15 મેચમાં 15 વિકેટ લીધી હતી તો ઈશાન કિશને પણ આક્રમક બેટિંગ સાથે 500થી વધુ રન કર્યા હતા.

ઈન્ડિયન વર્લ્ડ કપ સ્ક્વોડમાં કઇ IPL ટીમના કેટલા ખેલાડી સામેલ઼

  • મુંબઈ ઈન્ડિયન્સ (MI-6): 6 ખેલાડી- રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, જસપ્રીત બુમરાહ અને રાહુલ ચાહર
  • દિલ્હી કેપિટલ્સ (DC- 3+1): રિષભ પંત, અક્ષર પટેલ અને આર અશ્વિન (શ્રેયસ ઐયર રિઝર્વ ખેલાડી)
  • પંજાબ કિંગ્સ (2): કે.એલ.રાહુલ અને મોહમ્મદ શમી
  • ચેન્નઈ સુપરકિંગ્સ (1+2): રવીન્દ્ર જાડેજા (રિઝર્વ ખેલાડી- દીપક ચાહર અને શાર્દૂલ ઠાકુર)
  • રોયલ ચેલેન્જર બેંગ્લોર (1): વિરાટ કોહલી
  • સનરાઇઝર્સ હૈદરાબાદ (1): ભુવનેશ્વર કુમાર
  • કોલકાતા નાઇટ રાઇડર્સ (1): વરુણ ચક્રવર્તી

મુંબઈ સિવાય દિલ્હી ટીમના 3+1(રિઝર્વ) ખેલાડી
છેલ્લી 2-3 સીઝનથી આક્રમક અંદાજમાં ક્રિકેટ રમીને પોતાની આગવી છાપ છોડનાર દિલ્હી કેપિટલ્સની ટીમના ખેલાડીઓની પણ વર્લ્ડ કપ સ્ક્વોડમાં પસંદગી કરાઈ છે. જેમાં DCના કેપ્ટન રિષભ પંત અને સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલને 15 ખેલાડીઓની યાદીમાં સ્થાન સામેલ કરાયા છે. વળી શ્રેયસ ઐયરને વર્લ્ડ કપ માટે રિઝર્વ રખાયા છે. જોકે શિખર ધવન અને પૃથ્વી શોની પસંદગી થઈ શકી નથી.

મુંબઈ અને દિલ્હી પછી પંજાબ કિંગ્સના 2 ખેલાડી
પંજાબ કિંગ્સના 2 ખેલાડીઓને વર્લ્ડ કપની ઈન્ડિયન સ્ક્વોડમાં સામેલ કરાયા છે. જેમાં પંજાબના કેપ્ટન કે.એલ.રાહુલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગી કરાઈ છે.

RCB-SRH-KKRના 1 તથા CSKના 1+2 (રિઝર્વ) ખેલાડીનો સમાવેશ

  • ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાંથી રવીન્દ્ર જાડેજાને 15 ખેલાડીની યાદીમાં સામેલ કરાયો છે જ્યારે આ ટીમના દીપક ચાહર અને શાર્દૂલ ઠાકુરને સ્ક્વોડમાં સ્ટેન્ડ બાય પર રાખ્યા છે.
  • તેવામાં રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમમાંથી એકમાત્ર વિરાટ બેટ્સમેન કોહલીની પસંદગી કરવામાં આવી છે. એટલું જ નહીં આ સ્ક્વોડમાં વોશિંગ્ટન સુંદર પણ સામેલ હોત પરંતુ તે ઈજાગ્રસ્ત હોવાથી વર્લ્ડકપમાં પ્રદર્શન કરી શકશે નહીં.
  • સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી ભુવનેશ્વર કુમાર અને કોલકાતા નાઇટરાઇડર્સમાંથી વરુણ ચક્રવર્તીની પણ પસંદગી થઈ શકે છે.

લગભગ 14 વર્ષથી T-20 વર્લ્ડ કપની રાહ જોઇ રહ્યા છે ઈન્ડિયન ફેન્સ
ટીમ ઈન્ડિયા ઉપરાંત આ T-20 વર્લ્ડ કપ કેપ્ટન વિરાટ કોહલી માટે પણ મહત્વનો છે. ટીમ 2007થી T-20 વર્લ્ડકપનું ટાઇટલ જીતી શકી નથી. એટલું જ નહીં ટીમ 2013થી એકપણ ICC ટ્રોફી પણ જીતી શકી નથી. બીજી બાજુ, વિરાટ કોહલી અત્યાર સુધી તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાને ICC ટ્રોફી જીતી શક્યો નથી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીના પ્રદર્શન પર પણ નજર રાખવામાં આવશે. તેવામાં ઉલ્લેખનીય છે કે પહેલા આ ટુર્નામેન્ટની મેચ ભારતમાં જ યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેને UAE અને ઓમાનમાં ખસેડવામાં આવી છે. જોકે BCCI જ આ ટૂર્નામેન્ટને હોસ્ટ કરી રહ્યું છે.

T-20 વર્લ્ડ કપની આ 7મી સીઝન છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તેણે બે વખત ટાઇટલ પણ જીત્યું છે. તે જ સમયે, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડની ટીમ એક -એક વખત ચેમ્પિયન બની ચૂકી છે. આ વખતે જોવાનું રહેશે કે આ 5 ટીમોમાંથી કોઇ ટાઇટલ જીતશે કે પછી ક્રિકેટ જગતને નવી ચેમ્પિયન ટીમ મળશે.

અન્ય સમાચારો પણ છે...