માહી FIT @40:ધોનીએ ચિત્તાની જેમ દોડ લગાવી રાજપક્ષેને રનઆઉટ કર્યો, 350મી T20માં સ્પોર્ટ્સમેન સ્પિરિટની ઘટના પણ ચર્ચિત રહી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2016માં માહીએ આવો જ થ્રો કર્યો હતો

IPL-15માં પંજાબ અને ચેન્નઈ વચ્ચે રમાયેલી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. માહીએ પોતાની 350મી T20 મેચમાં રાજપક્ષેને ડાઈવ મારી રનઆઉટ કર્યો હતો. તો બીજી બાજુ લિંવિંગ્સ્ટોનનો મુશ્કેલ કેચ પકડવા માટે પણ જોરદાર ડાઈવ મારી હતી. જોકે ધોની કેચ પકડે એ પહેલા બોલનો જમીન સાથે સંપર્ક થઈ ગયો હતો, એની જાણ માહીએ અમ્પાયરને કરતા તેના સ્પોર્ટ્સમેન સ્પિરિટની પણ ફેન્સ પ્રશંસા કરવા લાગ્યા છે. તો ચલો આપણે મહેન્દ્ર સિંહ ધોનીના રનઆઉટના વીડિયો પર નજર ફેરવીએ....

ધોની રાજપક્ષે કરતા પણ સુપરફાસ્ટ
મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડ્યા પછી અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ 40 વર્ષીય ક્રિકેટરની છેલ્લી મેચ હોઈ શકે છે. તેવામાં પંજાબ સામેની મેચમાં ધોની પોતાની 350મી T20 મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો. જેમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવા ઉતરેલી ચેન્નઈની ટીમના વિકેટકીપરે બીજી જ ઓવરમાં ભાનુકા રાજપક્ષેને રનઆઉટ કર્યો હતો.

ક્રિસ જોર્ડનની ઓવરમાં લેન્થ બોલ પર પંજાબના બેટર રાજપક્ષેએ રન લેવા માટે શિખર ધવનને જાણ કરી પરંતુ બંને વચ્ચે તાલમેલ બરાબર ન સર્જાતા રાજપક્ષે ક્રીઝ તરફ પરત ભાગ્યો હતો. જોકે આ દરમિયાન જોર્ડને બોલ પકડીને સીધો ધોની પાસે થ્રો કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે ધોની હજુ સ્ટમ્પ્સ સુધી પહોંચી શક્યો નહોતો પરંતુ તેણે બોલ કેચ કરી વિકેટ પાસે દોડ લગાવી હતી.

ત્યારપછી 40 વર્ષીય ધોનીએ રાજપક્ષેથી પણ ઝડપી દોડ લગાવી સ્ટમ્પ્સ પાસે આવી બોલ વિકેટ પર થ્રો કર્યો હતો. જેના પરિણામે રાજપક્ષે ક્રીઝની બહાર હોવાથી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે રાજપક્ષે શાનદાર ફોર્મમાં છે અને આ મેચમાં પણ તેણે 5 બોલમાં 1 સિક્સ મારી 9 રન કર્યા હતા. ધોનીએ આ વિકેટ ચેન્નઈને અપાવીને પંજાબની મુશ્કેલીમાં વધારો કર્યો હતો.

ધોનીની સ્પોર્ટ્સમેન શિપે દિલ જીત્યા
ધોનીએ 8મી ઓવરમાં લિયમ લિવિંગ્સ્ટોનનો કેચ પકડ્યો હતો જેને અમ્પાયર આઉટ આપે એ પહેલા માહીએ થર્ડ અમ્પાયરની મદદ લેવા ટકોર કરી હતી. તો ચલો આપણે લિવિંગ્સ્ટોનને કેટલા જીવનદાન મળ્યા એના પર નજર ફેરવીએ.

1. રાયડુએ જીવનદાન આપ્યું​​​

ચેન્નઈ સામેની મેચમાં પહેલા બોલથી જ પંજાબના બેટર લિયમ લિવિંગ્સ્ટોને તોફાની બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન તે જ્યારે 45 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જાડેજાની ઓવરમાં રાયડુએ લિવિંગ્સ્ટોનનો સરળ કેચ છોડ્યો હતો. તે ઓન સાઈડ પર રમવા જતો હતો પરંતુ શોટ ટાઈમ ન થતા બોલ સીધો શોર્ટ થર્ડમેનના ફિલ્ડર પાસે ગયો હતો પરંતુ રાયડુએ આ કેચ છોડી દીધો હતો.

2. ધોની પાસે કેચ પહોંચ્યો નહીં, સ્પોર્ટ્સમેન સ્પિરિટની પ્રશંસા

8મી ઓવર કરવા માટે ચેન્નઈના પ્રિટોરિયસ બોલિંગ કરી રહ્યો હતો. જેના બીજા બોલ પર લિવિંગ્સ્ટોને લેગ સ્ટમ્પના ફુલર લેન્થ બોલ પર ફ્લિક શોટ માર્યો હતો. જેનો સીધો કેચ ધોની પાસે ગયો હતો અને તેણે લગભગ પકડી પણ લીધો હતો, જોકે અમ્પાયરને માહીએ સામેથી કહ્યું કે આ કેચ અંગે હું સ્યોર નથી તમે થર્ડ અમ્પાયરની મદદ લઈ શકો છે. તેવામાં રિપ્લે જોતા સ્પષ્ટપણે જોવા મળ્યું કે ધોની બોલ પકડે એની પહેલા જમીન સાથે એનો સંપર્ક થઈ ગયો હતો. તેથી લિવિંગ્સ્ટોનને બીજુ જીવનદાન મળ્યું હતું. જોકે ત્યારપછી ધોનીની સ્પોર્ટ્સમેનશિપની પ્રશંસા થવા લાગી હતી.

2016માં માહીએ આવો જ થ્રો કર્યો હતો

મહેન્દ્ર સિંહ ધોનીનો થ્રો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ધોની અત્યારે 40 વર્ષનો થઈ ગયો છે પરંતુ આટલો ફિટ અને ફાસ્ટ જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે. એમ.એસ.ધોનીએ આજે જેવી રીતે રનઆઉટ કર્યો એવો જ 2016 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે છેલ્લી ઓવરમાં કર્યો હતો. ત્યારે પણ ધોનીએ લાંબી દોડ લગાવી મુસ્તફિઝુર રહેમાનને આઉટ કર્યો હતો.

ધોનીની 350મી T20 મેચ

એમએસ ધોનીની આ 350મી T20 મેચ છે. ભારત માટે 350, T20 મેચ રમનારા રોહિત શર્મા પછી તે માત્ર બીજો ભારતીય ખેલાડી છે જેને આ પડાવ પાર કર્યો છે. તમને જણાવી દઈએ કે T20માં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ કિરોન પોલાર્ડ (583)ના નામે છે.

અન્ય સમાચારો પણ છે...