IPL-2022નો પહેલો કોરોના કેસ:મેચના એક દિવસ પહેલા દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પોઝિટિવ, મેડિકલ ટીમે સારવાર શરૂ કરી; મેચ રમવા પર સસ્પેન્સ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 પર ફરીથી કોરોનાનું સકંટ ચિંતાનો વિષય બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સના આધારે DCના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન IPLએ જે જાણકારી બહાર પાડી છે તેમાં કહ્યું છે કે પેટ્રિકને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને તેઓ અત્યારે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

સંપર્કમાં આવેલા ખેલાડીની સુરક્ષા પર નજર
દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પોઝિટિવ આવ્યા પછી તેમના સંપર્કમાં આવેલા અન્ય ખેલાડી તથા સ્ટાફની સુરક્ષા માટે પણ ફ્રેન્ચાઈઝી પગલા ભરી રહી છે. જોકે મીડિયા રિપોર્ટ્સના આધારે મોટાભાગના ખેલાડી ફિટ છે અને તેઓ માત્ર પ્રેક્ટિસ સેશન પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ગત સિઝનની ભૂલ ફરીથી થઈ?
પેટ્રિક ફરહાર્ટ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓના સંપર્કમાં રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો ટેસ્ટમાં અન્ય કોઈ સંક્રમિત જણાય તો તેને પણ આઈસોલેટ કરવામાં આવશે. તે જ સમયે, વધુ ખેલાડીઓ સંક્રમિત થવાની સ્થિતિમાં મેચ સ્થગિત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ઘણા કેસ નોંધાયા હતા. ત્યારપછી BCCIએ IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. પછી ફેઝ-2નું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું.

આ સિઝનમાં અત્યારે દિલ્હીનો વિનિંગ રેટ 50%
દિલ્હી કેપિટલ્સના IPL 2022માં પ્રદર્શનની વાત કરીએ તો, ટીમે અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે. આ દરમિયાન તેણે બે મેચ જીતી છે અને બે મેચમાં હારનો સામનો કર્યો છે. દિલ્હીએ પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. ત્યારપછી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ તેની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. આની સાથે પોઈન્ટ ટેબલમાં રિષભ પંતની ટીમ ચાર મેચમાં ચાર પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.

DCએ 44 રનથી KKRને હરાવ્યું
IPLમાં 10 એપ્રિલ રવિવારે ડબલ હેડરનો દિવસ હતો, જેની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે 44 રનથી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી દીધું હતું. કુલદીપ યાદવે આ મેચમાં શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ લીધી હતી. આની સાથે જ ખલીલ અહેમદે પણ 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેવામાં 216 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 171 રન જ કરી શકી હતી. આ ઈનિંગમાં કેપ્ટન શ્રેયસે શાનદાર ફિફ્ટી મારી હતી પરંતુ તે કોલકાતાને મેચ જિતાડી શક્યો નહોતો.

માત્ર 4 મેદાન પર મેચ રમાઈ રહી છે
ટૂર્નામેન્ટને કોરોનાથી બચાવવા માટે લીગની તમામ 70 મેચો મુંબઈ અને પુણેના મેદાન પર રમાઈ રહી છે. મુંબઈમાં મેચ વાનખેડે, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. તે જ સમયે, પુણેમાં મેચ એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

જોકે વર્તમાન સિઝનમાં પહેલો કોરોના કેસ સામે આવ્યા પછી BCCIની ચિંતામાં વધારો થયો છે. તેવામાં દિલ્હીની ટીમ શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમશે.

2019 પછી ભારતમાં IPLનું કમબેક
ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી 2 સીઝન યુએઈમાં રમાઈ હતી. કોરોના વાયરસના કારણે IPLની છેલ્લી બંને સિઝન UAEમાં રમાઈ હતી, પરંતુ આ વખતે ટૂર્નામેન્ટ ભારતમાં પાછી આવી છે. જોકે ગયા વર્ષે પણ ભારતમાં IPL મેચો રમાઈ હતી, પરંતુ કોરોના કેસ સામે આવ્યા પછી IPL 2021ને અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને લીગની બાકીની મેચો યુએઈ દ્વારા યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...