IPLની બુધવારની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી. આ મેચને RCBએ 3 વિકેટે જીતી લીધી હતી. મેચમાં બે શાનદાર કેચ જોવા મળ્યા હતા. પ્રથમ કેચ RCBના ડેવિડ વિલીએ પકડ્યો હતો અને બીજી કેચ KKRના વિકેટકીપર શેલ્ડન જેક્સને પકડ્યો હતો.
કોલકાતાની ઈનિંગમાં છઠ્ઠી ઓવરમાં ડેવિડ વિલીએ નીતીશ રાણાનો કેચ પકડ્યો હતો. વિલી કેચ પકડ્યા પછી ત્રણ સેકન્ડ સુધી ગુલાટ્યા મારતો રહ્યો. કોઈને વિશ્વાસ નહોતો કે વિલી કેચ પકડી શકશે.
વિલીના પહેલાં આ સીઝનની ચોથી મેચમાં ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલે પણ લખનઉ સામેની મેચમાં 31 મીટર દોડીને આવો જ શાનદાર કેચ પકડ્યો હતો. વિલી અને ગિલના કેચને જોઈને દર્શકોને કપિલ દેવે 1983ના વર્લ્ડ કપમાં કરેલો કેચ યાદ આવી ગયો.
જેક્શને અપાવી ગિલક્રિસ્ટની યાદ
આ તરફ RCBની ઈનિંગ દરમિયાન 18મી ઓવરમાં બીજા બોલ પર કોલકાતાના વિકેટકીપર શેલ્ડન જેક્સને પણ શાનદાર કેચ પકડ્યો હતો. સાઉદીએ ફેંકેલા બોલને શેરફેન રદરફોર્ડે મિડવિકેટ તરફ રમવા માગતો હતો, પરંતુ બોલ બેટને અડીને વિકેટકીપર તરફ ગયો. જેક્સને સુપરમેનની જેમ છલાંગ લગાવી કેચ પકડી લીધો હતો. જેક્સને કેચ પકડ્યો તો કમેન્ટરી કરી રહેલા સુરેશ રૈનાએ કહ્યું હતું કે આ કેચ જોઈને મને ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટની યાદ આવી ગઈ.
આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઘણો વાઈરલ થઈ રહ્યો છે. ગત મેચમાં જેક્સન ચેન્નઈ સુપર કિંગ્સ સામે પણ કમાલની સ્ટંપિંગ કરતો નજરે પડ્યો હતો. જોકે RCB સામેની મેચમાં જેક્સન બેટિંગમાં કમાલ ન કરી શક્યો અને તે ખોતું ખોલ્યા વગર હસરંગાના બોલ પર બોલ્ડ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.