• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Cricket South Africa (CSA) Only Wished Lungi Angidi For A Victory, Dale Steyn & Duplesis Got Angry; The Controversy Went Viral

ડુપ્લેસિસ સાથે અન્યાય!:ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ માત્ર એન્ગિડીને ટ્રોફી જીતવાની શુભેચ્છા પાઠવી, ડુપ્લેસિસને ભૂલી જતા ડેલ સ્ટેન ભડક્યો; વિવાદ વાઈરલ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021ની ચેમ્પિયન બની ગઈ છે, ટીમની આ ઐતિહાસિક જીતમાં ઘણા દક્ષિણ આફ્રિકન ખેલાડીનો ફાળો રહ્યો હતો. તેવામાં સાઉથ આફ્રિકા ક્રિકેટે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી માત્ર CSKના લુન્ગી એન્ગિડીને જ શુભેચ્છા પાઠવી હતી. તેવામાં ફાફ ડુપ્લેસિસ અને ઈમરાન તાહિરનો ઉલ્લેખ ન કરાતા ફેન્સની સાથે ભૂતપૂર્વ ક્રિકેટર ડેલ સ્ટેને વિરોધ કર્યો હતો.

એન્ગિડી પ્લેઇંગ-11માં પણ નહોતો અને શુભેચ્છા પાઠવી
રસપ્રદ વાત તો એ છે કે લુન્ગી એન્ગિડીને તો ફાઇનલ મેચની પ્લેઇંગ-11માં પણ તક નહોતી આપવામાં આવી. છતા CSAએ માત્ર તેને જ શુભેચ્છા પાઠવી હોવાથી વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ચેન્નઈ સુપર કિંગ્સને હાઇસ્કોરિંગ ટોટલ સુધી લઈ જવામાં ફાફ ડુપ્લેસિસનો રોલ મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. તેણે 2 રનના અંગત સ્કોર પર મળેલા જીવનદાનનો ફાયદો ઉઠાવી 59 બોલમાં 86 રન કર્યા હતા. ડુપ્લેસિસે 3 સિક્સ અને 7 ચોગ્ગા સાથે વિસ્ફોટક બેટિંગ કરી ઓપનિંગથી છેલ્લી ઓવર સુધી ટીમનો એક એન્ડ સંભાળી રાખ્યો હતો. જેના કારણે ટીમ 192 રનના મેચ વિનિંગ ટોટલ સુધી પહોંચી ગઈ હતી.

ડેલ સ્ટેનની સાથે ડુપ્લેસિસ પણ ભડક્યો
ડેલ સ્ટેને લખ્યું હતું કે પહેલા મને એ જણાવો કે આ અકાઉન્ટ કોણ ચલાવી રહ્યું છે. ફાફ અને તાહિર હજુ સુધી નિવૃત્ત પણ નથી થયા અને તેમણે દક્ષિણ આફ્રિકન ક્રિકેટને સારી સેવા પૂરી પાડી છે. તેવામાં CSA શું આ બંને ખેલાડીના નામ પણ ટેગ નથી કરી શકતું. જેના જવાબમાં ફાફ ડુપ્લેસિસે વધારે કંઈ નહોતું લખ્યું પરંતુ CSAના અકાઉન્ટને ટેગ કરી 'સાચ્ચે?' લખ્યું હતું. આવી રીતે બંને લિજેન્ડ ક્રિકેટર્સે દક્ષિણ આફ્રિકન બોર્ડને આડેહાથ લીધું હતું.

ડેલ સ્ટેને ટ્વિટરમાં પણ વિરોધ કર્યો
ચેન્નઈની જીત પછી ફાફ જોડે થયેલા અન્યાયના પગલે ડેલ સ્ટેને પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેણે ટ્વિટર પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે અત્યારે દક્ષિણ આફ્રિકાના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં જે ચાલી રહ્યું છે તેના વિશે ચર્ચા કરવાની જરૂર છે. જોકે ત્યારપછી CSAએ કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું, જેમાં ડેલ સ્ટેને લખ્યું હતું કે આ પોસ્ટ ડિલિટ કરીને દરેક ખેલાડીના નામ લખવા જોઈએ.

CSAએ નવી પોસ્ટ કરી, ડુપ્લેસિસને ખાસ શુભેચ્છા પાઠવી
જોકે આ વિવાદ પછી CSAએ આ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી અને ત્યારપછી નવી પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે IPL ફાઇનલ જીતનારી ચેન્નઈ સુપર કિંગ્સની સાથે આ ટીમના દરેક દક્ષિણ આફ્રિકન ખેલાડીને અભિનંદન. ખાસ કરીને મેન ઓફ ધ મેચ ફાફ ડુપ્લેસિસને તેના પ્રદર્શનના પરિણામે અમે શુભેચ્છા પાઠવી રહ્યા છીએ.

ધોનીના સુપરકિંગ્સનો 27 રનથી ભવ્ય વિજય
ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2021ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવીને ચોથી વાર ટ્રોફી જીતી લીધી છે. ટોસ હાર્યા પછી ચેન્નઈએ 192/3નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 165 રન જ કરી શકી હતી, જેથી ચેન્નઈએ 27 રનથી KKRને હરાવી મેચની સાથે ચોથી IPL ટ્રોફી જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...