ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે IPL 2022માં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. રોબિન ઉથપ્પા અને શિવમ દુબેએ આક્રમક ઈનિંગ રમતા 88 અને 95 રન બનાવ્યા હતા. તે જ સમયે, 36 વર્ષીય અંબાતી રાયડુએ RCBની બેટિંગ દરમિયાન એક અદ્ભુત કેચ પકડ્યો હતો.
ચેન્નઈ તરફથી રવિન્દ્ર જાડેજા 16મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે ઓવરનો ચોથો બોલ સારી લેન્થ પર ફેંક્યો, જેના પર આકાશ દીપ ટાઈમિંગ વગરનો શોટ રમી બેઠો.
બોલ શોટ કવર પર ઉભેલા અંબાતીથી થોડે દૂર હતો, પરંતુ રાયડૂએ ચિત્તા જેવી સ્ફૂર્તી બતાવી અને જમણી બાજુએ શાનદાર કૂદકો મારીને અવિશ્વસનીય કેચ પકડ્યો. 36 વર્ષની ઉંમરે રાયડુની ફિટનેસે બધાને ચોંકાવી દીધા હતા.
બેટિંગ કરવા ન આવ્યો રાયડૂ
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની ટીમે રોબિન ઉથપ્પા અને શિવમ દુબેની વિસ્ફોટક ઈનિંગ્સના આધારે 20 ઓવરમાં 217 રન બનાવ્યા હતા. મેચમાં રાયડુ પહેલા શિવમ દુબેને બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો અને આ નિર્ણય ટીમ માટે યોગ્ય સાબિત થયો હતો.
શિવમે મેચમાં 46 બોલમાં 95 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. શિવમે 200થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તે જ સમયે, ઓપનર ઉથપ્પાએ મેચમાં 50 બોલમાં 88 રનની ઇનિંગ રમી હતી. ઉથપ્પાએ આ મેચમાં 9 સિક્સર પણ ફટકારી હતી.
6 કરોડ 25 લાખમાં રાયડૂ ચેન્નઈની ટીમનો ભાગ બન્યો હતો
તમને જણાવી દઈએ કે IPL 2022માં ચેન્નઈની આ પહેલી જીત છે. આ પહેલા ટીમે 4 મેચ રમી હતી અને ચારેય મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. રાયડુનું બેટ પણ આ સિઝનમાં કંઈ ખાસ કરી શક્યું નથી. 36 વર્ષની ઉંમરે ચેન્નઈની ટીમે રાયડુને 6 કરોડ 25 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સિઝનની 5 મેચમાં રાયડુના બેટથી માત્ર 85 રન જ થયા છે.
ચેન્નઈની પ્રથમ જીત અને આકર્ષક કેચથી રાયડુનો આત્મવિશ્વાસ વધ્યો હશે. આગામી મેચમાં ચેન્નઈની ટીમ તેના બેટથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.