IPL 2022માં બુધવારે CSK અને RCB વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ધોનીની વિકેટ જતા વિરાટ કોહલી અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા હોબાળો મચી ગયો છે. ફેન્સે કહ્યું કે વિરાટની વિકેટ લીધા પછી ધોનીએ ક્યારેય અભદ્ર ભાષાનો પ્રયોગ નથી કર્યો. સેલિબ્રેશન કરવું બરાબર છે પરંતુ કોહલીએ જે કર્યું એ અયોગ્ય છે. તો બીજી બાજુ ઘણા ફેન્સે તેને દેશદ્રોહી પણ કહી દીધો હતો. આ તમામ ચર્ચાઓ વચ્ચે સારી વાત એ રહી કે મેચ પછી વિરાટ અને ધોની ભેટી પડ્યા હતા. પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ચલો સમગ્ર ઘટનાક્રમ સહિત ફેન્સની પ્રતિક્રિયા પર નજર કરીએ....
ધોનીની વિકેટ મહત્ત્વપૂર્ણ રહી
ચેન્નઈના કેપ્ટન અને ફિનિશર મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટ પડ્યા પછી ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોશ હેઝલવુડની ઓવરમાં ધોની માત્ર 2 રન જ કરી શક્યો અને રજત પાટીદારના હાથે કેચ આઉટ થયો હતો. જોકે આ દરમિયાન વિરાટ કોહલીએ એવું સેલિબ્રેશન કર્યું જેની કોઈને કલ્પના નહોતી. કેપ્ટન કૂલ આઉટ થઈ જતા તે અભદ્ર ભાષા બોલતો જોવા મળ્યો હતો. જેનાથી ફેન્સ અકળાઈ ગયા છે.
ફેન્સે કહ્યું ગુરૂ સાથે આમ ન કરાય, અન્ય ફેન્સે કહ્યું કોહલીની ઈચ્છા અપમાનની નહોતી
વિરાટ કોહલીની આ પ્રતિક્રિયા સામે ફેન્સે કહ્યું કે જુસ્સો બીજી બાજુ હોય પરંતુ જો તો ખરા કે તું કોના માટે આવી ભાષાનો પ્રયોગ કરે છે. ધોનીએ ક્યારેય તારી વિકેટ પડ્યા પછી આમ અભદ્ર ભાષાનો ઉપયોગ નથી કર્યો. તે ખુશ થયો હશે સેલિબ્રેશન પણ કર્યું હશે. પરંતુ આ યોગ્ય નથી. તો અન્ય એક યૂઝરે કહ્યું કે વિરાટ તો એન્ટી નેશનલ એટલે કે રાષ્ટ્રવિરોધી છે. તો બીજી બાજુ અન્ય ફેન્સે કહ્યું કે કોહલીનો આ સ્વભાવ છે અને એ ક્યારેય પણ ધોનીનું અપમાન કરી શકે નહીં. આ માત્ર ગેમની હિટ ઓફ મોમેન્ટ હતી. આ દરમિયાન સારી વસ્તુ એ બહાર આવી કે ધોની અને કોહલી મેચ પછી એકબીજાને ભેટી પડ્યા હતા. પરંતુ વિરાટના વાઈરલ વીડિયોથી સોશિયલ મીડિયામાં ફેન્સ વચ્ચે જંગ જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.