IPL 2022ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પંજાબના બેટરથી નારાજ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બેટિંગ દરમિયાન પંજાબનો લિયમ લિવિંગસ્ટોન ક્યારેક સ્ટમ્પ ઢાંકીને ઉભો રહી જાય તો ક્યારેક ઓફ સાઈડની બહાર સ્ટાન્સ લઈ લેતો. આ જોઈને પ્રસિદ્ધ કૃષ્ણા ભડક્યો અને તાત્કાલિક અમ્પાયરને લિવિંગસ્ટોનની ફરિયાદ કરવા પહોંચ્યો હતો.
19મી ઓવરમાં કૃષ્ણા ભડક્યો, અમ્પાયરને ફરિયાદ કરી
પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં લિયમ લિવિંગસ્ટોન લગભગ ઓફ સાઈડ બહાર 7મા સ્ટમ્પની લાઈન પાસે આવીને ઊભો રહી ગયો હતો. આ જોઈને ઓવરનો પહેલો બોલ નાંખે એની પહેલા કૃષ્ણા સીધો અમ્પાયર પાસે પહોંચ્યો. આ અંગે તેને ફરિયાદ કરી અને બંને વચ્ચે ચર્ચા પણ ચાલી રહી હતી.
અમ્પાયર સાથે પ્રસિદ્ધની વાતચીત દરમિયાન જણાયેલી પ્રતિક્રિયા પરથી સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે તે નારાજ છે. જેવી રીતે લિવિંગસ્ટોન સ્ટમ્પને ઢાંકીને અથવા ક્યારેક ઓફ સાઈડ બહાર આવી જાય છે એનાથી બોલર ગુસ્સે થઈ ગયો હતો.
આ દરમિયાન અનુમાન લગાવાઈ રહ્યું છે કે પ્રસિદ્ધે અમ્પાયરને કહ્યું કે આ બધું શું છે? આ કેમ આવી રીતે સ્ટાન્સ લઈને ઊભો છે. જોકે ત્યારપછી બંને હસવા લાગ્યા અને કૃષ્ણાએ ઓવર ફેંકવાની શરૂ કરી દીધી હતી.
લિવિંગસ્ટોને ચોગ્ગા-છગ્ગા ફટકારી ધોઈ નાખ્યો
19મી ઓવરમાં આ વિવાદ થતા લિવિંગસ્ટોનને કોઈ ફેર પડ્યો નહોતો. તેણે તો આક્રમક અંદાજે બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને પ્રસિદ્ધ કૃષ્ણાના બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ત્યારપછી ચોથા બોલ પર પણ તેણએ ચોગ્ગો ફટકારી આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.
વીડિયો જોવા અહીં ક્લિક કરો...
કૃષ્ણાએ ક્લીન બોલ્ડ કર્યો
લિવિંગસ્ટોનના સ્ટમ્પ પાસેની વિવિધ બેટિંગ સ્ટાન્સથી પહેલા તેને ફાયદો થયો પરંતુ ત્યારપછી આ ઓવરમાં કૃષ્ણાએ જ કમબેક કર્યું હતું. 19મી ઓવરના પાંચમા બોલ પર ફરીથી લિવિંગસ્ટોન પોતાના સ્ટાન્સ બદલીને બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના ત્રણેય સ્ટમ્પ જોવા મળતા પ્રસિદ્ધ યોર્કર ફેંકી તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. આ દરમિયાન લિયમ લિવિંગસ્ટોન 14 બોલમાં 22 રન કરી આઉટ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.