ફરી પિતા બનશે મહેન્દ્ર સિંહ ધોની!:કેપ્ટન કૂલની પત્ની સાક્ષી પ્રેગ્નન્ટ હોવાની વાત સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ

એક મહિનો પહેલા

'કેપ્ટન કૂલ ધોની'એ ટાઈટલની સાથે ફેન્સને વધુ એક ખુશખબરી આપવા જઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સાક્ષી જ્યારે જીતની ઉજવણી કરી રહી હતી ત્યારે તે પ્રેગ્નન્ટ હોય એવું લાગી રહ્યું હતું. એવામાં અત્યારે મીડિયાના અહેવાલોના આધારે, સુરેશ રૈનાની પત્નીએ પણ આ વાત સ્વીકારી છે કે સાક્ષી ધોની ફરીથી માતા બનવા જઈ રહી છે. આ સમાચાર બહાર આવતાંની સાથે જ સોશિયલ મીડિયામાં ફેન્સ કેપ્ટન કૂલ અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ શુક્રવારે ચેન્નઈ સુપરકિંગ્સને ચોથી વાર ટાઈટલ જિતાડ્યું હતું, જેમાં CSKએ ધોનીની કેપ્ટનશિપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવ્યું હતું. ચેન્નઈની ટીમે આની પહેલાં 2010, 2011 અને 2018માં પણ ટાઈટલ જીત્યું હતું. ચેન્નઈ સુપરકિંગ્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતાં 192 રન કર્યા હતા, જેના જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 165 રન જ કરી શકી હતી.

આ મેચમાં ધોનીની કેપ્ટનશિપે ફરીથી ચેન્નઈને ટાઈટલ જિતાડ્યું હોવાથી ફેન્સની સાથે તેમનો પરિવાર પણ ભાવુક થઈ ગયો હતો. ચેન્નઈની જીત પછી ધોનીની પત્ની સાક્ષી અને તેની દીકરી ઝિવા, જે દર્શકો સાથે સ્ટેન્ડ્સમાં પણ હાજર રહી હતી. મેદાન પર જ્યારે ધોનીને મળવા માટે ગઈ ત્યારે એટલી ભાવુક થઈ ગઈ હતી કે તાત્કાલિક તે પતિને ભેટી પડી હતી. ત્યાર પછી ઝિવા પણ તેમની પાસે આવી જાય છે અને આખો પરિવાર એકબીજાને ભેટી પડે છે. આને ધોનીના પરિવારનો પર્ફેક્ટ વીડિયો ગણવામાં આવી રહ્યો છે. વળી, વધુ એક વીડિયોમાં ચેન્નઈની જીત પછી સાક્ષી ઉજવણી કરતી જોવા મળી હતી.

કેપ્ટન કૂલની પ્રેમકહાણી
દેહરાદૂનની રહેવાસી સાક્ષીએ 4 જુલાઈ 2010ના દિવસે ધોની સાથે લગ્ન કર્યા હતા. એ સમયે સાક્ષી હોટ મેનેજમેન્ટના અભ્યાસની સાથે કોલકાતામાં તાજ બેંગોલ હોટલમાં ટ્રેની તરીકે કામ પણ કરી રહી હતી. સાક્ષી અને પૂર્વ ઈન્ડિયન કેપ્ટન ધોની બાળપણથી જ એકબીજાને ઓળખતાં હતાં અને બંનેના પિતા પણ એક જ ફર્મમાં કામ કરતા હતા.

કોલકાતામાં થઈ સાક્ષી-ધોનીની મુલાકાત
લગભગ 10 વર્ષ બાદ સાક્ષી અને ધોની એકબીજાને કોલકાતામાં મળ્યાં હતાં. ત્યાર પછી 2 વર્ષની દોસ્તી પછી તેમણે લગ્ન કરી લીધાં હતાં. સાક્ષી અને ધોનીને એક દીકરી પણ છે, તેનું નામ ઝિવા છે. મહેન્દ્ર સિંહ ધોની ફેબ્રુઆરી 2015માં પહેલીવાર પિતા બન્યો બતો અને ઝિવા અત્યારે 6 વર્ષની છે, પરંતુ અત્યારે મીડિયાના અહેવાલોના આધારે જોવા જઈએ તો સાક્ષી ધોની ફરીથી પ્રેગ્નન્ટ હોવાની વાત સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...