ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની આ સીઝનમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. મંગળવારે રમાયેલી ક્વોલિફાયર-1માં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું.
ખરાબ સમયનો સામનો કર્યો- હાર્દિક
આ જીત બાદ ગુજરાત ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા ઘણો ભાવુક થઈ ગયો હતો. મેચ બાદ તેણે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે મેં મારા જીવમાં તમામ વસ્તુને બેલેન્સ કરવાનું શીખી લીધું છે. છેલ્લાં અમુક વર્ષોમાં હું મુશ્કેલ સમયમાંથી પસાર થયો છું. એનો સામનો કરવો મારા માટે સરળ નહોતો. મારો પરિવાર, પુત્ર, પત્ની અને મારા ભાઈએ આમા મને ઘણો સાથ આપ્યો હતો. ટૂર્નામેન્ટ પછી હું ઘરે જઈશ અને પરિવાર સાથે સમય પસાર કરીશ. જે મને સારું ક્રિકેટ રમવામાં મદદ કરે છે. હાલ હું વધુ ભાવુક થવા માગતો નથી, સામાન્ય રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું.
ટીમના સભ્યો વિશે વાત કરી
હાર્દિકે વધુમાં કહ્યું હતું કે તમામ 23 ખેલાડીમાં અલગ ખાસિયત છે અને સાથે અલગ-અલગ અનુભવ શેર કરે છે. મેં ડેવિડ મિલરને કહ્યું હતું કે જો તમારી આસપાસ સારા લોકો હોય તો તમને સારું લાગે છે. આ જ કારણે આપણે સારું પ્રદર્શન કરી શકીએ છીએ અને હવે અમે ફાઈનલ રમીશું. આપણે રમતની પ્રતિષ્ઠા જાળવવી જોઈએ. રાશિદ ખાન એક સારી વ્યક્તિ છે, મિલરને રમતો જોઈ મને ગર્વ થયો.
જીતમાં દરેક ખેલાડીનું યોગદાન જરૂરી
તેણે વધુમાં કહ્યું હતું કે હું ટીમની જરૂરત પ્રમાણે બેટિંગ કરું છું. તમારું સ્થાન કયું છે એનો કોઈ ફરક પડતો નથી. ગ્રુપ મેચમાં અમે મુંબઈ સામે ભૂલો કરી હતી, જેને અમે રિપીટ કરવા માગતા નથી. હું દરેક ખેલાડીને પ્રોત્સાહન આપવા માગતો હતો અને કહેવા ઈચ્છતો હતો કે દરેક ખેલાડી યોગદાન આપે. પછી તે 10, 15 કે 20 રન કેમ ન હોય.
જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી હું ઈચ્છતો હતો કે IPL હું જીતું. હું ચોથી વખત IPLની ફાઈનલમાં પહોંચ્યો છું, અગાઉની ટૂર્નામેન્ટ હું જીત્યો છું અને આ વાત મેં ટીમના સભ્યોને કહી છે.
ગુજરાત 7 વિકેટે જીત્યું
ક્વાલિફાયર 1માં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 6 વિકેટના નુકસાને 188 રન બનાવ્યા હતા, જેમાં સૌથી વધારે રન બટલરે 56 બોલમાં 89 અને સંજુ સેમસને 26 બોલમાં 47 રન કર્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમે 19.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને વિજય લક્ષ્યાંક મેળવી લીધો હતો. ગુજરાત તરફથી મિલરે 38 બોલમાં 68 રન, હાર્દિકે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ગીલ અને મેથ્યુ વાડેએ 35-35 રન બનાવ્યા હતા.
મારું નામ વેચાય છે
હાર્દિકે કહ્યું હતું કે લોકો તો વાતો કરશે, તેમનું કામ જ એ છે. હાર્દિક પંડ્યાનું નામ હંમેશા વેચાય છે અને મને આનાથી કંઈ વાંધો નથી. હું હસીને તેનો સામનો કરું છું.
ધોની મોટાભાઈ સમાન
તેણે કહ્યું હતું કે માહીભાઈએ મારા જીવનમાં મોટી ભૂમિકા નિભાવી છે. તે મારા ભાઈ, મિત્ર અને પરીવાર સમાન છે. મેં તેની પાસેથી ઘણી વસ્તુઓ શીખી છે.
આ સીઝનમાં હાર્દિકે 45થી વધારેની સરેરાશથી 453 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 132.84 છે. તેણે પાંચ વિકેટ પણ ઝડપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.