IPL 2022 ક્લોઝિંગ સેરેમની (29 મે) ફાઇનલ મેચ પહેલાં યોજાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમાં મોહિત ચૌહાણ, બેની દયાળ, શ્યામક દાવર અને ક્રૂ ડાન્સર રંગારંગ કાર્યક્રમમાં ભાગ લેશે. એની શરૂઆત સાંજે 6.30 વાગ્યાથી થશે અને 7.30 વાગ્યે બંને ટીમ (GT vs RR) વચ્ચે ટોસ થશે. આની સાથે જ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાનના સ્પેશિયલ શોનું પણ આયોજન કરાયું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટની સંપૂર્ણ અત્યારસુધીની સફર સહિત સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ક્રિકેટની સફરનું RECAP
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ક્લોઝિંગ સેરેમની દરમિયાન ભારતીય ક્રિકેટની સફર પણ દર્શાવવામાં આવશે, જેમાં ઈન્ડિયન ક્રિકેટની અત્યારસુધીની સફર કેવી રહી અને ટીમે જે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે એના પર પણ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યાર પછી આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે. એવામાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન ભારતીય ટેલિવિઝન પર કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમીર ખાન સ્ટેડિયમમાં હાજરી નહીં આપે એ લાઈવ મેચના શોમાં ભાગ લઈ શકે છે.
દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષને લઈ ખાસ શો
મીડિયા રિપોર્ટ્સના આધારે, આ કાર્યક્રમમાં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષને ધ્યાનમાં રાખી ખાસ ઉજવણી કરાશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે.
સ્ટેડિયમમાં RGB લાઈટ સહિત સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિંગ ઓફ ફાયરને સાઉન્ડ સિસ્ટમ સાથે ખાસ લાઈટિંગની સુવિધાની વ્યવસ્થા કરાઈ છે. આ સેરેમની દરમિયાન મોદી સ્ટેડિયમમાં ફાયર ક્રેકર્સની આતશબાજી પણ થશે. વળી, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધી ફાઈનલની 1 લાખ 30 હજાર ટિકિટોનું વેચાણ થઈ ગયું છે, જેથી 100 ટકા ફેન્સની કેપેસિટી સાથે આ રંગારંગ કાર્યક્રમનું આયોજન થશે. તો બીજી બાજુ ક્વોલિફાયર-2ની વાત કરીએ તો એમાં લગભગ 85 હજાર દર્શકો મેચ જોવા પહોંચ્યા હોવાની માહિતી મળી છે.
2018માં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થયું હતું
IPLમાં લગભગ 4 વર્ષના અંતરાળ પછી ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થઈ રહ્યું છે. તેવામાં ગુજરાત અને રાજસ્થાનની મેચ શરૂ થવાની 50 મિનિટ પહેલાં આ કાર્યક્રમ યોજાશે. ત્યાર પછી મેચ 8 વાગ્યાથી શરૂ થશે. આ ઇવેન્ટ દરમિયાન BCCI ખૂબ જ અનોખી રીતે ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે. કોરોના મહામારીને કારણે છેલ્લાં ચાર વર્ષથી IPL સંબંધિત કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું, પરંતુ આ વખતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અગાઉ વર્ષ 2018માં છેલ્લી IPL ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.