ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન દર્શકો વિના 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. દેશમાં સતત વધતા કોરોનાના કેસને લીધે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પણ ખેલાડીઓની ચિંતા થઈ રહી છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે, IPL શરૂ થાય એ પહેલાં અમે બધા ખેલાડીઓ વેક્સિન લઈલે એ માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
રાજીવ અનુસાર, બોર્ડ વેક્સિન માટે સ્વાસ્થ્ય મંત્રાલયના સંપર્કમાં છે. IPLની 14મી સીઝન 52 દિવસ ચાલશે. ટૂર્નામેન્ટ 9 એપ્રિલથી 30 મે સુધી ચાલશે. ટૂર્નામેન્ટ બાયો-બબલમાં રમાશે.
ઇન્દોર અને હૈદરાબાદમાં થઈ શકે છે મેચ
IPLના તમામ મુકાબલા 6 શહેરો- અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં થશે. મુંબઈમાં સતત વધતા કેસને લીધે ઇન્દોર અને હૈદરાબાદને વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો ઇન્દોર અને હૈદરાબાદમાં મેચ કરાવવા માટે તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. અમુક મેચો અહીં રમાઈ શકે છે. શેડ્યૂલ પ્રમાણે પ્લેઓફ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ખેલાડીઓ વેક્સિન લગાવે એ બહુ જરૂરી: રાજીવ
રાજીવે કહ્યું કે, સતત વધતા કેસથી લડવાની એક જ રીત છે. એ વેક્સિન છે. BCCI પણ એ જ માને છે કે ખેલાડીઓએ વેક્સિન લગાવી જોઈએ. કોઈ નથી જાણતું કે કોરોનાવાયરસ ક્યારે સમાપ્ત થશે. તેવામાં ખેલાડીઓ માટે રમવું સરળ નહીં હોય. મારુ માનવું છે કે હવે આપણે વેક્સિન અંગે વિચારવું જોઈએ. ખેલાડીઓ વેક્સિન લગાવે એ બહુ જરૂરી છે.
BCCI ઉપાધ્યક્ષને પૂછવામાં આવ્યું કે, ખેલાડીઓને વેક્સિન લગાવવામાં આવે એ બાબતે બોર્ડે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વાત કરી છે અથવા લેખિત આવેદન આપ્યું છે? આ અંગે તેમણે જવાબ આપ્યો કે- BCCIએ આ સૂચન કર્યું છે અને પોતાનો વાત આગળ ધરી છે. જો કે, બીસીસીઆઈ ખેલાડીઓને રસી અપાવવા માટે આરોગ્ય મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે.
ત્રણ ખેલાડી સહિત 20 લોકો સંક્રમિત
IPLની 14મી સીઝન શરૂ થાય એ પહેલાં જ ત્રણ ખેલાડી સહિત 20 લોકો પોઝિટિવ આવ્યા છે. ખેલાડીઓમાં દેવદત્ત પડિક્કલ, અક્ષર પટેલ અને નીતીશ રાણા સંક્રમિત થયા છે. શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના 10 સ્ટાફ મેમ્બર અને 6 ઇવેન્ટ મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સની કન્ટેન્ટ ટીમનો એક સદસ્ય પણ સંક્રમિત થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.