અશ્વિને ફટકારી ફિફ્ટી!:દિલ્હી સામે રવિચંદ્રન અશ્વિને પોતાની IPL કરિયરનો બેસ્ટ સ્કોર બનાવ્યો, પત્નીનું રિએક્શન વાઈરલ

9 દિવસ પહેલા

DY પાટિલ સ્ટેડિયમ ખાતે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાન માટે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ભારતના દિગ્ગજ સ્પિનર ​​આર અશ્વિને પોતાની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. આર અશ્વિને આ મેચમાં અડધી સદી ફટકારી હતી, IPLમાં અશ્વિનની આ પ્રથમ અડધી સદી હતી. આ સાથે અશ્વિન ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી ફટકારનાર બોલર બની ગયો છે.

તમને જણાવી દઈએ કે આ મેચમાં અશ્વિન રાજસ્થાન રોયલ્સ તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અશ્વિને તેની બેટિંગ દરમિયાન ઘણા સારા શોટ લગાવ્યા હતા અને તે રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવનાર પ્લેયર હતો. અશ્વિને 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. આ મેચમાં રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર કંઈ ખાસ કરી શક્યો નહોતો અને વહેલો આઉટ થઈ ગયો હતો.

મેદાન પર મેચ દરમિયાન અશ્વિનની પત્ની પણ હાજર હતી. અશ્વિનની અડધી સદી પૂરી થતાની સાથે જ તેની પત્નીએ રાહતનો શ્વાસ લીધો અને સ્મિત કર્યું. જોકે અશ્વિન ફિફ્ટી બાદ તે પોતાની ઇનિંગ્સને આગળ વધારી શક્યો ન હતો અને 50ના સ્કોર પર આઉટ થયો હતો. અશ્વિનના IPL કરિયરની વાત કરીએ તો તેણે 179 મેચ રમી છે અને 12ની એવરેજથી 589 રન બનાવ્યા છે. આ મેચમાં તેણે પોતાની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો છે. ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો અને રાજસ્થાનની ટીમને 160 રનમાં જ રોકી દીધી. અને ટાર્ગેટ ચેઝ કરતા દિલ્હીએ રાજસ્થાનને 8 વિકેટથી હરાવી દીધું.

અન્ય સમાચારો પણ છે...