ચેન્નઈ સુપર કિંગ્સને રોમાંચક મેચમાં હરાવી ગુજરાતે શાનદાર જીતની લય જાળવી રાખી છે. તેવામાં હરભજન સિંહે ટીમના શાનદાર પ્રદર્શનને જોતા આશિષ નહેરાનો ડાન્સ કરતો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું છે કે નહેરાજીના માર્ગદર્શનથી ટીમ ટોપ પર છે. અત્યારે GTના કોચ આવી રીતે જ ડાન્સ કરવા માગતા હશે. સુરેશ રૈનાએ પણ ડાન્સ સ્ટેપ્સની પ્રશંસા કરી છે. જોકે હરભજને એ પુષ્ટી નથી કરી ચેન્નઈને હરાવ્યા પછી નહેરાજીએ આમ ડાન્સ કર્યો છે કે આ વીડિયો પહેલાનો છે.
તમને જણાવી દઈએ કે IPL 2022માં ગુજરાતની ટીમ શાનદાર લયમાં જોવા મળી રહી છે. તેણે 6 મેચમાંથી 5મા જીત મેળવી પોઈન્ટ ટેબલમાં નંબર-1 બની ગઈ છે. આ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા જોકે CSK સામેની મેચમાં નહોતો રમ્યો. પરંતુ રાશિદ અને મિલરની જોડીએ મેચ જીતાડી દીધી હતી. તો ચલો આપણે ભજ્જીએ શેર કરેલા નહેરાજીના ડાન્સના વીડિયો પર નજર ફેરવીએ...
નેહારજી ઝૂમી ઉઠ્યા, હરભજન ખુશ થઈ ગયો
નેહરાના ડાન્સનો વીડિયો શેર કરતા હરભજને લખ્યું હતું કે નેહરાજી સરસ ડાન્સ કરી રહ્યા છે, માત્ર 6 મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં તેમની ટીમ ટોચ પર છે, શું વાત છે ગુજરાત ટાઇટન્સ. ત્યારપછી સુરેશ રૈનાએ પણ આશિષ નેહરાના ડાન્સના વખાણ કર્યા છે.
કોચ નહેરાની પ્રશંસા થઈ રહી છે
ગુજરાતના શાનદાર પ્રદર્શન બાદ કોચ નેહરાના વખાણ થઈ રહ્યા છે. મેગા ઓક્શન પછી ગુજરાતની ટીમ ઘણી નબળી માનવામાં આવી રહી હતી. મોટાભાગના ક્રિકેટના નિષ્ણાંતો ગુજરાતની બેટિંગને નબળી ગણાવી રહ્યા હતા, પરંતુ અત્યાર સુધી આ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલ સિવાય કેપ્ટન હાર્દિકે વિસ્ફોટક બેટિંગ કરી છે. આની સાથે જ રાહુલ તેવટિયા અને ડેવિડ મિલર જેવા ખેલાડીઓએ પણ પોતાની ટીમ માટે મહત્વની મેચો જીતી છે, જ્યારે ટીમની બોલિંગ તો સૌથી આક્રમક માનવમાં આવી રહી છે. જેથી કોચ નેહરાના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
સ્ટાર ખેલાડી વિના ગુજરાત સુપરહિટ
ગુજરાત પાસે T20 સ્ટાર ખેલાડીઓ પણ નથી, પરંતુ આ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગુજરાતની સફળતાનો શ્રેય કોચ નેહરાને આપવામાં આવી રહ્યો છે. તે જ સમયે, એક મેચમાં તે ડાયરીના કાગળમાં કંઈક લખતા જોવા મળ્યા હતા. જ્યારે આજના યુગમાં મોટાભાગના કોચ લેપટોપ સાથે મેચના આંકડાઓનું ગણિત જોવા બેસે છે અને બધી વસ્તુઓ લખે છે. તેના પર એક યૂઝરે મજાકમાં કહ્યું કે નેહરાજીએ ડાયરી પેન વડે લેપટોપવાળા કોચને હરાવ્યા છે.
ગુજરાતની ટીમ શાનદાર લયમાં છે
હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ગુજરાતની ટીમે આક્રમક પ્રદર્શન કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાત એકમાત્ર એવી ટીમ છે જેણે અત્યારસુધી માત્ર એક જ મેચમાં હારનો સામનો કર્યો છે, અન્ય તમામ ટીમો ઓછામાં ઓછી બે મેચ હારી ગઈ છે. ગુજરાતની આ એકમાત્ર હાર હૈદરાબાદ સામે થઈ હતી. આની સાથે જ આ ટીમે લખનઉ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને ચેન્નઈ જેવી ટીમોને હરાવી છે. અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો પ્લેઓફમાં ગુજરાતની ટીમ પહોંચે એ લગભગ નિશ્ચિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.