સુરેશ રૈના ચેન્નઈ સુપર કિંગ્સમાં વાપસી કરી શકે છે. IPLની 15મી સીઝનમાંથી દીપક ચાહરના બહાર થયા બાદ તેના સ્થાને રૈનાને સામેલ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રૈના સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી એના પર નિર્ણય લેવામાં આવ્યો નથી.
રૈનાને IPLમાં કોઈ ખરીદનાર નથી મળ્યો. રૈના ગત સીઝન સુધી ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ચેન્નઈએ તેને રિટેન નહોતો કર્યો. એ જ સમયે કોઈપણ ફ્રેન્ચાઇઝીએ હરાજીમાં પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.
આ કારણે થઈ શકે છે રૈનાની રી-એન્ટ્રી
ચેન્નઈ સુપર કિંગ્સનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, IPLમાં કોમેન્ટરી કરી રહેલા સુરેશ રૈના CSK સાથે ફરી જોડાઈ શકે છે. વાસ્તવમાં અંબાતી રાયડુનું પ્રદર્શન આ સીઝનમાં સારું રહ્યું નથી. રાયડુએ અત્યારસુધી રમાયેલી 5 મેચમાં 20.50ની એવરેજથી 82 રન બનાવ્યા છે. ચેન્નઈ અત્યારસુધી 5 મેચમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે.
દીપક ચાહર ઈજાને કારણે ટૂર્નામેન્ટની બહાર
દીપક ચાહર ઈજાને કારણે શરૂઆતની મેચોમાં રમી શક્યો નહોતો. એવું માનવામાં આવતું હતું કે તે IPLની મધ્યમાં વાપસી કરી શકશે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ દરમિયાન તેને ફરીથી ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં તે IPLની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. દીપક ચાહરને IPL મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રૈના IPLમાં સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક
રૈના IPLના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાંથી એક છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે ચોથા સ્થાને છે. રૈનાએ 205 મેચોમાં 32.51ની એવરેજ અને 136.76ની સ્ટ્રાઈક રેટથી 5528 રન બનાવ્યા છે. તેણે IPLમાં એક સદી અને 39 અડધી સદી ફટકારી છે. તેણે 506 ચોગ્ગા અને 203 છગ્ગા ફટકાર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.