RCBની જીતનો હીરો શાહબાઝ અહેમદ મેવાત જિલ્લાના સિકરાવા ગામનો રહેવાસી છે. તેના પિતા અહેમદ જાન પલવલમાં SDMના રીડર છે. મધ્યમવર્ગીય પરિવારના વડાની જેમ તેઓ પણ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર સિવિલ એન્જિનિયર તરીકે કામ કરે અને ઘરનું ગુજરાન ચલાવે, તેથી તેમણે ગામ છોડીને હાથિનમાં રહેવાનું શરૂ કર્યું, જેથી બાળકોને સારું શિક્ષણ મળી શકે.
12મા ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી વર્ષ 2011માં પિતા અહેમદે શાહબાઝને ફરીદાબાદની માનવ રચના ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવ્યો, જેથી તે એન્જિનિયર બની શકે, પરંતુ શાહબાઝને ત્રણ વર્ષની ડીગ્રી પૂરી કરવામાં 11 વર્ષનો સમય લાગ્યો.
શાહબાઝ તેની માતાને કહેતો - યુનિવર્સિટીના લોકો ફોન કરીને ડીગ્રી આપશે
શાહબાઝના પિતા અહેમદે કહ્યું હતું કે સિવિલ એન્જિનિયરિંગની ડીગ્રી 3 વર્ષમાં એટલે કે 2015માં પૂરી થવી જોઈતી હતી, પરંતુ ક્રિકેટના કારણે એ 2022માં પૂરી થઈ. શાહબાઝે 2022માં માતાના દબાણ કરવા પર પેપર આપીને આ ડીગ્રી ક્લિયર કરી છે. આ દરમિયાન શાહબાઝ હંમેશાં તેની માતાને કહેતો હતો કે ડીગ્રીની ચિંતા ન કર, યુનિવર્સિટીના લોકો તને બોલાવી સામેથી આપશે અને બરાબર એવું જ થયું.
તેના પિતાએ વધુમાં કહ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીમાં યુનિવર્સિટી દ્વારા કોન્વોકેશનમાં અમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ શાહબાઝ ક્રિકેટના કારણે પહોંચી શક્યો નહોતો, તેથી અમે તેની ડીગ્રી લેવા ગયા હતા. અમને એ સન્માન મળ્યું, કદાચ તે ક્રિકેટર ન બન્યો હોત તો તેને આ પ્રમાણે સિદ્ધિ કે સન્માન પણ ન મળી શક્યું હોત. હવે અમને તેના નિર્ણય પર કોઈ પસ્તાવો નથી.
શાહબાઝ ક્લાસ બંક કરીને ક્રિકેટ રમવા જતો
શાહબાઝના પિતાને પણ જાણ થઈ ગઈ હતી કે મારા પુત્રને હવે ભણવામાં કોઈ રસ નથી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે શાહબાઝ ક્રિકેટ રમવા માટે ઘણીવાર ક્લાસ બંક કરી રહ્યો હતો. તેમને આ વાતની જાણ ત્યારે થઈ, જ્યારે તેમને યુનિવર્સિટી તરફથી મેસેજ આવ્યો કે તેમનો પુત્ર ક્લાસમાં હાજર જ નથી હોતો.
શાહબાઝે ક્રિકેટ અને અભ્યાસ વચ્ચે ક્રિકેટને પસંદ કર્યું
શાહબાઝને તેના પિતાએ કહ્યું હતું કે અભ્યાસ કે ક્રિકેટમાંથી કોઈ એક પસંદ કર, પરંતુ તે જે પસંદ કરે તેના પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરે. બસ, ત્યાર પછી શાહબાઝે ક્રિકેટ પસંદ કર્યું અને એના પર ધ્યાન આપવાનું મન બનાવી લીધું હતું. તે ટિહરીમાં સ્થિત ક્રિકેટ એકેડમીમાં કોચ મન્સૂર અલી હેઠળ તાલીમ લેવા લાગ્યો હતો.
એક મિત્રની સલાહ પર તે બંગાળ ગયો, પછી કારકિર્દી બનાવી
શાહબાઝના પિતાએ જણાવ્યું હતું કે ગ્રેજ્યુએશન પછી તેમના મિત્ર પ્રમોદ ચંદીલા તેને ક્રિકેટ રમવા બંગાળ લઈ ગયા. ચંદીલા બંગાળમાં ક્લબ ક્રિકેટ પણ રમે છે. શાહબાઝને ત્યાંની સ્થાનિક ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યા પછી 2018-19માં બંગાળ રણજી ટીમમાં જગ્યા મળી હતી. ત્યાં તેને 2019-20માં ઈન્ડિયા A ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.
ત્યાર પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શાહબાઝને 2020 IPL ઓક્શનમાં 20 લાખમાં ખરીદ્યો હતો. જોકે તેને UAEમાં માત્ર બે મેચ રમવાની તક મળી હતી. જ્યારે 2021માં પણ તે RCB ટીમનો ભાગ હતો.
દાદાને પણ ક્રિકેટનો શોખ હતો
અહેમદે જણાવ્યું હતું કે તેમના પિતા પણ ક્રિકેટ રમતા હતા. શાહબાઝને પણ તેના દાદાની જેમ ક્રિકેટ રમવાનું પસંદ હતું. તેમનું ગામ મેવાત જિલ્લામાં શિક્ષણ માટે જાણીતું છે. ગામમાં ઘણા એન્જિનિયર અને ડૉક્ટરો છે. એટલા માટે તેઓ ઇચ્છતા હતા કે શાહબાઝ પણ એન્જિનિયર બને, કારણ કે શાહબાઝની નાની બહેન ફરહીન એક ડોક્ટર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.