તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસા વસૂલ કે ડબ્બા ડૂલ?:IPLમાં દરેક ઓક્શનના સૌથી મોંઘા ખેલાડીઓની સૂચિમાંથી 8 નીકળ્યા સફેદ હાથી, રોયલ્સના મોરિસ પરનો 16.25 કરોડનો જુગાર સફળ થશે?

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરિસે IPLની 70 મેચમાં કુલ 551 રન બનાવ્યા છે અને 80 વિકેટ ઝડપી છે
  • યુવરાજ સિંહ, ગ્લેન મેક્સવેલ, એન્ડ્રુ ફ્લિન્ટોફ, કેવિન પીટરસન સહિત ઘણા ખેલાડીઓ સાબિત થયા સફેદ હાથી

એન્ટરટેઇનમેન્ટ ફેક્ટર હોય કે માસ વ્યૂઅરશિપ, ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ને દરેક વર્ગનો માણસ ફોલો કરે છે. જ્યારે ઓક્શન હોય ત્યારે દરેકની આંખો ટીવી સાથે જોડાયેલી હોય છે. મિનિટોમાં જે રીતે ફ્રેન્ચાઇઝ ઓનર્સ કરોડો રૂપિયા ખર્ચે છે, એ માહોલ જ કંઈક અલગ હોય છે. ઓક્શન પછી લીગ શરૂ થઈને સમાપ્ત થાય ત્યાં સુધી સૌથી મોંઘા ખેલાડીઓ પર રમેલો દાવ ફ્રેન્ચાઇઝને ફળ્યો કે નહીં, એ અંગે ચર્ચા થતી હોય છે. IPL 2021 પહેલાંના ઓક્શનમાં સાઉથ આફ્રિકાનો ક્રિસ મોરિસ 16.25 કરોડની કિંમત સાથે લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો.

રોયલ્સનો મોરિસ પરનો જુગાર સફળ થશે?
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરનું પ્રદર્શન એટલું વિશ્વસનીય પણ નથી રહ્યું કે તેને આટલી ઊંચી રકમ મળે, જેટલી મળી. રાજસ્થાને તેને ડેથ ઓવર્સમાં રનગતિ પર બ્રેક લગાવવા માટે લીધો છે. ગઈ સીઝનમાં જોફરા આર્ચર સિવાય રાજસ્થાનનો અન્ય કોઈ બોલર પ્રતિભાશાળી દેખાવ કરવામાં સફળ રહ્યો નહોતો. જ્યારે 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે મોરિસે માત્ર 6.63ની ઈકોનોમીથી રન આપ્યા હતા, તેથી તેની આ સ્કિલ પાછળ જ રોયલ્સે પોતાની બેન્ક ખાલી કરી છે.

બેટ અને બોલ સાથે સાધારણ દેખાવ
મોરિસે IPLની 70 મેચમાં 23.95ની એવરેજથી 551 રન બનાવ્યા છે. આ દરમિયાન માત્ર 2 ફિફટી ફટકારી છે, જ્યારે લીગની 70 મેચમાં બોલ સાથે 80 જ શિકાર કરી શક્યો છે. ગઈ સીઝનમાં બેંગલોર માટે તેણે 9 મેચમાં 11 વિકેટ ઝડપી હતી તેમજ બેટ સાથે કુલ 34 રન જ બનાવ્યા હતા. એવામાં જોવાનું રહેશે કે તે આગામી સીઝનમાં આ પ્રાઇસ ટેગ પર ખરો ઊતરશે કે રોયલ્સના ડબ્બા ડૂલ થશે.

દરેક સીઝનના હાઇએસ્ટ પેડ ખેલાડીઓ અને તેમના દેખાવ પર એક જ નજર
IPLની પહેલી સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોની સૌથી ઊંચી કિંમતે- 6 કરોડમાં વેચાયો હતો, જયારે ગઈ સીઝનમાં પેટ કમિન્સને 15.5 કરોડમાં કોલકાતા નાઈટ રાઇડર્સે ખરીદ્યો હતો. ક્યારેક મોટાં-મોટાં નામો વેચાતાં નથી, તો ક્યારેક અજાણ્યા ચહેરાઓ માટે ટીમો વચ્ચે પડાપડી થતી હોય છે. એક નજર... છેલ્લી 13 સીઝનના સૌથી મોંઘા ખેલાડીઓ પર અને તેમનો એક રન-એક વિકેટ ટીમને કેટલામાં પડ્યા હતા:

IPL 2008 - મહેન્દ્ર સિંહ ધોની, 6 કરોડ
ભારતને 2007નો ટી-20 વર્લ્ડકપ જિતાડનાર એમએસ ધોનીને ચેન્નઇ સુપરકિંગ્સે 1.5 મિલિયન ડોલર (6 કરોડ)માં ખરીદ્યો હતો. તેની કપ્તાનીમાં ચેન્નઇ 3 વાર ચેમ્પિયન બન્યું છે. ધોનીએ ટૂર્નામેન્ટની કુલ 204 મેચમાં 40.99ની એવરેજથી 4632 રન કર્યા છે. તેણે આ દરમિયાન 23 ફિફટી ફટકારી છે. 2008માં ધોનીએ 41.40ની એવરેજથી 414 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 2 ફિફટી મારી હતી અને તેનો હાઈએસ્ટ સ્કોર 65 રનનો રહ્યો હતો. એ સીઝનમાં માહીનો દરેક રન તેની ટીમને 1,44,927 રૂપિયા, એટલે કે રાઉન્ડ ઓફ 1.45 લાખ રૂપિયામાં પડ્યો હતો.

IPL 2009 - કેવિન પીટરસન અને એન્ડ્રુ ફ્લિન્ટોફ, 7.35 કરોડ
બંને ઇંગ્લિશ ખેલાડીઓને 1.55 મિલિયન ડોલર (7.35 કરોડ)માં ખરીદવામાં આવ્યા હતા. એન્ડ્રુ ફ્લિન્ટોફને ચેન્નઇ સુપરકિંગ્સે, જ્યારે કેવિન પીટરસનને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદ્યો હતો. ફ્લિન્ટોફ આ સીઝનમાં ફ્લોપ સાબિત થયો હતો. તેણે 3 મેચમાં 62 રન કર્યા હતા તેમજ 9.54ની ઈકોનોમીથી રન આપતાં માત્ર 2 વિકેટ ઝડપી હતી. ફ્લિન્ટોફ ઓલરાઉન્ડર હોવાથી આપણે તેની પાછળ ખર્ચવામાં આવેલી રકમને બેટિંગ અને બોલિંગમાં 50-50 ડિવાઇડ કરીશું. એ ગણિતે 62 રન માટે 3.675 કરોડ અને 2 વિકેટ માટે 3.675 કરોડ તેને આપવામાં આવેલા. આમ, ફ્રેડી ફ્લિન્ટોફનો એક રન ચેન્નઈને 5.92 લાખમાં અને તેણે ઝડપેલી એક વિકેટ 1.83 કરોડમાં પડી હતી.

બીજી તરફ, કેવિન પીટરસને પણ 6 મેચમાં માત્ર 93 રન કર્યા હતા. એ રીતે પીટરસનનો દરેક રન ટીમને 7,90,322 રૂપિયા, એટલે કે 7.90 લાખ રૂપિયામાં પડ્યો હતો.

IPL 2010 - કાયર્ન પોલાર્ડ અને શેન બોન્ડ, 3.42 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સે શેન બોન્ડને 7,50,000 ડોલરમાં ખરીદ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે પણ કાયર્ન પોલાર્ડ માટે એટલી જ રકમ, એટલે કે 3.42 કરોડ ખર્ચ્યા હતા. પોલાર્ડે 14 મેચમાં 185.71ની સ્ટ્રાઇક રેટથી 273 રન કર્યા હતા તેમજ 15 વિકેટ લીધી હતી. પોલાર્ડનો એક રન મુંબઈને 62,637 રૂપિયા, એટલે કે 0.62 લાખમાં પડ્યો હતો અને દરેક વિકેટ 11.40 લાખમાં પડી.

જ્યારે બોન્ડે નાઈટ રાઈડર્સ માટે 8 મેચમાં 7.22ની ઈકોનોમીથી 9 વિકેટ લીધી હતી. બોન્ડે ઝડપેલી દરેક વિકેટ નાઈટ રાઈડર્સને 38 લાખમાં પડી હતી.

IPL 2011 - ગૌતમ ગંભીર, 11.04 કરોડ
કોલકાતા નાઈટ રાઇડર્સે ગૌતમ ગંભીરને 2.4 મિલિયન ડોલર (11.04 કરોડ)માં ખરીદ્યો હતો. ગંભીરે પોતાની બેટિંગ ઉપરાંત કપ્તાની દ્વારા કોલકાતાને 2 વાર ચેમ્પિયન બનાવ્યું હતું. ગંભીરે આ સીઝનમાં 34.36ની એવરેજથી 378 રન કર્યા હતા. ગંભીરે સૌરવ ગાંગુલીની જગ્યાએ કોલકાતાની કપ્તાની સંભાળી હતી. એ સીઝનમાં ગંભીરનો દરેક રન નાઈટ રાઈડર્સને 2,92,063 રૂપિયા, એટલે કે 2.92 લાખ રૂપિયામાં પડ્યો હતો.

IPL 2012 - રવીન્દ્ર જાડેજા, 9.72 કરોડ
રાજસ્થાન રોયલ્સ સાથેના સમય દરમિયાન રવીન્દ્ર જાડેજાએ પોતાને IPLના સૌથી સારા ઓલરાઉન્ડર્સમાંનો એક સાબિત કર્યો હતો. રોયલ્સે જાડેજાને રિલીઝ કરતાં ચેન્નઇ સુપર કિંગ્સે તેને 2 મિલિયન ડોલર (9.72 કરોડ)માં ખરીદ્યો હતો. જાડેજાએ 14 ઇનિંગ્સમાં 191 રન કર્યા હતા અને 12 વિકેટ લીધી હતી.ફ્લિન્ટોફ માફક રવીન્દ્રમાં પણ આપણે તેણે મેળવેલી રકમને 50-50 બેટિંગ અને બોલિંગમાં વહેંચીશું. જડ્ડુએ કરેલો દરેક રન 2,54,450, એટલે કે 2.54 લાખ રૂપિયામાં પડ્યો હતો, જ્યારે તેણે લીધેલી દરેક વિકેટ 40,50,000 એટલે 40.50 લાખમાં ચેન્નઈને પડી હતી.

IPL 2013 - ગ્લેન મેક્સવેલ, 5.3 કરોડ
ઓસ્ટ્રેલિયાના હાર્ડ હિટિંગ બેટ્સમેનને મુંબઈ ઇન્ડિયન્સે 1 મિલિયન ડોલર (5.3 કરોડ)માં ખરીદ્યો હતો. જ઼ોકે તે પોતાની ઈમેજ પ્રમાણે બેટિંગ કરી શક્યો નહોતો. તેને 3 મેચમાં જ ચાન્સ મળ્યો હતો, જેમાં તેણે 36 રન જ કર્યા હતા. મેક્સવેલે પછીથી પોતાને પંજાબની ટીમમાં એસ્ટાબ્લિશ કર્યો હતો. આ વખતના ઓક્શનમાં તેની ફરીથી હરાજી થશે. તે હોટ ફેવરિટ રહેશે એવું અનુમાન છે. મેક્સીનો દરેક રન 14,72,22 રૂપિયા, એટલે કે 14.72 લાખમાં પડ્યો હતો.

IPL 2014 - યુવરાજ સિંહ, 14 કરોડ
આક્રમક બેટ્સમેનનોની વાત થાય ત્યારે યુવરાજ સિંહને ઓળખાણની જરૂર નથી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેને 14 કરોડમાં ખરીદ્યો હતો. યુવરાજે 14 મેચમાં 376 રન કર્યા હતા અને 5 વિકેટ ઝડપી હતી. જોકે યુવી બેંગલોરને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો. એ સીઝનમાં યુવીએ બેંગલોર વતી 22.4 ઓવર બોલિંગ કરી હતી. RCB ટીમ તરફથી સૌથી વધુ બોલિંગ કરનાર ખેલાડીઓની સૂચિમાં તે પાંચમા સ્થાને હતો, તેથી તેને ફ્લિન્ટોફ અને જડ્ડુની જેમ જ પ્યોર ઓલરાઉન્ડર ગણીને કિંમત 50-50 વહેંચવામાં આવી છે. યુવરાજનો દરેક રન બેંગલોરને 1,86,170, એટલે કે 1.86 લાખ અને દરેક વિકેટ 1.40 કરોડમાં પડી હતી.

IPL 2015 - યુવરાજ સિંહ, 16 કરોડ
સતત બીજા વર્ષે યુવરાજ IPLની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. દિલ્હી ડેરડેવિલ્સે તેને 16 કરોડમાં ખરીદ્યો હતો. યુવરાજે 14 મેચમાં 19.07ની એવરેજથી માત્ર 248 રન કર્યા હતા. તે ખરેખર દિલ્હીને મોંઘો પડ્યો હતો. આ સીઝનમાં તેણે 10 ઓવર પણ બોલિંગ કરી નહોતી, તેથી તેને પ્યોર બેટ્સમેન તરીકે જોવામાં આવ્યો. તેનો દરેક રન દિલ્હીને 6,45,161, એટલે કે 6.45 લાખમાં પડ્યો હતો.

IPL 2016 - શેન વોટ્સન, 9.5 કરોડ
IPLની નવમી આવૃત્તિમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓલરાઉન્ડર સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 9.5 કરોડમાં ખરીદ્યો હતો. વોટ્સને 179 રન કર્યા હતા અને 20 વિકેટ લીધી હતી. તેનો દરેક રન ટીમને 2,65,363, એટલે કે 2.65 લાખ અને દરેક વિકેટ ટીમને 23.75 લાખમાં પડી હતી.

IPL 2017 - બેન સ્ટોક્સ, 14.5 કરોડ
બેન સ્ટોક્સ તાજેતરમાં વર્લ્ડનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. રાઇઝિંગ પુણે સુપર જાયન્ટસે તેને 14.5 કરોડમાં ખરીદ્યો હતો. સ્ટોક્સે 11 ઇનિંગ્સમાં 31.60ની એવરેજથી 316 રન કર્યા હતા. તેમજ 7.18ની ઈકોનોમીથી 12 વિકેટ લીધી હતી. તેણે પુણેને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સ્ટોક્સનો દરેક રન પુણેને 2,29,430, એટલે 2.29 લાખ અને દરેક વિકેટ 60,41,666 એટલે કે 60.41 લાખમાં પડી હતી.

IPL 2018 - બેન સ્ટોક્સ, 12.5 કરોડ
2017ની IPLમાં શાનદાર દેખાવને લીધે આ વખતના ઓક્શનમાં ફરી એકવાર બધી ફ્રેન્ચાઈઝની નજર સ્ટોક્સ પર જ હતી. રાજસ્થાન રોયલ્સે તેને 12.5 કરોડમાં ખરીદ્યો હતો. જોકે તેનો દેખાવ મોભા પ્રમાણે રહ્યો નહોતો. તેણે 13 મેચમાં 8.18ની ઈકોનોમીથી 8 વિકેટ લીધી હતી અને 16.33ની એવરેજથી 196 રન કર્યા હતા. રોયલ્સને તેનો દરેક રન 3,18,877, એટલે 3.18 લાખ અને એક વિકેટ 78,12,500, એટલે કે 78.12 લાખમાં પડી હતી. તેમ છતાં રોયલ્સે તેને આગામી સીઝનમાં રિટેન કર્યો હતો. તે હજી પણ રોયલ્સનો ભાગ છે.

IPL 2019- જયદેવ ઉનડકટ અને વરુણ ચક્રવર્તી, 8.40 કરોડ
રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને 8 કરોડ 40 લાખમાં ખરીદ્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબે પણ મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને 8 કરોડ 40 લાખમાં જ ખરીદ્યો હતો. ભારતમાં સારા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર્સની ઊણપ હોવાથી ઉનડકટને આટલી મોટી રકમ મળી હતી. તેણે ટી-20 ફોર્મેટમાં ડેથ ઓવર્સમાં બોલિંગ કરવામાં મહારત હાંસિલ કરી છે. તેના ઓફ-કટર્સને બેટ્સમેન મારી શકતા નથી.

બીજી તરફ, મિસ્ટ્રી બોલર વરુણ 6 અલગ-અલગ પ્રકારના બોલ નાખે છે. તેણે તામિલનાડુ પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કરીને નામના મેળવી. ઉનડકટની દરેક વિકેટ રોયલ્સને 8,40,000 રૂપિયામાં પડી હતી, જ્યારે ઇજાને કારણે વરુણ માત્ર એક જ મેચ રમી શક્યો હતો. તેણે એક મેચમાં ઝડપેલી એક વિકેટ પંજાબને 8.40 કરોડમાં પડી હતી.

IPL 2020- પેટ કમિન્સ, 15.5 કરોડ
પેટ કમિન્સને 15.5 કરોડમાં કોલકાતા નાઈટ રાઇડર્સે ખરીદ્યો હતો. કમિન્સનો દેખાવ આ સીઝનમાં નિરાશાજનક રહ્યો હતો. તેણે 14 મેચમાં 7.86ની ઈકોનોમીથી રન આપતાં 12 વિકેટ લીધી હતી. તેણે ઝડપેલી દરેક વિકેટ કોલકાતાને 1,29,16,666, એટલે કે 1.29 કરોડમાં પડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો