ઇજાગ્રસ્ત રોહિત શર્માએ પ્રેક્ટિસ કરી:150થી વધુ સ્પીડે બોલ કાંડા પર વાગ્યો, સેમિફાઇનલ પહેલાં હિટમેનને ઈજા થતાં ચાહકોમાં ચિંતા

એડિલેડએક મહિનો પહેલા

T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડની સેમી-ફાઈનલના બે દિવસ પહેલાં મંગળવારે સવારે કેપ્ટન રોહિત શર્મા વિશે ખરાબ સમાચાર આવ્યા હતા. એડિલેડમાં પ્રેક્ટિસ દરમિયાન તેને જમણા હાથના કાંડામાં ઈજા થઈ છે, જોકે ઈજા ગંભીર નહોતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત થ્રોડાઉનની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેણે 18-20 બોલ જ રમ્યા હતા કે 150થી વધુ સ્પીડે રાઘવેન્દ્રનો એક બોલ તેના જમણા હાથના કાંડા પર વાગ્યો અને તે પ્રેક્ટિસ છોડીને બહાર આવી ગયો હતો. દુખાવાને કારણે 40 મિનિટ સુધી બહાર બેસી રહ્યો. જોકે તબીબી સારવાર બાદ રોહિત પ્રેક્ટિસમાં પાછો ફર્યો હતો. રોહિતની ઈજા અંગે બીસીસીઆઈ તરફથી કોઈ અપડેટ નથી.

રોહિત ઈજા બાદ આઇસિંગ કરતો જોવા મળ્યો હતો.
રોહિત ઈજા બાદ આઇસિંગ કરતો જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાઇરલ ફોટો- વીડિયોમાં જોઈ શકાય છે કે ઈજાગ્રસ્ત થયા બાદ રોહિતે પ્રેક્ટિસ છોડી દીધી અને નેટમાંથી બહાર આવીને બેસી ગયો હતો. ત્યાર બાદ તેને મેડિકલ સારવાર મળી. આ દરમિયાન રોહિત તેના કાંડા પર બરફ ઘસતો જોવા મળ્યો હતો.

વિરાટ, સૂર્યકુમાર, રાહુલ આવ્યા ન હતા, કાર્તિક-રોહિતે પ્રેક્ટિસ કરી
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલ મંગળવારે નેટ સેશનમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે દિનેશ કાર્તિક અને કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ કરવા આવ્યો હતો.

આ ફોટો રોહિતનો ફરી પ્રેક્ટિસ શરૂ કરવાનો છે.
આ ફોટો રોહિતનો ફરી પ્રેક્ટિસ શરૂ કરવાનો છે.

2 દિવસ પછી ઈંગ્લેન્ડ સામે સેમી-ફાઈનલ મેચ
ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે બીજી સેમી-ફાઈનલ રમવાની છે. ટીમ ઈંગ્લેન્ડને હરાવીને જ ટાઈટલ રાઉન્ડમાં પહોંચી શકશે. બીજી તરફ વર્લ્ડ કપની પ્રથમ સેમી-ફાઇનલ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 નવેમ્બરે સિડનીમાં રમાશે.

પહેલા જાણો... રોહિત બેટિંગથી સારું પ્રદર્શન કરી શક્યો નહિ
ભારતીય કેપ્ટન રોહિત શર્માના પ્રદર્શનની વાત કરીએ તો તે T20 વર્લ્ડ કપમાં પોતાના બેટથી કંઈ ખાસ કરી શક્યો નથી, પરંતુ ટીમની જીતમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. રોહિતે 5 લીગ મેચમાં માત્ર 89 રન બનાવ્યા છે, એમાં પચાસ સમાવેશ થાય છે.

હવે જાણી લો..... સેમી-ફાઇનલમાં પહોંચેલી બાકીની ટીમોના કેપ્ટનનું પ્રદર્શન
ટૂર્નામેન્ટમાં ચારેય ટીમના કેપ્ટન ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા હતા. ગ્રુપ રાઉન્ડમાં એક મેચને બાદ કરતાં ચારેય કેપ્ટન બેટથી નિરાશ કર્યા હતા. ભારતના રોહિતે નેધરલેન્ડ્સ સામે અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડના બટલરે નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાનનો બાબર આઝમ આખી ટૂર્નામેન્ટમાં ટકી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન રંગમાં જોવા મળ્યો ન હતો. રોહિત, બટલર અને વિલિયમ્સન ટૂર્નામેન્ટમાં માત્ર એક-એક અડધી સદી ફટકારી શક્યા હતા.

બાબરના બેટને અડધી સદી પણ મળી ન હતી. તેનો સૌથી મોટો સ્કોર બાંગ્લાદેશ સામે 25 રન હતો. આ કારણે ટીમોમાં સ્થાન સામે સવાલો ઊભા થયા છે. મહત્ત્વનું છે કે જો તેમની ટીમોએ ટાઈટલ મેચમાં જગ્યા બનાવવી હોય તો કેપ્ટનોએ ફોર્મમાં સુધારો કરવો પડશે. જો કેપ્ટન ફોર્મમાં રહે તો ટીમ પર સકારાત્મક અસર પડે છે. પાક કેપ્ટન બાબરનું ખરાબ પ્રદર્શન પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે કહ્યું, 'તે ઓપનિંગ બેટ્સમેન છે અને તેનો રેકોર્ડ શાનદાર છે, પરંતુ તેના માટે આ એક પડકારજનક સમય છે. આશા છે કે તે જલદી ફોર્મમાં પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...