હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું:સીઝનમાં પહેલીવાર હૈદરાબાદના બોલર્સે પોતાનો દમ દેખાડ્યો, રાશિદ અને ભુવનેશ્વરનો જાદુ ચાલ્યો; બે હાર પછી સીઝનની પહેલી મેચ જીતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિખર ધવનને આઉટ કર્યા પછી કેન વિલિયમ્સન સાથે ઉજવણી કરતો રાશિદ ખાન. - Divya Bhaskar
શિખર ધવનને આઉટ કર્યા પછી કેન વિલિયમ્સન સાથે ઉજવણી કરતો રાશિદ ખાન.

IPLની 13મી સીઝનની 11મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અબુ ધાબી ખાતે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું છે. 163 રનનો પીછો કરતાં દિલ્હી કેપિટલ્સ 7 વિકેટે 147 રન જ કરી શક્યું. હૈદરાબાદ માટે સ્પિનર રાશિદ ખાને મહત્ત્વની ભૂમિકા ભજવતાં 4 ઓવરમાં માત્ર 14 ઓવર રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે પણ દિલ્હીના 2 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા. દિલ્હી માટે શિખર ધવને સર્વાધિક 34 રન કર્યા. આ મેચ જીતીને હૈદરાબાદે પોઈન્ટ્સ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

IPLમાં રાશિદ ખાનનો શ્રેષ્ઠ દેખાવ:

  • 3/14 vs દિલ્હી કેપિટલ્સ, અબુ ધાબી, 2020 *
  • 3/19 vs ગુજરાત લાયન્સ, હૈદરાબાદ, 2017
  • 3/19 vs કિંગ્સ ઇલેવન પંજાબ, હૈદરાબાદ, 2018
  • 3/19 vs કોલકાતા નાઈટ રાઈડર્સ, કોલકાતા, 2018

પૃથ્વી અને ઐયરે નિરાશ કર્યા
પૃથ્વી શો 2 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં કીપર બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો. એ પછી શ્રેયસ ઐયર રાશિદ ખાનની બોલિંગમાં ડીપ કવર્સ પર સમદના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 2 ફોરની મદદથી 17 રન કર્યા હતા. શિખર ધવન રાશિદ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 4 ફોરની મદદથી 34 રન કર્યા હતા. અમ્પાયરે તેને નોટઆઉટ આપતાં હૈદરાબાદે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

હૈદરાબાદે 163 રનનો ટાર્ગેટ આપ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા છે. ડેવિડ વોર્નર (45) અને જોની બેરસ્ટો (53)એ પ્રથમ વિકેટ માટે 77 રન કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેમના સિવાય કેન વિલિયમ્સને 26 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું. દિલ્હી માટે અમિત મિશ્રા અને કગીસો રબાડાએ 2-2 વિકેટ લીધી. ​

બેરસ્ટોની IPLમાં ચોથી ફિફટી
જોની બેરસ્ટો IPLમાં પોતાની ચોથી ફિફટી મારીને આઉટ થયો છે. તેણે 48 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 53 રન કર્યા હતા. તે રબાડાની બોલિંગમાં મિડ-ઑફ પર નોર્ટજેના હાથે કેચ આઉટ થયો હતો. પોતાની ડેબ્યુ મેચમાં અબ્દુલ સમદે 7 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 12 રન કર્યા.

વોર્નર અને બેરસ્ટોની 77 રનની ભાગીદારી
ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોની જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવતાં 9.3 ઓવરમાં 1 વિકેટે 77 રન કર્યા હતા. વોર્નરે 33 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 45 રન કર્યા હતા. તે અમિત મિશ્રાની બોલિંગમાં કીપર પંતના હાથે કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતાં દિલ્હીએ રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. વોર્નરના આઉટ થયા પછી મનીષ પાંડે પણ 3 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો હતો. તે મિશ્રાની બોલિંગમાં ડીપ મિડ-વિકેટ પર રબાડાના હાથે કેચ આઉટ થયો હતો.

અબ્દુલ સમદ IPL રમનાર જમ્મુ-કાશ્મીરનો ચોથો ક્રિકેટર
18 વર્ષીય અબ્દુલ સમદ IPL રમનાર જમ્મુ-કાશ્મીરનો ચોથો ક્રિકેટર છે. આ સીઝનમાં તે એકમાત્ર ક્રિકેટર છે જે જમ્મુ-કાશ્મીરનો છે. હૈદરાબાદે તેને 20 લાખ રૂપિયાની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો છે. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના બે ખેલાડી મંજૂર ડારે કિંગ્સ ઇલેવન પંજાબ અને રસિક સલામ ડારે મુંબઈ ઇન્ડિયન્સ વતી રમીને લીગમાં ડેબ્યુ કર્યું હતું. પરવેઝ રસૂલ IPL રમનારો જમ્મુ કાશ્મીરનો પહેલો ખેલાડી હતો. તે પુણે વોરિયર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો.

દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ લીધી
દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન શ્રેયસ ઐયરે અબુ ધાબી ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ પોતાની ટીમમાં 1 ફેરફાર કર્યો છે. આવેશ ખાનની જગ્યાએ અનુભવી ઇશાંત શર્માને ટીમમાં જગ્યા મળી છે. ઇશાંત ઈજાગ્રસ્ત હોવાથી અગાઉની મેચોમાં રમ્યો નહોતો, જયારે હૈદરાબાદે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. મોહમ્મદ નાબી અને રિદ્ધિમાન સાહાની જગ્યાએ કેન વિલિયમ્સન અને અબ્દુલ સમદને ટીમમાં સ્થાન મળ્યું છે.

દિલ્હીની પ્લેઈંગ 11: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને ઇશાંત શર્મા.

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, અબ્દુલ સમાદ, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ અને ટી નટરાજન.

દિલ્હી પાસે આ મેચ જીતીને સીઝનમાં જીતની હેટ્રિક લગાવવાની તક છે. આ પહેલાં દિલ્હી 2009માં પોતાની પ્રથમ 3 મેચ જીત્યું હતું, ત્યારે તેણે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, જ્યારે, સનરાઇઝર્સ હૈદરાબાદ આ સીઝનમાં પહેલી બંને મેચ હારીને પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. બીજી તરફ, દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.

અન્ય સમાચારો પણ છે...