ટોકિંગ પોઇન્ટ:કાગળ પર પાવરફુલ જણાતી RCBની બેટિંગ લાઇનઅપે નાક કાપ્યું, ફેન્સે કહ્યું- ALL OUT આ ટીમનું સ્પોન્સર કેમ નથી?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રણમાં બદલાતો ટ્રેન્ડ: સતત પાંચમી મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી
  • રાહુલે પ્રથમ 54 બોલમાં 142.59ની સ્ટ્રાઇક રેટથી 77 રન બનાવ્યા, અંતના 15 બોલમાં 366.67ની સ્ટ્રાઇક રેટથી 55 રન ફટકાર્યા
  • કોહલીએ પોતાની ભૂલ સ્વીકારી કહ્યું- મેં રાહુલનો કેચ છોડ્યો એ અમને 35થી 40 રન મોંઘો પડ્યો

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય કે પછી કોઈ T-20 લીગ, ટોસ જીતનાર કપ્તાન 100માંથી 99 વખત બોલિંગ કરવાનું પસંદ કરે છે. કારણ સિમ્પલ છે, બેટિંગ ઓપન સ્કિલ છે, જયારે બોલિંગ ક્લોઝ સ્કિલ છે. મતલબ કે બોલર તરીકે તમે વધુમાં વધુ એક લેન્થ અને લાઈન પર બોલ હિટ કરી શકો છો, બેટ્સમેનનું રિએક્શન અને તેની આવડત જ નિર્ણય નક્કી કરે છે. છેલ્લે સુધી મેચ પર કંટ્રોલ રાખવા ટીમો બોલિંગ પસંદ કરે છે અને આજના સમયે ફ્લેટ વિકેટ અને નાના ગ્રાઉન્ડ એમાં મદદગાર સાબિત થાય છે. જોકે રણમાં ક્રિકેટ ફરી એક વખત આપણને 80 અને 90ના દાયકામાં પરત લઈ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. IPL 2020ની છેલ્લી પાંચેય મેચથી પ્રથમ બેટિંગ કરનાર ટીમ જ જીતી આવી છે. આમ, જોઈએ તો 6માંથી 5, એટલે કે અત્યારસુધીમાં 84% મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે. શું કેપ્ટન હવે ટોસ જીતીને બેટિંગ લેવાનું શરૂ કરશે? હાલ તો 6એ 6 મેચમાં બોલિંગ જ લીધી છે.

કમાલ લાજવાબ રાહુલ
જ્યારે તમારી ટીમ ગઈ મેચમાં 3 બોલમાં 1 રન ન કરી શકી હોઈ, તો તમે કપ્તાન તરીકે ટીમને એ હારમાંથી બહાર કઈ રીતે લાવી શકો? ટોસ હાર્યા બાદ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા લોકેશ રાહુલે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. યુવાઓ માટે રાહુલની ઇનિંગ્સમાંથી શીખવા જેવી ખાસ વાત હોઈ તો તેણે જે રીતે ઇનિંગ્સ બિલ્ડ કરી એ છે. ત્રીજા ગિયરમાં તેણે રન કરવાનું શરૂ કર્યું. વિરોધી કપ્તાન કોહલીના દરેક પ્રશ્નનો સારી હેન્ડ-રાઇટિંગમાં જવાબ આપ્યો. ઉમેશના ફૂલ બોલને ફાઈન લેગ પર, સ્ટેનના શોર્ટ ઓફ ગુડ લેન્થ બોલને ડીપ બેકવર્ડ પોઇન્ટ પર કટ કર્યા, સૈનીની હાફ વોલીને એક્સ્ટ્રા કવર પર, તો ચહલ કોઈ પહેલ કરે એ પહેલાં સ્વિપનો ઉપયોગ કરીને એને ડીપ સ્કવેર લેગ પર ફટકાર્યો. સતત સ્કોર બોર્ડ ફરતું રાખ્યું.

કોહલીને ખબર પણ ન પડી અને રાહુલ રોયલ્સનું રજવાડું લૂંટી ગયો
રાહુલે 12મી ઓવરના પહેલા બોલે સિંગલ લઈને લીગમાં 17મી ફિફટી પૂરી કરી. કોહલીએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું- "અમારા માટે આજનો દિવસ સારો નહોતો. અમને લાગતું હતું કે અમે તેમને 180 રન સુધીમાં રોકી લઈશું." જોકે રાહુલે ફિફટી પૂરી કર્યા પછી ગાડી ત્રીજાથી ચોથા અને અંતે પાંચમા ગિયરમાં ઉડાવીને સ્કોરને 200 રનને પાર પહોંચાડી ગયો. તેની બેટિંગની રફ્તારને સમજવા આ આંકડા પૂરતા છે. તેણે પ્રથમ 54 બોલમાં 142.59ની સ્ટ્રાઇક રેટથી 77 રન કર્યા. અંતના 15 બોલમાં 366.67ની સ્ટ્રાઇક રેટથી 55 રન ફટકાર્યા. તેની હિટિંગ થકી પંજાબે છેલ્લી 4 ઓવરમાં 74 રન માર્યા. આ દરમિયાન રાહુલે 5 સિક્સ મારી. કોહલીએ મેચ પછી પોતાની ભૂલ સ્વીકારતાં કહ્યું હતું કે મેં રાહુલના જે બે કેચ છોડ્યા એ અમને 35થી 40 રન મોંઘા પડ્યા હતા. (કોહલીએ રાહુલ 83 અને 89 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના સરળ કેચ છોડ્યા હતા)

RCBને બોલિંગે પહેલી મેચ જિતાડી, બેટિંગે બીજી મેચમાં નાક કાપ્યું
બેંગલોર પ્રથમ મેચમાં ચમત્કારિક રીતે હૈદરાબાદ સામે 5 ઓવરમાં 43 રન ડિફેન્ડ કરતાં 10 રને જીત્યું હતું. બધા જાણે છે કે બોલિંગ તેમની નબળાઈ છે, પરંતુ તેમની તાકાત, તેમની બેટિંગે જ બીજી મેચમાં તેમનું નાક કાપ્યું. 207 રનનો ટાર્ગેટ ચેઝ કરતાં તેમણે માત્ર બેટ ચલાવવાનું મન બનાવી લીધું. મેચ જીતવાનો વધુપડતો ઈન્ટેન્ટ. પરિણામ મેચ તો હાર્યા, પરંતુ નેટ રનરેટને પણ ખાસી અસર થઈ. કોહલીનો ફ્લોપ શો ચાલુ રહ્યો. તેણે છેલ્લે ક્યારે ફિફટી કરીને બેટ ઊંચું કર્યું હોઈ એ યાદ કરવું અઘરું છે. આરોન ફિન્ચ પિચ પર સમય પસાર કરીને શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં. યુવા દેવદત્ત પડિકક્લ સ્કોરબોર્ડના પ્રેશરમાં દબાઈ ગયો. જ્યારે ડિવિલિયર્સની વિકેટ રનરેટ વધારવાના પ્રયાસમાં ગઈ. અરે હા, જોશ ફિલિપનું એક્સપરિમેન્ટ પણ એય ન ચાલ્યું. ટૂંકમાં, RCBની બેટિંગ એટલી સારી રહી કે આ સીઝનમાં સંભવત માત્ર પહેલી અને છેલ્લી વાર મેચ 11 વાગ્યે સમાપ્ત થઈ. તેમના ટોપ ફોરનું ટોટલ 22 રન થાય છે. રાહુલે એકલાએ તેમનાથી 6 ગણા એટલે કે 132 રન માર્યા.

અન્ય સમાચારો પણ છે...