રાજસ્થાને પંજાબને 4 વિકેટે હરાવ્યું:રાજસ્થાને IPLના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો; તેવટિયાએ એક ઓવરમાં 5 સિક્સ મારીને મેચનું રૂપ બદલ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ તેવટિયાએ શેલ્ડન કોટરેલે નાખેલી 18મી ઓવરમાં 5 સિક્સ મારી મેચનું રૂપ બદલી નાખ્યું. - Divya Bhaskar
રાહુલ તેવટિયાએ શેલ્ડન કોટરેલે નાખેલી 18મી ઓવરમાં 5 સિક્સ મારી મેચનું રૂપ બદલી નાખ્યું.

IPLની 13મી સીઝનની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 4 વિકેટે હરાવ્યું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પંજાબે 224 રનનો ટાર્ગેટ આપ્યો. જેને રાજસ્થાને 3 બોલ બાકી રાખીને 4 વિકેટે ચેઝ કર્યો. આ IPLના ઇતિહાસનો સૌથી મોટો સફળ રનચેઝ છે. આ પહેલા રાજસ્થાને જ 2008માં ડેક્કન ચાર્જર્સ સામે 215 રનનો ટાર્ગેટ ચેઝ કરતા 217 રન બનાવ્યા હતા. ​​​​​​મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

જોકે એક સમયે પંજાબ મેચ જીતી જશે, તેમ લાગતું હતું. રોયલ્સને 3 ઓવરમાં 51 રનની જરૂર હતી. રાહુલ તેવટિયા 23 બોલમાં 17 રને રમી રહ્યો હતો. તે સ્ટ્રાઇક પર હતો અને જીતનો કોઈ ચાન્સ નહોતો. તેણે શેલ્ડન કોટરેલે નાખેલી 18મી ઓવરમાં 5 સિક્સ મારીને મેચનું રૂપ બદલતા રાજસ્થાન જીત્યું. જીતના હીરો સંજુ સેમસન અને તેવટિયા રહ્યા. સંજુએ 42 બોલમાં 85 રન માર્યા. જ્યારે તેવટિયાએ 31 બોલમાં 53 રન બનાવ્યા.

તેવટિયાએ પહેલા 19 બોલમાં 8 રન બનાવ્યા, પછી 12 બોલમાં 45 રન કર્યા
રાહુલ તેવટિયાની શરૂઆત ધીમી રહી હતી. તેણે શરૂઆતના 19 બોલમાં માત્ર 8 રન બનાવ્યા હતા. તે પછી તેણે વાપસી કરતા આગામી 12 બોલમાં 45 રન ફટકાર્યા. જેમાં 7 સિક્સનો સમાવેશ થાય છે.

ઇનિંગ્સની છેલ્લી 5 ઓવરમાં 86 રન કર્યા
IPLના ઇતિહાસમાં પહેલીવાર છેલ્લી 5 ઓવરમાં 86 રન બન્યા છે. રાજસ્થાને 27 બોલમાં આ રન બનાવ્યા. અગાઉ 2012માં ચેન્નઈ સુપરકિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 77 રન માર્યા હતા.

સંજુ સેમસને સતત બીજી મેચમાં ફિફટી મારી
સંજુ સેમસને પોતાનું ફોર્મ જાળવી રાખતા 224 રનનો પીછો કરતા શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે 42 બોલમાં 4 ફોર અને 7 સિક્સની મદદથી 85 રન કર્યા હતા. તે શમીની બોલિંગમાં કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો.

કેપ્ટન સ્મિથે 26 બોલમાં ફિફટી મારી
સ્ટીવ સ્મિથ જિમી નીશમની બોલિંગમાં ડીપ કવર પર શમીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 50 રન કર્યા હતા. આ તેના IPL કરિયરની 10મી ફિફટી હતી. તેમજ તેણે સંજુ સેમસન સાથે બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. અગાઉ ઓપનર જોસ બટલર 4 રને શેલ્ડન કોટરેલની બોલિંગમાં સરફરાઝ ખાન દ્વારા કેચ આઉટ થયો હતો.

પૂરનની શાનદાર ફિલ્ડિંગ, ટીમ માટે 4 રન બચાવ્યા

એમ. અશ્વિનની બોલિંગમાં સેમસને મોટો શોટ માર્યો હતો. નિકોલસ પૂરને ડીપ મિડવિકેટ પર બાઉન્ડરીની બહાર ફુલ સ્ટ્રેચ ડાઇવ લગાવીને બોલને કેચ કર્યો. પછી તે નીચે પડવાનો હોવાથી સમયસર બોલ મેદાનની અંદર ફેંકીને પોતાની ટીમ માટે 4 રન બચાવ્યા હતા. એમ. અશ્વિનની બોલિંગમાં સેમસને મોટો શોટ માર્યો હતો. નિકોલસ પૂરને ડીપ મિડવિકેટ પર બાઉન્ડરીની બહાર ફુલ સ્ટ્રેચ ડાઇવ લગાવીને બોલને કેચ કર્યો. પછી તે નીચે પડવાનો હોવાથી સમયસર બોલ મેદાનની અંદર ફેંકીને પોતાની ટીમ માટે 4 રન બચાવ્યા હતા.

IPLમાં સેમસનની 100 સિક્સ પૂરી
રાજસ્થાનના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને IPLમાં 100 સિક્સ પૂરી કરી છે. તે આવું કરનાર 19મો બેટ્સમેન બન્યો છે. ભારતીયો ખેલાડીઓની વાત કરીએ તો તે 11મા ક્રમે આવે છે. સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલ (326)ના નામે છે.

પંજાબે 224 રનનો ટાર્ગેટ આપ્યો
કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 223 રન કર્યા છે.​​​​ પંજાબ માટે ઓપનર મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે ટીમને શાનદાર શરૂઆત અપાવતા 16.3 ઓવરમાં 1 વિકેટે 183 રન કર્યા હતા. મયંકે લીગમાં ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી સદી મારી. તેણે 45 બોલમાં 100 રન પૂરા કર્યા. જ્યારે રાહુલે પોતાનું ફોર્મ જાળવી રાખતા 69 રન કર્યા હતા. તેમના સિવાય નિકોલસ પૂરને 25 અને ગ્લેન મેક્સવેલે 9 રન કર્યા. રાજસ્થાન માટે ટોમ કરન અને અંકિત રાજપૂતે 1-1 વિકેટ લીધી.

મયંક 50 બોલમાં 106 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો
મયંક અગ્રવાલે 45 બોલમાં IPL કરિયરની પહેલી સદી મારી છે. આ લીગમાં ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી સદી છે. ઇન્ડિયન દ્વારા ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે. મયંકે આજે રાજસ્થાનના બોલર્સને મેદાનની ચારેય બાજુ ફટકારતા 50 બોલની ઇનિંગ્સ દરમિયાન 10 ફોર અને 7 સિક્સની મદદથી 106 રન કર્યા.

IPLમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી:

  • 37 બોલ: યુસુફ પઠાણ v MI 2010
  • 45 બોલ: મયંક અગ્રવાલ v RR 2020*
  • 46 બોલ: મુરલી વિજય v RR 2010
  • 47 બોલ: વિરાટ કોહલી v KXIP 2016

(ઓવરઓલ ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે 2013માં પુણે સામે 30 બોલમાં સદી મારી હતી.)

મયંક-રાહુલ 3 રન માટે હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવતા ચૂક્યા
IPLમાં હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ જોની બેરસ્ટો અને ડેવિડ વોર્નરના નામે છે. તેમણે 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 185 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. રાહુલ અને મયંકે પ્રથમ વિકેટ માટે 183 રન કર્યા અને આ રેકોર્ડ તોડવાથી માત્ર 3 રન માટે ચુકી ગયા. આ સૂચિમાં 184 રનની ઓપનિંગ ભાગીદારી સાથે કોલકાતા નાઈટ રાઈડર્સના ક્રિસ લિન અને ગૌતમ ગંભીરની જોડી બીજા સ્થાને છે. તેમણે 2017માં ગુજરાત લાયન્સ સામે આ સિદ્ધિ મેળવી હતી.

રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ લીધી

IPLની 13મી સિઝનની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે કિંગ્સ ઈલેવન પંજાબ સામે શારજાહ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. રાજસ્થાને પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. યશસ્વી જયસ્વાલ અને ડેવિડ મિલરની જગ્યાએ જોસ બટલર અને અંકિત રાજપૂતને ટીમમાં જગ્યા મળી છે. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

રાજસ્થાનની પ્લેઈંગ 11: સ્ટીવ સ્મિથ (કેપ્ટન),સંજુ સેમસન, જોસ બટલર (વિકેટકીપર), રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, ટોમ કરન, જયદેવ ઉનડકટ, જોફરા આર્ચર, રાહુલ તેવટિયા અને અંકિત રાજપૂત

પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, કરુણ નાયર, જિમી નિશમ, રવિ બિશ્નોઇ, એમ. અશ્વિન, મોહમ્મદ શમી, શેલ્ડન કોટરેલ

અન્ય સમાચારો પણ છે...