સુપર ઓવરમાં બેંગલોર જીત્યું:IPLમાં પહેલીવાર 200+ રન બનાવ્યા છતાં મેચ ટાઇ થઈ, રનચેઝ દરમિયાન મુંબઈએ છેલ્લી 5 ઓવરમાં 89 રન બનાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે એબી ડીવિલિયર્સ સાથે વિરાટ કોહલી સુપર ઓવર રમ્યો. - Divya Bhaskar
રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે એબી ડીવિલિયર્સ સાથે વિરાટ કોહલી સુપર ઓવર રમ્યો.

IPLની 13મી સીઝનની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવ્યું. IPLના ઇતિહાસમાં પહેલીવાર 200+ રન બનાવ્યા છતાં મેચમાં ટાઇ પડી છે. મેચમાં બેંગલોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈને 202 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં મુંબઈ 5 વિકેટે 201 રન જ કરી શક્યું. આ પહેલાં 2015માં રાજસ્થાન રોયલ્સે પંજાબ સામે 191 રન બનાવ્યા હતા. એ મેચ પણ ટાઇ થઈ હતી. ત્યારે પંજાબ સુપર ઓવર જીત્યું હતું.મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

મુંબઈએ સુપર ઓવરમાં બેંગલોરને 8 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સે સફળતાપૂર્વક ચેઝ કર્યો.

સુપર ઓવરનો રોમાંચ:

રોયલ ચેલેન્જર્સ બેંગલોર: ટાર્ગેટ 8 રન

  • 0.1 જસપ્રીત બુમરાહ ટુ એબી ડીવિલિયર્સ: 1 રન
  • 0.2 જસપ્રીત બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન
  • 0.3 જસપ્રીત બુમરાહ ટુ એબી ડીવિલિયર્સ: 0 રન
  • 0.4 જસપ્રીત બુમરાહ ટુ એબી ડીવિલિયર્સ: 4 રન
  • 0.5 જસપ્રીત બુમરાહ ટુ એબી ડીવિલિયર્સ: 1 રન
  • 0.6 જસપ્રીત બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન

મુંબઈ ઇન્ડિયન્સ બેટિંગ- 1 ઓવરમાં 1 વિકેટે 7 રન કર્યા

  • 0.1 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 1 રન
  • 0.2 નવદીપ સૈની ટુ હાર્દિક હાર્દિક: 1 રન
  • 0.3 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 0 રન
  • 0.4 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: 4 રન
  • 0.5 નવદીપ સૈની ટુ કાયરન પોલાર્ડ: વિકેટ!
  • 0.6 નવદીપ સૈની ટુ હાર્દિક પંડ્યા: 1 રન (બાય)

મુંબઈએ છેલ્લી 5 ઓવરમાં 89 રન બનાવ્યા
મુંબઈએ રનચેઝ દરમિયાન છેલ્લી 5 ઓવરમાં 89 રન બનાવ્યા, જે એક રેકોર્ડ છે. આ પહેલાં ગઈ મેચમાં જ રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 86 રન કર્યા હતા.

સીઝનની બીજી સુપર ઓવર
આ સીઝનની બીજી મેચમાં ટાઇ પડી અને સુપર ઓવર દ્વારા પરિણામ આવ્યું. આ પહેલાં કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનું રિઝલ્ટ પણ સુપર ઓવર દ્વારા આવ્યું હતું. એમાં દિલ્હીએ જીત મેળવી હતી. મુંબઈને અંતિમ 4 ઓવરમાં 80 રનની જરૂર હતી, ત્યાંથી ઈશાન કિશન અને કાયરન પોલાર્ડની જોડીએ 79 રન ફટકારીને મેચ ટાઈ કરાવી. અંતિમ બોલમાં 5 રનની જરૂર હતી અને પોલાર્ડ ઇસુરુની બોલિંગમાં ફોર મારી. હવે સુપર ઓવર રમાશે.

ડી કોક 33 બોલમાં ચોથીવાર ચહલનો શિકાર થયો
કવિન્ટન ડી કોક યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર નેગીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 14 રન કર્યા હતા. IPLમાં ચહલનો ડી કોક સામે હાથ ઉપર રહ્યો છે. આજની ઇનિંગ્સ સહિત ડી કોક ચહલ સામે લીગમાં 33 બોલ રમ્યો છે, આ દરમિયાન 28 રન કર્યા અને 4 વાર આઉટ થયો.

રોહિત શર્મા 8 રને વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર સબ્સ્ટિટયૂટ પવન નેગીના હાથે કેચ આઉટ થયો હતો. એ પછી સૂર્યકુમાર યાદવ શૂન્ય રને ઇસુરુ ઉદાનાની બોલિંગમાં કીપર ડીવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો.

બેંગલોરે 202 રનનો ટાર્ગેટ આપ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPLની 13માં સીઝનની 10મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 202 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં કોહલીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન કર્યા. તેમના માટે એબી ડીવિલિયર્સે 24 બોલમાં 55 રન કર્યા, જ્યારે દેવદત્ત પડિક્કલે 54 અને આરોન ફિન્ચે 52 રનનું યોગદાન આપ્યું. ​​​​​શિવમ દુબેએ પણ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતાં 10 બોલમાં 37 રન કર્યા. દુબે અને ડીવિલિયર્સે 17 બોલમાં 47* રનની ભાગીદારી કરી. RCBએ અંતિમ 7 ઓવરમાં 105 રન માર્યા. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે 2 અને રાહુલ ચહરે 1 વિકેટ લીધી.

મુંબઈ સામે ડીવિલિયર્સની સતત ત્રીજી ફિફટી
ડીવિલિયર્સે મુંબઈ સામે સતત ત્રીજી મેચમાં ફિફટી મારી છે. આ પહેલાં તેણે ગઈ સીઝનમાં મુંબઈ સામે 75 અને અણનમ 70 રન કર્યા હતા.

પડિક્કલે ત્રીજી મેચમાં બીજી ફિફટી મારી
ઓપનર દેવદત્ત પડિક્કલે એન્કર ઇનિંગ્સ રમતાં ત્રીજી મેચમાં બીજી ફિફટી મારી. તેણે 40 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 54 રન કર્યા હતા. અંતિમ ઓવરોમાં રનરેટ વધારવાના પ્રયાસમાં તે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો.

વિરાટે ફરી એકવાર નિરાશ કર્યા ફિન્ચના આઉટ થયા પછી બેંગલોરની બેટિંગ લાઈનઅપે મોમેન્ટમ ગુમાવી દીધી. કપ્તાન વિરાટ કોહલીએ સતત ત્રીજી મેચમાં નિરાશ કર્યા. તે દરેક રન માટે ક્રિઝ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 11 બોલમાં માત્ર 3 રન કર્યા હતા. તે રાહુલ ચહરની કવર્સ પર રોહિતના હાથે કેચ આઉટ થયો હતો.

ફિન્ચની IPLમાં 14મી ફિફટી
આરોન ફિન્ચે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે પોતાના IPL કરિયરની 14મી અને બેંગલોર માટે પહેલી ફિફટી ફટકારતાં 35 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 52 રન કર્યા હતા. તે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં લોન્ગ-ઓફ પર કાયરન પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો. ફિન્ચ 9 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિતે શોર્ટ-મિડવિકેટ પર તેનો કેચ છોડ્યો હતો.

મુંબઈએ ટોસ જીતીને બોલિંગ લીધી
મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે દુબઈ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈએ પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. સૌરભ તિવારીની જગ્યાએ ઈશાન કિશાન રમી રહ્યો છે, જ્યારે બેંગલોરે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. ગુરકિરત સિંહ માન, એડમ ઝામ્પા અને ઇસુરુ ઉદાનાને ડેલ સ્ટેન, ઉમેશ યાદવ અને જોશ ફિલિપની જગ્યાએ સ્થાન મળ્યું છે.

બેંગલોરની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડીવિલિયર્સ (વિકેટકીપર), ગુરકિરત સિંહ માન, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ઇસુરુ ઉદાના, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝામ્પા અને નવદીપ સૈની

મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશાન, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, જેમ્સ પેટ્ટીન્સન, ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહ

સીઝનમાં પ્રથમ વાર કોહલી અને રોહિત એકબીજા સામે ટકરાઈ રહ્યા છે. બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 10માંથી 8 મેચ મુંબઈ જીત્યું છે.

રોહિતને IPLમાં 5000 રન પૂરા કરવા માટે 10 રનની જરૂર છે. તેણે 190 મેચમાં 31.8ની સરેરાશથી 4990 રન બનાવ્યા છે. અત્યારસુધીમાં માત્ર બે બેટ્સમેન જ IPLમાં 5000થી વધુ રન બનાવી શકયા છે. કોહલીએ 178 મેચમાં 37.68ની સરેરાશથી 5426 રન બનાવ્યા છે. રૈનાના 193 મેચમાં 33.34ની સરેરાશથી 5368 રન છે.

સીઝનમાં બે ટીમોએ એક મેચ જીતી, એક હારી
સીઝનમાં મુંબઈ અને બેંગલોરની આ ત્રીજી મેચ છે. આ પહેલાં બંને ટીમોએ 2 મેચમાંથી એક મેચ જીતી અને એક મેચ હારી છે. મુંબઈને સીઝનની પ્રથમ મેચમાં ચેન્નઈએ હરાવી હતી. જ્યારે બેંગલોરે પંજાબના હાથે હારનો સામનો કરવો પડયો હતો.

બંને ટીમના મોંઘા ખેલાડીઓ
મુંબઈમાં કેપ્ટન રોહિત શર્મા સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપશે. એ પછી ટીમમાં હાર્દિક પંડ્યાનો નંબર આવે છે. તેને સીઝનના 11 કરોડ રૂપિયા મળશે. જ્યારે RCBમાં કેપ્ટન કોહલી સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સીઝનના 17 કરોડ રૂપિયા આપશે. એ પછી ટીમમાં એબી ડીવિલિયર્સનું નામ છે, જેને 11 કરોડ રૂપિયા મળશે.

અન્ય સમાચારો પણ છે...