IPL 2020ની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે અબુ ધાબી ખાતે દિલ્હી કેપિટલ્સને 59 રને હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ દિલ્હીને 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 135 રન જ કરી શક્યું હતું. વરુણ ચક્રવર્તીએ ચાલુ સીઝનનો શ્રેષ્ઠ દેખાવ કરતા 4 ઓવરમાં 20 રન આપીને 5 વિકેટ ઝડપી. આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સના 12 પોઈન્ટ્સ થઇ ગયા છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને યથાવત રહ્યું છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...
ચક્રવર્તીએ ઉપરાઉપરી 2 બોલમાં હેટમાયર અને ઐયરને આઉટ કર્યા
શિમરોન હેટમાયર વરુણ ચક્રવર્તીની બોલિંગમાં લોન્ગ-ઓફ પર રાહુલ ત્રિપાઠીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 5 બોલમાં 10 રન કર્યા હતા. તે પછીના બોલે શ્રેયસ ઐયર પણ લોન્ગ-ઓન પર આઉટ થયો હતો. ઐયરે 38 બોલમાં 5 ફોરની મદદથી 47 રન કર્યા હતા. માર્કસ સ્ટોઈનિસ 6 રને વરુણ ચક્રવર્તીની બોલિંગમાં લોન્ગ-ઓફ પર ત્રિપાઠી દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી અક્ષર પટેલ 9 રને ચક્રવર્તીની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
પંત અને ઐયરની 63 રનની ભાગીદારી
ઋષભ પંત વરુણ ચક્રવર્તીની બોલિંગમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 33 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 27 રન કર્યા હતા. તેમજ ઐયર સાથે ત્રીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી.
પંતની IPLમાં 100 સિક્સ પૂરી, માઈલસ્ટોન સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય
ઋષભ પંતે પ્રસિદ્ધ કૃષ્ણની બોલિંગમાં સિક્સ મારીને લીગમાં સિક્સની સદી પૂરી કરી છે. તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બન્યો છે. પંતે 1224 બોલમાં 100 સિક્સ પૂરી કરી. અગાઉ આ રેકોર્ડ યુસુફ પઠાણના નામે હતો, યુસુફે 1308 બોલમાં 100 સિક્સ પૂરી કરી હતી.
કમિન્સે દિલ્હીના ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા
અજિંક્ય રહાણે રનચેઝ દરમિયાન પહેલા જ બોલે શૂન્ય રને પેટ કમિન્સની બોલિંગમાં LBW થયો હતો. તે પછી શિખર ધવન કમિન્સની જ બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 6 બોલમાં 6 રન કર્યા હતા.
કોલકાતાએ 195 રનનો ટાર્ગેટ આપ્યો
IPL 2020ની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 194 રન કર્યા છે. નાઈટ રાઈડર્સ માટે ઓપનિંગ કરવા આવેલા નીતીશ રાણાએ પોતાના IPL કરિયરની 10મી ફિફટી ફટકારતા 53 બોલમાં સર્વાધિક 81 રન કર્યા. 42 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ તેણે સુનિલ નારાયણ(64) સાથે 115 રનની ભાગીદારી કરીને મેચનું રૂપ બદલ્યું હતું. દિલ્હી માટે એનરિચ નોર્ટજે, કગીસો રબાડા અને માર્કસ સ્ટોઈનિસે 2-2 વિકેટ લીધી.
નારાયણ અને રાણાની 115 રનની ભાગીદારી સુનિલ નારાયણે ટીમને ખરાબ સ્થિતિમાંથી બહાર કાઢતા 32 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી 64 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે પોતાના IPL કરિયરની ચોથી ફિફટી મારી. તેણે નીતીશ રાણા સાથે ચોથી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી. અગાઉ દિનેશ કાર્તિક 3 રને કગીસો રબાડાની બોલિંગમાં કીપર પંતના હાથે કેચ આઉટ થયો હતો.
નાઈટ રાઈડર્સે પાવરપ્લેમાં 36 રન કર્યા અને 2 વિકેટ ગુમાવી
ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા નાઈટ રાઈડર્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. તેમણે પાવરપ્લેમાં માત્ર 36 રન કર્યા હતા અને 2 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ એનરિચ નોર્ટજેની બોલિંગમાં પોઇન્ટ પર અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો હતો. ગિલે 8 બોલમાં 2 ફોરની મદદથી 9 રન કર્યા હતા. તે પછી રાહુલ ત્રિપાઠી 148.3 કિલોમીટરની ઝડપે નોર્ટજેએ નાખેલા યોર્કરમાં બોલ્ડ થયો હતો. રાહુલે 12 બોલમાં 13 રન કર્યા હતા.
દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ લીધી
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે અબુ ધાબી ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. દિલ્હીએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. પૃથ્વી શો અને ડેનિયલ સેમ્સની જગ્યાએ અજિંક્ય રહાણે અને એનરિચ નોર્ટજેને ટીમમાં સ્થાન મળ્યું છે. રહાણે આજે પોતાની 200મી T-20 મેચ રમી રહ્યો છે. જ્યારે કોલકાતાએ પણ પોતાની ટીમમાં બે બદલાવ કર્યા છે. તેમણે સુનિલ નારાયણ અને કમલેશ નાગરકોટીને ટીમમાં કુલદીપ યાદવ અને ટોમ બેન્ટનની જગ્યાએ સ્થાન આપ્યું છે.
દિલ્હીની પ્લેઈંગ-11: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, તુષાર દેશપાંડે અને એનરિચ નોર્ટજે
કોલકાતાની પ્લેઈંગ-11: શુભમન ગિલ, સુનિલ નારાયણ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.