સુરત ગેરકાયદે ભ્રૂણપરીક્ષણ / જિલ્લા આરોગ્ય અધિકારીએ અરજી આપી, હાલ FIR નોંધાશે નહીં

જીવન જ્યોત હોસ્પિટલમાં ગેરકાયદે લિંગપરીક્ષણ થતું હતું
જીવન જ્યોત હોસ્પિટલમાં ગેરકાયદે લિંગપરીક્ષણ થતું હતું

  • કેસ કોર્ટમાં હોવાથી આદેશ બાદ જ પોલીસ કાર્યવાહી થઇ શકે છે : સીપી
  • સીઆરપીસીની કલમ 210 અનુસાર કેસ નોંધી શકાય છે : રિટાયર્ડ સીપી
  • આ ગંભીર કેસમાં FIR  નોંધી શકાય અને ન પણ નોંધી શકાય : તો સાચું શું

DivyaBhaskar.com

May 16, 2019, 10:36 AM IST

સુરતઃ ગેરકાયદે ભ્રૂણપરીક્ષણના મામલે દિવસે ને દિવસે ગૂંચવાડો વધુ ને વધુ ગાઢ બનતો જાય છે. તેવામાં વધુ એક ગૂંચવાડો સામે આવ્યો છે. એક તરફ જિલ્લા આરોગ્ય અધિકારીએ કોર્ટમાં ફરિયાદ કરી, બીજી બાજુ તેમણે જ પોલીસ કમિશનરને અરજી આપી એફઆઇઆર નોંધવાની વાત કરી છે. ત્યારે એક મામલો કોર્ટમાં છે તેવા સંજોગોમાં પોલીસને અરજી આપી શકાય કે કેમ? અને પોલીસ એફઆઇઆર દાખલ કરી શકે કેમ? એ બે પ્રશ્નો ઊભા થયા છે. આ મામલે નિવૃત્ત પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું હતું કે, જિલ્લા આરોગ્ય અધિકારી અરજી પણ આપી શકે અને એફઆઇઆર પણ નોંધી શકે. કોર્ટમાં કરેલી કાર્યવાહી જ્યાં સુધી પોલીસ ચાર્જશીટ રજૂ ન કરે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે.

તાત્કાલિક અસરથી FIR નોંધવાની રજૂઆત

વરાછાના લંબે હનુમાન રોડ પર લાભેશ્વર ચોક નજીક વર્ષા સોસાયટી વિભાગ-2માં જીવન જ્યોત હોસ્પિટલમાં ડો. દિનેશ વાડોદરિયા અને ડો. સાગર પટેલ ગેરકાયદે લિંગપરીક્ષણ કરતા હોવાની માહિતી મળતાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ પટેલે ત્યાં તા. 9-5-19ના રોજ દરોડો પાડી જીવન જ્યોત હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન સહિત અલગ -અલગ વસ્તુઓ કબજે કરી હતી. પીસી એન્ડ પીએનડીટી એક્ટની જોગવાઈ મુજબ કોર્ટમાં ફરિયાદ કરવાની થતી હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારીએ તા. 13-5-19ના રોજ કોર્ટમાં ફરિયાદ કરી છે. ત્યાર બાદ તા. 14-5-19ના રોજ પોલીસ કમિશનરને અરજી કરી આ મામલે તાત્કાલિક અસરથી એફઆઇઆર નોંધવાની રજૂઆત કરી છે.

કેસની ગંભીરતા જણાતાં પોલીસને અરજી આપી

સુરત DHO હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, પીસી એન્ડ પીએનડીટી એક્ટમાં એવી જોગવાઈ છે કે, જો આરોગ્ય અધિકારીને ગંભીર કેસમાં એવું જણાય કે મોટું કૌભાંડ છે અને પોલીસ તપાસની જરૂર પડે તેમ છે તો પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી શકે છે. આ કિસ્સામાં ગંભીરતા જણાતા અને મોટું કૌભાંડ હોવાનું ધ્યાનમાં આવતા પોલીસ કમિશનરને અરજી કરી એફઆઇઆર કરવા રજૂઆત કરી છે અને આ કેસ સંદર્ભે વિગતવાર માહિતી આપી છે.

DHOએ અમને અરજી આપવાની જરૂર નથી

સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે, ગેરકાયદે ભ્રૂણપરીક્ષણનો મામલો હાલ કોર્ટમાં છે. જ્યાં સુધી કોર્ટમાંથી કોઈ આદેશ ન આવે ત્યાં સુધી પોલીસ કાંઇ કરી શકે નહીં. કોર્ટ જો આદેશ આપશે તો પોલીસ તલસ્પર્શી તપાસ કરશે. આ કેસને લગતા તમામ પુરાવા એકત્ર કરશે અને કૌભાંડના મૂળ સુધી પહોંચશે. કોર્ટ કાર્યવાહીની આ પરંપરા છે. જેમાં કોઇ અરજી આપવાની જરૂર નથી. આ કિસ્સામાં જ્યાં સુધી કોર્ટનો આદેશ નહીં આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

કોર્ટ-પોલીસ બંનેમાં ફરિયાદ કરી શકે છે

સુરત પૂર્વ CP સુધીર સિન્હાએ જણાવ્યું હતું કે, DHOને મળેલી સત્તા મુજબ તે કોર્ટમાં ફરિયાદ કરી શકે અને પોલીસમાં પણ FIR નોંધાવી શકે. CRPCની કલમ 210માં એવી જોગવાઈ છે કે જો કોર્ટમાં પણ ફરિયાદ થાય અને પોલીસમાં પણ ફરિયાદ થાય તો કોર્ટમાં કરેલી ફરિયાદ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવે છે. પોલીસ જ્યારે તપાસના અંતે CRPCની કલમ 173 મુજબ ચાર્જશીટ રજૂ કરે ત્યાર પછી કોર્ટની સ્થગિત કરેલી તપાસ શરૂ થાય છે. એટલે કે બન્ને તપાસ એકસાથે ચાલે છે.

સમન્સ ક્યાં બજાવશે એ મોટો પ્રશ્ન

આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ સાગર કાળુ પટેલે પોતાનું સરનામુ જીવન જ્યોત હોસ્પિટલ, બજરંગવાસ નગર, વાલક પાટિયા, વસકાળા, સુરત એમ લખાવ્યું છે. ખરેખર તો બજરંગવાસ નગર કે જીવન જ્યોત હોસ્પિટલનું અસ્તિત્ત્વ જોવા મળ્યું ન હતું. ત્યાંથી દિનેશ બાબુ વાડોદરિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો. તેણે આરોગ્ય વિભાગમાં લખાવેલું સરનામુ એવું હતું કે 32, સાંઇહોમ સોસાયટી, ડી-માર્ટની બાજુમાં, મોટા વરાછા. ત્યાં પહોંચી તપાસ કરી તો સાંઇહોમ નામે કોઇ સોસાયટી ન હતી પરંતુ સાંઇ મોહન સોસાયટી મળી હતી. લિંબાયતમાં સીમા પરસોતમ પટેલના આરોગ્ય વિભાગના ચોપડે લખાયેલા સરનામે 299 રંગિલા સોસાયટી, સપના પાન સેન્ટરની બાજુમાં, લિંબાયત તપાસ કરી તો રંગિલા નગર છે. સોસાયટી નહીં. રંગિલા નગર ખાતે તપાસ કરી ત્યાં 299 જેટલાં મકાનો જ ન હોવાનું જણાયું હતું. જ્યારે સમન્સ બજાવવાનો વખત આવશે ત્યારે સમન્સ કઇ જગ્યાએ બજાવશે? એ પ્રશ્ન છે.

X
જીવન જ્યોત હોસ્પિટલમાં ગેરકાયદે લિંગપરીક્ષણ થતું હતુંજીવન જ્યોત હોસ્પિટલમાં ગેરકાયદે લિંગપરીક્ષણ થતું હતું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી