આખરે મમતા જાગી / સુરતમાં સિવિલ હોસ્પિટલમાં બાળક અદલા-બદલીના આક્ષેપ બાદ તરછોડાયેલી બાળકીનો માતા-પિતાએ કબજો મેળવ્યો

  • નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં બાળક બદલાઈ ગયું હોવાનો આક્ષેપ કર્યો હતો
  • બાળકીને તરછોડ્યાના ત્રણ દિવસ બાદ માતા-પિતા બાળકીને લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

DivyaBhaskar.com

May 16, 2019, 12:27 PM IST

સુરતઃ નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયેલા બાળકને બદલીને તેની જગ્યાએ બાળકી મુકી દેવાઈ હોવાનો આક્ષેપ કરનાર દંપતી બાળકીને સિવિલમાં જ તરછોડી પલાયન થઈ ગયું હતું. બનાવ અંગે તબીબે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે, માતા-પિતાની મમતા જાગી હોય તેમ સામેથી બંને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. અને બાળકીનો કબજો મેળવ્યો હતો.

સમગ્ર ઘટના શું હતી

પાંડેસરા મહાદેવ નગર ખાતે રહેતા નૈનાબેન રાજેશ પટેલની 8મે બુધવારના રોજ સાંજે પાંડેસરા વિસ્તારમાં આવેલી લવલી હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હતી. નવજાત બાળકની તબિયત નાજુક હોવાથી લવલી હોસ્પિટલના તબીબે નવજાતને સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યુ હતું. સિવિલ હોસ્પિટલમાં એનઆઈસીયુ વોર્ડમાં નવજાત બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુરૂવારે સવારે બાળક બદલી તેની જગ્યાએ બાળકી મુકી દેવાઈ હોવાનો નૈના અને રાજેશે આક્ષેપ કર્યો હતો અને હોબાળો મચાવી દીધો હતો. જેથી સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

ડીએનએ સેમ્પલ પણ લેવાયા હતા

જે હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ તે લવલી હોસ્પિટલના તબીબે નૈનાબેને બાળકીને જ જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો હતો અને નૈનાબેન તેમજ રાજેશભાઈને ગેરસમજ થઈ હોવાનું પણ જણાવ્યું હતું. દંપતીના આક્ષેપને પગલે બાળક બદલાયું છે કે નહીં તે ચકાસવા માટે ડીએનએ સેમ્પલ પણ લેવાયા હતા. જેનો રિપોર્ટ એક મહિનો પછી આવવાનો હતો. જોકે રિપોર્ટ આવે તે પહેલા જ રવિવારે રાત્રે નૈના અને રાજેશ બાળકીને સિવિલના એનઆઈસીયુ વોર્ડમાં જ તરછોડી પલાયન થઈ ગયા હતા. દંપતી બાળકીને તરછોડી ગયા હોવાની જાણ થતા તબીબોએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાન ત્રણ દિવસ બાદ માતા-પિતા બાળકીને લેવા આવ્યા હતા.

બાળકીનો કબજો મેળવ્યો

મમતા જાગી જતા માતા-પિતા નૈના અને રાજેશ જાતે જ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. અને સીધી જ એનઆઈસીયુ વોર્ડમાં દાખલ બાળકીની પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ બાળકી પોતાની જ હોવાની માની તમામ પ્રોસેસ હાથ ધરી કબજો મેળવ્યો હતો. ત્યારબાદ બાળકીને લઈને ઘરે રવાના થઈ ગયા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી