CCTV / સાપુતારાના કોમ્પલેક્સમાં દીપડો ઘૂસી ગયો, સસલાનું મારણ કરી જતો રહ્યો

  • મસાજ પાર્લરના પાછળના કેમ્પસમાં ઘૂસી જઈ દીપડાએ સસલાનું મારણ કર્યું
  • દીપડો કોમ્પલેક્સની દિવાલ કૂદી બહાર નીકળી ગયાનું દ્રશ્ય સીસીટીવીમાં કેદ

DivyaBhaskar.com

May 03, 2019, 01:10 PM IST

સુરતઃ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે આવેલા કોમ્પલેક્સના આયુર્વેદિક મસાજ પાર્લર સેન્ટરના પાછળના કેમ્પસમાં ગતરોજ રાત્રિના અરસામાં દીપડો ઘૂસી ગયાનું દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થતા ખળભળાટ મચી ગયો છે. જોકે, આ બાબતે વન વિભાગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

ભયના માહોલ સાથે ખળભળાટ મચી ગયો

સાપુતારાથી ગવર્નરહિલ ટેબલપોઈન્ટ તરફ માર્ગની સાઈડમાં રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદિક નર્સરી તથા આયુર્વેદિક મસાજ પાર્લરનું પણ નિર્માણ કર્યું છે. આયુર્વેદિક સેન્ટરની આસપાસ ઝાડીઝાંખરા છે. બુધવારે રાત્રિના 2 વાગ્યાના અરસામાં આયુર્વેદિક મસાજ પાર્લર સેન્ટરની દિવાલ કુદી કેમ્પસમાં દીપડો ઘૂસી ગયાનું અને એક સસલાનું મારણ કરી પાછો દિવાલ કૂદી બહાર નીકળી ગયાનું દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થતા ભયનો માહોલ સર્જાવાની સાથે ખળભળાટ મચી ગયો છે.

ઘોર બેદરકારી બહાર આવવા પામી છે

મસાજ પાર્લર સેન્ટરના નિર્માણનું કાર્ય હાલમાં ચાલુ જ હોવાના પગલે વોચમેન સિવાય કોઈ રહેતું નથી તેમજ અહીં સસલા પાળેલા હોય અને સવારે એક સસલુ ન દેખાતા સંચાલક હિતેન્દ્ર પટેલ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા દીપડો દિવાલ કૂદી કેમ્પસમાં દાખલ થયો હોવાનું નજરે પડ્યું હતું. દીપડાએ સસલાનું મારણ કરી પાછો બહાર નીકળી ગયો હતો. આ સંચાલકે વન વિભાગને આ અંગે જાણ ન કરતા ઘોર બેદરકારી બહાર આવવા પામી છે.

અમને જાણ કરવામાં આવી નથી

શામગહાન રેંજના આરએફઓ સુરેશભાઈ ‌વાઘે જણાવ્યું હતું કે, અમો રાત્રિ દરમિયાન સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા પરંતુ રાત્રે અને ગુરૂવારે દિવસ દરમિયાન આયુર્વેદિક સેન્ટર સાપુતારાના કર્મચારીઓ દ્વારા આ સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા દીપડા બાબતે અમને કોઈ જાણ કરવામાં આવી નથી. અમારી પાસે જંગલી જાનવરને પકડવા માટે પાંજરુ પણ તૈયાર જ છે. જો અમોને જાણ કરવામાં આવશે તો અમો તુરંત જ કવાયત હાથ ધરીશું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી