સપાટો / સુરતમાં ફાયર વિભાગે 16 કોમર્શિયલ કોમ્પલેક્ષને સીલ કર્યા, દુકાન ધારકોએ ઘરણા કરી વિરોધ નોંધાવ્યો

  • ફાયર સેફ્ટીની સુવિધા કરવા નોટીસ આપી હતી
  • નોટીસ આપવા છતા કામગીરી ન કરતા કાર્યવાહી
  • મોટા વરાછામાં સીલ મારેલી ઓફિસમાં કર્મચારી ફસાયો

DivyaBhaskar.com

May 16, 2019, 01:32 AM IST

સુરતઃ શહેરના સાત ઝોનમાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. સાતેય ઝોનમાં અળગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને 16 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા છે. જેથી વરાછામાં યોગીચોક ખાતે દુકાન ધારકો દ્વારા ધરણા પર બેસી સીલ ખોલવાની માંગ કરવામાં આવી છે.

1200 જેટલી દુકાનો સીલ

અમદાવાદ ની બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે.ફાયર વિભાગ દ્વારા શહેરના 100 જેટલા કોમર્શિયલ કોમ્લેક્ષને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનું ધ્યાને આવતા પહેલાં નોટીસ ફટકારી ફાયરની સુવિધા ઉભી કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, આજે સાત ઝોનમાં અલગ અલગ 10 ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ ઝોનના 16 જેટલા કોમ્લેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા છે. આ તમામ કોમ્પલેક્ષમાં અંદાજે 1200 જેટલી દુકાનો આવેલી છે. જેને હાલ સીલ મારી દેવામાં આવ્યું છે.

ઓફિસમાં કર્મચારી ફસાયો

મોટા વરાછા ખાતે આવેલા ધારા આક્રેડ કોમ્પલેક્ષની ઓફિસને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. જેમાં 305 નંબરમાં ઈન્સ્યોરન્સની ઓફિસ આવેલી છે. ફાયર વિભાગે ઓફિસ બંધ હોવાથી બહારથી જ સીલ મારી દીધું હતું. ઓફિસમાં હાજર અઝર નામનો કર્મચારી ઓફિસમાં જ ફસાઈ ગયો હતો. ફાયર વિભાગ સીલ મારી જતું રહ્યું હતું. જોકે, ઓફિસમાં ફસાયેલા યુવાને બુમાબુમ કરી હતી. જેથી કોમ્પલેક્ષના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગે સીલ તોડી યુવકને બહાર કાઢ્યો હતો. અને ફરી સીલ મારી દીધું હતું.

દુકાનોના સીલ ખોલવાની માંગ

યોગીચોક વિસ્તારમાં આવેલા એપલ સ્કવેર કોમ્પલેક્ષને ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધાને લઈને સીલ મારી દીધું હતું. જેથી કોમ્પલેક્ષમાં 250 દુકાન ધરાવતા લોકો એકઠા થયા હતા. અને ધરણા પર બેસીને મહાનગરપાલિકા મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સાથે સાથે જ્યાં સુધી દુકાનના સીલના ખોલવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી. અને દુકાનોના સીલ ખોલવાની માંગ કરી હતી.

ફાયર સ્ટેશનદીઠ બે ટીમો બનાવી હતી
દરેક ઝોનમાંથી 2 શોપિંગ મોલની પસંદગી કરીને દરેક ફાયર સ્ટેશન ખાતેથી બે ટીમો બનાવી હતી. જેમાં એક ટીમમાં 4 કર્મચારી અને એક અધિકારીને રાખવામાં આવ્યા હતા. પ્રત્યેક બે ટીમો મળી ઝોનમાં જઇને સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

3 હોસ્પિટલમાં દર્દી હોવાથી સીલ નહીં કરી
ફાયર સેફટી સુવિદ્યા વિનાની કુલ 5 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી 2 હોસ્પિટલને સીલ કરી બંધ કરવામાં આવી હતી. જ્યારે 3માં દર્દી હોવાથી સીલની કામગીરી કરાઇ ન હતી.

99 મોલનું નોટિસ બાદ પણ લોલમલોલ
ફાયરના સર્વે મુજબ શહેરના 99 શોપિંગ કોમ્પ્લેક્ષે નોટીસ બાદ પણ સેફટીની સુવિદ્યા ઉભી ન કરતાં બુધવારે 16 કોમ્પલેકસની દુકાનો સીલ કરી હતી. હવે બાકી 83 કોમ્પલેક્ષને સંકજામાં લેવાશે.

એપલ સ્કેવરના દુકાનદારો ધરણાં પર
વરાછા યોગીચોકમાં આવેલ એપલ સ્કેવરમાં 290 દુકાન સીલ કરાઇ હતી. 14-2-2019ના રોજ શોપિંગ મોલને ફાયર સેફટી મુદ્દે પાલિકાએ નોટીસ આપી હતી. જો કે તેમ છતાં નોટીસ નહીં મળી હોવાના આક્ષેપ સાથે દુકાનદારો ધરણાં પર બેસી ગયા હતા.

મોટા વરાછામાં યુવાન દુકાનમાં ઉંઘતો હતોને ફાયર બ્રિગેડે સીલ મારી દીધું
મોટા વરાછા સેટેલાઇટ રોડ પર ધારા આર્કેડમાં 92 દુકાન અને 1 હોસ્પિટલ સીલ કરાઇ હતી. 92 દુકાન પૈકી એકમાં એક યુવાન શટલ પાડીને સૂઇ રહ્યો હતો. ફાયરના કર્મચારીઓને તેની ખબર ન હોઇ દુકાન સીલ કરી દેતા યુવાન ફસાઇ ગયો હતો. સવારે 8 વાગે યુવાન ઉઠ્યો ત્યારે તે અંદર પુરાઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું.

સેફટીનો વર્ક ઓર્ડર રજૂ કર્યા બાદ સીલ ખોલવામાં આવશે
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, જે તમામ શોપિંગ કોમ્પલેક્ષની દુકાનો સીલ કરાઇ છે. તેમના દ્વારા ફાયર સેફટી સુવિધા કાર્યરત કરવાનો વર્કઓર્ડર રજૂ કર્યા બાદ જ દુકાનોના સીલ ખોલવામાં આવશે. હાલ અમે 983 દુકાનોને સીલ કરી છે.

પાલિકા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં
સુરત: ફાયર સેફ્ટી નહી હોવાથી પાલિકાએ મોટાવરાછા અમરોલી વગેરે વિસ્તારોમાં વહેલી સવારે ચાર વાગ્યાના સમયે ઘણા બધા બિલ્ડીંગોમાં અસંખ્ય દુકાનોને સીલ કરી હતી. પાલિકાએ સીલ માર્યા બાદ બુધવારે ઘણી જગ્યાએ દુકાનદારો બિલ્ડરની સામે સુત્રોચ્ચાર કરવાને બદલે પાલિકા સામે સુત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી