સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દેશ વિદેશના પતંગિયાઓ દેખાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશના વિવિધ રાજ્યો ઉપરાંત 10 દેશોમાંથી પણ 50થી વધુ પ્રજાતિના પતંગિયાઓ મંગાવવામાં આવશે

કેવડિયા: સ્ટેચ્યુના આસપાસના વિસ્તારોમાં વિવિધ ગાર્ડન બનાવવામાં આવી રહ્યાં છે. તેમાં પણ હવે બટરફ્લાય ગાર્ડનનો ઉમેરો થવા જઇ રહ્યો છે. વનવિભાગ દ્વારા વિવિધ રાજ્યોમાંથી રંગબેરંગી અને અગલ અગલ પ્રજાતિના પંતગિયાઓ લાવી તેનો બટરફ્લાય ગાર્ડનમાં ઉછેર અને સંવનન કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના 4થી 5 હજાર પ્રવાસીઓની આવક છે. ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ પ્રકલ્પોને સાકાર કરવામાં આવી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વેલી ઓફ ફ્લાવ,કેક્ટસ ગાર્ડન સહિત પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભા કરે તેવા વિવિધ ગાર્ડનો ઉભા કરવામાં આવી રહ્યાં છે. 

જંગલ વિસ્તારોમાં પણ અભ્યારણીય પશુઓને નિહાળવા જઇ શકાય તેવું આયોજન કરાશે ત્યારે વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેક્ટસ ગાર્ડન સાથે હવે બટરફ્લાય ગાર્ડન બનાવવાની કવાયત હાથ ધરાઇ છે. અલગ અલગ પ્રજાતિના પતંગિયા કેવડિયા લાવવા માટેની કામગીરીને વેગ આપી દેવાયો છે. વિવિધ એજન્સીઓને તે માટેની કામગીરી સોંપાઇ છે. બટરફ્લાય ગાર્ડનમાં અનેકવિધ પ્રકારના પતંગિયા જોવા મળી શકશે. આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પુર્ણ થવા જઇ રહ્યું છે.  

પતંગિયાઓનું સંવનન કેન્દ્ર બનાવાશે
પતંગિયાઓનું જીવનકાળ ટુંકું હોય છે. જેથી બટરફ્લાય ગાર્ડન સાથે પતંગિયાઓનું સંવનન કેન્દ્ર પણ બનાવવામાં આવશે. જેથી તેમની સંખ્યામાં દિન-પ્રતિદિદ વધારો થઇ શકે. ઉપરાંત પતંગિયાઓ જે તે વિસ્તારના મોસમનો અનુભવ કરી શકે તે માટે તે પ્રકારનું વાતાવરણ પણ ઉભું કરવામાં આવે તેવો પ્રયાસ હાથ ધરાયો છે. 

ફુલના 25 પ્રકારના વૃક્ષો લગાવાશે
પતંગિયાઓ ફુલોના રસ પર નિર્ભર હોય છે. ત્યારે અન્ય રાજ્યોમાંથી પણ અલગ અલગ પ્રકારની પ્રજાતિના પતંગિયાઓ લાવવામાં આવશે. ઉપરાંત વિદેશોમાંથી પણ 50થી વધુ પ્રજાતીના પતંગિયા લવાશે. જેના પગલે વન વિભાગ બટરફ્લાય ગાર્ડનમાં 25 પ્રજાતિના અલગ અલગ રસીલા ફુલોના વૃક્ષો પણ લગાવવામાં આવશે.- વિરેન્દ્રસિંગ ધારિયા, આરએફઓ, ગોરા રેન્જ.