દાનહ / 24 કલાકમાં બે બહેનોના સિકલસેલની બીમારીથી મોત, એકની ચિતા ઠંડી ન પડી ત્યાં બીજીની લાશ લવાઇ

મૃતક બહેનોની ફાઈલ તસવીર
મૃતક બહેનોની ફાઈલ તસવીર

  • મોટી બહેનને અન્ય હોસ્પિટલ ખસેડતા રસ્તામાં જ મોત નીપજ્યું
  • નાની બહેનનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું

Divyabhaskar.com

Dec 03, 2019, 10:05 AM IST

સુરતઃ સંઘ પ્રદેશ દાનહના અંબોલી કરભારીપાડા ખાતે 24 કલાકમાં બે બહેનોના સિકલસેલની બીમારીથી મોત થતા ચકચાર મચી જવા પામી છે. તાવ આવ્યા બાદ તબિયત વધુ લથડતા હોસ્પિટલ ખસેડાયેલી બંને બહેનોના મોત નીપજ્યા હતા.ખાનેવાલ હોસ્પિટલ ઇન્ચાર્જએ જણાવ્યું હતું કે, બંને બહેનોના લોહીના સેમ્પલ લઈ અનેક ટેસ્ટ કર્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે, સિકલસેલ લોહીની બીમારીથી પીડિત હતી.

મોટી બહેનનું લોહીની વોમિટ થયા બાદ મોત નીપજ્યું

સંઘ પ્રદેશ દાનહના અંબોલી કરભારીપાડામાં 24 કલાકમાં બે બહેનો ઉ.વ.22 અને તેની નાની બહેન ઉ.વ.19નું સિકલસેલની બીમારીથી મોત થતા ચકચાર મચી જવા પામી છે. મોટી બહેન ધોરણ 12 પાસ કરી એક કંપનીમાં સ્ટોર ઇન્ચાર્જનું કામ કરતી હતી. તેની સાથે નાની બહેન પણ 12મું પાસ કરી સાથે કામ કરતી હતી અને બહારથી કોલેજના પ્રથમ વર્ષની તૈયારી કરતી હતી. ગત 26 નવેમ્બરે બંને બહેનોને તાવ આવ્યો હતો. તબિયત વધુ ખરાબ થતા બંનેને 108માં ખાનવેલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાથી નાની બહેનને સેલવાસ સિવિલમાં ખસેડાઇ હતી. દરમિયાન મોટી બહેનની પણ તબિયત વધુ ખરાબ થતા એને સેલવાસ ખસેડાઇ રહી હતી. ત્યારે દપાડા નજીક લોહીની વોમિટ થઇ હતી. રસ્તામાં જ તેનું મોત થયું હતું. જ્યારે બીજા દિવસે એક તરફ મોટી બેનની ચિતા સળગી રહી હતી. ત્યારે સિવિલમાં સારવાર લેતી તેની નાની બહેનનું પણ મોત થયું હતું.

સિવિલ હોસ્પિટલના અધિકારીઓ નિંદ્રામાં

સંઘ પ્રદેશ દાનહનાઆરોગ્ય વિભાગે રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચુક્યા છે. બીજી તરફ આજ આરોગ્ય વિભાગનો દેખાવો દૂર કરીએતો અનેક આરોપો આવતા દર્દીઓ કરતા રહે છે. આંબોલી કરભારીપાડા ખાતે રહેતા ગુલાબ લહનુ ઘોડીએ પોતાની બે યુવાન દીકરીઓની સ્મશાન યાત્રા એક દિવસમાં બે વાર કાઢવાનો વારો આવ્યો હતો.

આરોગ્ય વિભાગના વડાએ જવાબ ન આપ્યો

પ્રદેશના 50 ટકા જેટલા આદિવાસીઓ સિકલસેલની બીમારીથી પીડિત છે. આ બીમારીમાં દર્દીના રક્ત કણ જોડાય જતા હોય છે જેને લઇ અનેક જીવલેણ તકલીફો ઉભી થાય છે. અંબોલી ખાતે રહેતી બંને બહેનો પણ આજ બીમારી હોવાનું જાણવા મળ્યું છે જેને લઇ દીવ, દમણ દાનહના હેલ્થ ડાયરેક્ટર ડો. વી.કે. દાસ સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

બંને દીકરીને જમીન પર સુવડાવી રાખી હતી

હું મારી બંને દીકરીઓને 108 દ્વારા ખાનવેલ હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં મારી દીકરીઓને યોગ્ય સારવાર મળી નથી. બે કલાક બંને દીકરીઓને જમીન પર સુવડાવી રાખી હતી. અહીંનો સ્ટાફ પણ યોગ્ય જવાબ આપતા નથી. એકના લગ્ન અમે આવતા વર્ષે કરવાના હતાં. જેને મારે અંતિમ વિદાય આપવા પડી છે. મારી કુલ 4 દીકરીઓ છે આ બંને મોટી હતી બીજી બે નાની છે.- મૃતક દીકરીઓના પિતા, આંબોલી

સિકલસેલની બીમારીથી પીડિત હતી

બંનેના ડેંગ્યુના ટેસ્ટ અમે અહીં બેવાર કર્યા હતા જે નેગેટિવ આવ્યા હતા. મરણ બાદ પણ લોહીના સેમ્પલ લઈ બીજા અનેક ટેસ્ટ કર્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે એકને સિકલસેલ લોહીની બીમારીથી પીડિત હતી. જેમાં અનેક તકલીફો ઉભી થતી હોય છે જેના કારણે બંનેના મોત થયા હશે.- ડો. ગણેશ વેર્નેકર, ખાનેવાલ હોસ્પિટલ ઇન્ચાર્જ

સિકલસેલ વારસાગત સમસ્યા

સિકલસેલ એનિમિયા વારસાગત સમસ્યા છે. આ સમસ્યા રક્તકણમાં રહેલા ખામીયુક્ત હીમોગ્લોબીનના કારણે થાય છે. ખાસ પ્રકારની લેબોરેટરી તપાસમાં રક્તકણનો આકાર દાતરડા જેવો થઈ જતો હોવાથી સિકલસેલ કહેવાય છે. જે વ્યક્તિમાં માતા કે પિતા કોઈ એકમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલસેલ વાહક કહેવાય છે અને જે વ્યક્તિમાં માતા અને પિતા બંનેમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલસેલ ડિસીઝ કહેવાય છે.

સિકલસેલના લક્ષણો

સિકલસેલ રોગના લક્ષણોમાં શરીર ફિક્કુ પડી જાય છે. શરીરમાં કળતર થવું, વારંવાર તાવ આવવો, વારંવાર કમળો થવો, બરોળ મોટી થઈ જવી, પેટમાં દુ:ખાવો થવો, સાંધાનો દુ:ખાવો રહેવો તેમજ હાથ-પગના સાંધા સૂજી જવા.

X
મૃતક બહેનોની ફાઈલ તસવીરમૃતક બહેનોની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી