વાપી ડબલ મર્ડર કેસ / હત્યા કરવા આવેલા શૂટર બે મહિલા જોઈ કન્ફ્યુઝ થયા, સોપારી લીધી હતી એટલે બંનેને મોતને ઘાટ ઉતારી

મૃતક રેખાબેન(ડાબે) અને અનિતાબેનની ફાઈલ તસવીર
મૃતક રેખાબેન(ડાબે) અને અનિતાબેનની ફાઈલ તસવીર

  • વાપી ચણોદ કોલોનીમાં શનિવારે રાત્રીએ બે મહિલાની ગોળી મારી હત્યા થઇ હતી
  • સોપારી આપી હત્યા કરાવવામાં આવી હોવાની પોલીસ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ

Divyabhaskar.com

Jan 15, 2020, 12:15 PM IST

સુરતઃ વાપી ચણોદ કોલોનીમાં કાળીમાતાના મંદિર નજીક રહેતી 51 વર્ષીય મહિલા રેખાબેન અને મહારાષ્ટ્રથી આવેલી તેમની બહેનપણી અનિતાબેનની શનિવારે રાત્રીએ તેમના ઘરમાં આવેલા બે ઇસમોએ આડેધડ ફાયરિંગ કરતાં બંને મહિલાના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. ઉદ્યોગનગર પોલીસે મૃતક મહિલાના પુત્રની ફરિયાદ લઇને આરોપીને શોધવાની મથામણ શરૂ કરી છે. જોકે, ચણોદ કોલોનીમાં રહેતી મહિલાની વાપીમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી અને મહિલાના ચારિત્ર્ય બાબતે શંકા રાખીને ખૂબ નજીકના સંબંધીએ જ હત્યાની સોપારી આપી હોવાની દિશામાં પોલીસે તપાસ આગળ વધારી છે. ઉલ્લેખનિય છે કે, સોપારી લઇને રેખાબેનની હત્યા કરવા આવેલા શૂટરો ઘરમાં બે મહિલાને જોઇને કન્ફ્યુઝ થઇ ગયા હતા. જેથી શૂટરોએ બંને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ઘટના શું હતી?

વાપીના ચણોદ કોલોનીમાં કાળી માતા મંદિર નજીક આરસીએલ હાઉસિંગમાં ગ્રાઉન્ડ ફલોરમાં 51 વર્ષીય રેખાબેન બહ્મદેવ મહેતા (મહંતો) છેલ્લા છ માસથી એકલી રહેતી હતી. જવાહર નગર, પલગામ, વર્ધા - મહારાષ્ટ્રમાં રહેતી તેમની બાળપણની બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગા ખડસે કે જે રેખાની બાળપણની સહેલી હોવાથી દસેક દિવસથી રહેવા માટે આવી હતી. શનિવારે રાત્રીએ રેખા મહેતા અને તેમની મિત્ર અનિતા ઉર્ફ દુર્ગા ખડસે પોતાના ઘરમાં આવેલા ડ્રોઇંગ રૂમમાં ટીવી જોઇ રહ્યા હતા ત્યારે બાઇક ઉપર આવેલા બે નકાબપોશ ઇસમો એકદમ તેમના ઘરમાં ધૂસી જઇને રેખા અને તેમની બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગા ઉપર પિસ્તોલ જેવા હથિયારથી આડેધડ ફાયરિંગ કરી દીધી હતી. આ ફાયરિંગમાં રેખા અને દુર્ગાને માથાના ભાગે ગોળી વાગતાં તેમના સ્થળ ઉપર જ મોત થયા હતા. ચણોદ કોલોનીમાં એક સાથે બે મહિલાની ગોળી મારી હત્યાની ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. એસપી સુનિલ જોશી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. ઉદ્યોગનગર પોલીસે મૃતક રેખાબેન મહંતોના પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડુની ફરિયાદ લઇને હત્યારાની કડી મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.

રેખાના પતિનું 2 વર્ષ અગાઉ નિધન થયું હતું

એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસે શકમંદોની અટકાયત કરીને તથા મૃતક બંને મહિલાના કોલ ડિટેલ મેળવીને હત્યારા સુધી પહોંચવા માટે પ્રયાસ કર્યો છે. જોકે, આ બધા વચ્ચે મૃતક રેખાબેનના પતિ બહ્મદેવ રામજીભાઇ મહેતાનું બે વર્ષ અગાઉ મૃત્યું થયા બાદ વાપીમાં વસાવેલી કરોડો રૂપિયાની પ્રોપટી અને વ્યાજનો ધંધો રેખાબેન સંભાળતી હતી. વાપીમાં આવેલી કરોડો રૂપિયાની પ્રોપટી ઉપરાંત મૃતક મહિલાના શોખથી કંટાળીને પરિવારના જ સભ્યએ રેખાની હત્યાની સોપારી આપી હોવાની આશંકા તરફ પોલીસ હાલ તપાસ કરી રહી છે. પ્રોપર્ટી અને રેખાના ચારિત્ર્યના મુદ્દે ઉઠેલા સવાલથી કંટાળીને 51 વર્ષીય રેખાની સોપારી આપી હત્યા કરવામાં આવી હોવાનું હાલ પોલીસ માની રહી છે.

મારવું હતું રેખાને પણ ઓળખ ન થતાં અનિતા પણ ભોગ બની

સોપારી લઇને રેખાની હત્યા કરવા આવેલા શૂટરો ઘરમાં બે મહિલાને જોઇને કન્ફ્યુઝ થઇ ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શૂટરોએ પ્રથમ ફાયરિંગ રેખાની બહેનપણી અનિતા ઉપર કર્યું હતું. અનિતા ઉપર આડેધડ ચાર રાઉન્ડ ફાયર કર્યા બાદ રેખા ત્યાં આવી પહોંચતા તેમના માથામાં ગોળી મારીને ઢીમ ઢાળી દીધું હતું. હત્યા કરવા આવેલા શાર્પ શૂટરો રેખાને ઓળખતા ન હોવાથી તેમની મહારાષ્ટ્રથી આવેલી બહેનપણી અનિતાને પણ ગોળી મારી પતાવી દીધી હતી.

ભાડાં સહિત મહિને લાખોની આવક

સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક રેખા પાસે વાપીમાં 38 જેટલી ચાલીઓ અને ચારેક જેટલા ફલેટ છે જે તેમણે ભાડે ચઢાવ્યા હતા. રેખાને મહિને માત્ર ભાડાં પેટે જ મહિને એકાદ લાખ જેટલા આવતા હતા. આ ઉપરાંત દર મહિને વ્યાજની પણ ઊંચી રકમ તેમને મળતી હતી. સમગ્ર ચણોદ કોલોની વિસ્તારમાં એક દબંગ મહિલા તરીકેની છાપ મૃતક રેખા ધરાવતી હતી. મહિને લાખો રૂપિયાની આવક અને પ્રોપટી લઈને રેખાની હત્યા થઈ હોવાનું માનીને પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. અનેક શંકમદોની પોલીસે અત્યાર સુધી ઉલટ તપાસ કરી છે.

બંને મહિલાના શરીરમાંથી 5 બુલેટ કાઢવામાં આવી

શનિવારે રાત્રે ચણોદ કોલોનીમાં 51 વર્ષની રેખા મહંતો અને તેમની ફ્રેન્ડ અનિતા ખડસેની ગોળી મારી હત્યા બાદ પોલીસે આરોપી સુધી પહોંચવા માટે એફએસએલ ટીમની મદદ લીધી હતી. આ ઉપરાંત સોમવારે સુરતની સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોકટરની ટીમે બંને મહિલાના પોસ્ટ મોર્ટમ કર્યા હતા. પીએમમાં મૃતક બંને મહિલાના શરીરમાંથી પાંચ બૂલેટ કાઢવામાં આવી હતી. બંને મહિલાને ખૂબજ ટૂંકા અંતરેદથી શુટ કરાઇ હતી. જેમાં અનિતાને 4 -રેખાને 1 ગોળી વાગતા મોત થયું હતું. જીઆઇડીસીના પીઆઇ એન. બી. કામળિયાના જણાવ્યા મુજબ પોલીસે તમામ દિશાએથી તપાસ હાથ ધરી છે. પોલીસને આ કેસ ઉકેલવામાં કેટલીક અગત્યની કડી મળી છે જેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

X
મૃતક રેખાબેન(ડાબે) અને અનિતાબેનની ફાઈલ તસવીરમૃતક રેખાબેન(ડાબે) અને અનિતાબેનની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી