દમણગંગા નદીમાં 3 વિદ્યાર્થીઓ ડૂબ્યાં બેને બચાવાયા,એકની શોધખોળ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રેસ અને શૂઝ કિનારેથી મળી આવ્યા - Divya Bhaskar
વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રેસ અને શૂઝ કિનારેથી મળી આવ્યા
  • વાપીના ડુંગરાની સ્કૂલના વિદ્યાર્થીઓ લેટ પહોંચતાં સજાના ભાગરૂપે રજા અપાઈ હતી
  • રજા અપાયા બાદ વિદ્યાર્થીઓ નાહવા માટે દમણગંગા પહોંચી જતા ડૂબ્યાં હતા

વલસાડઃ વાપી નજીક આવેલી દમણગંગા નદીમાં સ્કૂલના 3 વિદ્યાર્થીઓ ડૂબી ગયાં હતાં. ડૂબતાં વિદ્યાર્થીઓ અંગે સ્થાનિકોને જાણ થતાં બે વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. જ્યારે એકનો પતો ન મળતાં સ્થાનિકો સહિત તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સ્કૂલમાંથી સજાના ભાગ રૂપે રજા આપી દેવાયેલી
ડુંગરાની વિનસ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના ત્રણેય વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચ્યા હતાં. જેથી સજાના ભાગ રૂપે વિદ્યાર્થીઓને કાઢી મુકાયા હતાં. સ્કૂલમાંથી સજા મળ્યા બાદ લાજવાની જગ્યાએ વિદ્યાર્થીઓ મજા માણવા દમણગંગા નદીમાં નાહવા માટે પહોંચી ગયાં હતાં. જેમાં ત્રણેય વિદ્યાર્થીઓ ડૂબવા લાગતાં સ્થાનિકોએ બેને બચાવી લીધા હતાં. જ્યારે ત્રીજો વિદ્યાર્થી મળ્યો ન હોવાથી સ્થાનિકો સહિત ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. 

કાંઠેથી શૂઝ કપડા મળ્યાં
સ્કૂલમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ ઘરે જવાની જગ્યાએ દમણ ગંગા નદીમાં નહાવા પડ્યાં હતાં. કાંઠેથી વિદ્યાર્થીઓના શૂઝ અને ડ્રેસ મળી આવ્યાં હતાં. હાલ એક વિદ્યાર્થીની શોધખોળ ચાલી રહી છે. 

વાલીઓનું આક્રંદ
સમગ્ર ઘટના અંગે વાલીઓને જાણ થતાં ત્રણેય વિદ્યાર્થીઓના માતા-પિતા દમણગંગા નદીના કિનારે પહોંચી ગયા હતાં. એક વિદ્યાર્થીનો પતો ન મળ્યો હોવાથી વાલીઓએ ભારે હૈયે આક્રંદ કરી મુક્યું હતું.