વાપી પોલીસ સ્ટેશન સામેની હોટલના પાંચમાં માળે 20 મિનિટ હાથ જોડતો રહ્યો આધેડ, મૂકપ્રેક્ષક ટોળાં સામે મોતની છલાંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાપી પો. સ્ટેશનથી 100 મી. અને ફાયર સ્ટેશનથી 200 મી.દુરની ઘટના
  • ઘટના બની ત્યારે લોકો વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા

વાપી, સુરતઃ વાપીના નહેરૂ સ્ટ્રીટ વિસ્તારમાં મહારાજા હોટલના પાંચમા માળના ટેરેસ પરથી સુરતના 51 વર્ષીય પિયુષ પચ્ચીગર (સોની)એ બપોરે 12 વાગ્યાના અરસામાં મોતનો ભૂસકો મારી દીધો હતો.  આધેડ 20 મિનિટ સુધી બોર્ડ ઉપર ઊભો રહીને હાથ જોડતો રહ્યો, નીચે ટોળું જામી ગયું હતું, આ પૈકી કેટલાક વીડિયો પણ ઉતારી રહ્યા હતા. જે જગ્યાએ ઘટના બની  એની સામે ટાઉન પોલીસ સ્ટેશન છે તથા માંડ 200 મીટર દૂર પાલિકાનું ફાયરબ્રિગેડ સ્ટેશન પણ છે.

લોકો સાથે છેતરપિંડી કરવાનો આક્ષેપ
સુરતના મહિધરપુરા સ્થિત ઘિયા શેરીમાં રહેતા 51 વર્ષીય પિયુષ પચ્ચીગર કોઇ કામ અર્થે વાપી આવ્યા હતાં અને નહેરૂ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા  મહારાજા હોટલમાં રૂમ બુક કરાવીને રોકાઇ ગયા હતાં. બુધવારે સવારે આઠેક વાગ્યાના સુમારે તે બહાર ફરી આવીને પોતાના રૂમમાં ચાલ્યા ગયાં. જોકે, ત્યારબાદ અંદાજે 11.40 વાગ્યે પિયુષ લિફ્ટ મારફતે ટેરેસ ઉપર પહોંચીને હોટલના સાઇન બોર્ડ પર ઊભા રહી ગયા હતાં. અંદાજે 20 મિનિટ સુધી ઊભા રહ્યા બાદ બોર્ડ પર બેસી જઇને નીચે છલાંગ લગાવી દેતાં તેમનું મોત થયું હતું. મરનાર આધેડ બોર્ડ ઉપર ઊભો રહીને લોકોને હાથ જોડતો રહ્યો હતો. જોકે, મૃતક પિયુષને બચાવવા માટે કે પછી આપઘાત પૂર્વે માફી માગી રહ્યો હતો એ કોઇને સમજ પડી ન હતી. આખરે 12 વાગ્યે ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ મામલે PSI મોરીના જણાવ્યા મુજબ પિયુષ કોઇ કામ ધંધો કરતો ન હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

બોર્ડ પર ઊભેલા હોવાથી બચાવી ન શક્યા
બનાવ અંગે જાણ થતાં જ એક કોન્સ્ટેબલ અને બીજા ત્રણથી ચાર માણસો પિયુષને બચાવવા માટે ટેરેસ ઉપર ગયા હતા. જોકે, આધેડ બોર્ડ ઉપર ઊભેલો હોવાથી તેને બચાવી શકાયો ન હતો. સોના ચાંદીના વેપારીઓ મૃતક ઉપર ચોરીની આળ મુકીને હોટલ ઉપર ગયા હતા. જોકે, ચોરીના બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ નોંધાઈ નથી. - વી.ડી. મોરી, ઇન્ચાર્જ પીઆઇ, ટાઉન પોલીસ

અગાઉ ચિટીંગના કેસમાં ગુનો નોંધાયો હતો
પિયુષનો પરિવાર સાથે 10 વર્ષથી સંબધ ન હતો અને તે ઘરે રહેતો પણ ન હતો.તે પહેલા હીરાના કારખાનામાં કામ કરતો હતો. ત્યાર બાદ તેણે નવગ્રહોનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં પિયુષે એક વેપારી સાથે લાખોની ચિટીંગ કરતા તેની સામે અઠવા પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસથી બચવા માટે તે ઘરે રહેતો ન હતો. પરિવારમાં તેની પત્ની અને એક પુત્રી છે, પુત્રીના પણ લગ્ન થઈ ગયા છે. જો કે આપઘાત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

મંગળવારે રાત્રે એક ઝવેરી સાથે પીયુષનો ડખો થયો હતો
વાપી મુખ્ય બજારમાં આવેલા એક જ્વેલર્સના માલિકે પિયુષ પર મંગળવારની એક ઘટના સંદર્ભે ચોરીના આળ મુકી હતી. આ વેપારી અને તેના ત્રણેક માણસો બુધવારે સવારે હોટલ ઉપર પહોંચ્યા હતા, જેથી પિયુષ ગભરાઇ ગયો હતો અને બચવા માટે હોટલના ટેરેસ ઉપર ચઢી ગયો હતો. બીજી તરફ ઝવેરી અને તેના માણસોએ હોટલ મેનેજરને પોતાની દુકાનના સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે જવેલર્સે પિયુષ ઉપર ચોરીની આળ મૂકી હતી ત્યારે કેટલાક વેપારી અને સ્થાનિક રહીશોએ મંગળવારે તેને માર પણ માર્યો હતો. બીજા દિવસે બુધવારે પણ વેપારીઓ પિયુષને શોધતા-શોધતા હોટલ સુધી પહોંચી જતાં પિયુષ ભાગવાની જગ્યા ન હોવાથી હોટલના બોર્ડ ઉપર ઊભો રહી ગયો હતો અને આ ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...