સુરત / બમરોલીમાં સંચાના કારખાનામાં કારીગરનું મોત, કારીગરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ટીયરગેસના સેલ છોડાયા

  • સાથી કારીગરોએ હોબાળો મચાવ્યો, પરિવારે વળતરની માંગ કરી
  • પથ્થરમારામાં બે મહિલા પીએસઆઈને ઈજા, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે

Divyabhaskar.com

Jul 12, 2019, 02:22 PM IST

સુરતઃ બમરોલીની હરિઓમ ઇન્ડસ્ટ્રીમાં કારખાનામાં કારીગરનું મોત નીપજ્યા બાદ સાથી કારીગરોએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો. દરમિયાન એક શબવાહિનીમાં તોડફોડ કરવામાં આવી હતી. જેથી સ્થિતિ તંગ બની ગઈ હતી. દરમિયાન કારીગરો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા ઘર્ષણ સર્જાયું હતું. અને પોલીસે ચાર ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટોળાને વિખેરવા અને ઉશ્કેરાયેલા કારીગરોને રાઉન્ડ અપ કરી મામલો શાંત પાડવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી. હાલ સ્થિતિ કાબુમાં હોવાનું પોલીસ જણાવ્યું હતું. જોકે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે.

પોલીસનો મોટી સંખ્યામાં કાફલો પહોંચ્યો

મળતી માહિતી પ્રમાણે, બમરોલી વિસ્તારમાં આવેલી હરિઓમ ઈન્ડસ્ટ્રીમાં 138 નંબરના ખાતામાં સંચાનું કારખાનું ચાલી રહ્યું છે. જેમાં મૂળ ઓરિસ્સાવાસી 40 વર્ષીય કારીગર દયા મોહન ગોડ સંચા કારીગર તરીકે કામ કરતો હતો. આજે સવારે કારખાનામાં કામ કરતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. જેને લઈને સાથી કારગીરો દોડી આવ્યા હતા. અને માલિકને જાણ કરી હતી. દરમિયાન મોટી સંખ્યામાં સાથી કારીગરો કારખાના પર એકઠાં થઈ ગયા હતા. અને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો મોટી સંખ્યામાં કોફલો દોડી આવ્યો હતો.

શબવાહિનીના કાચ તોડાયા

કારખાનામાં રહેલા મૃતદેહને લેવા આવેલી શબવાહિનીને જોઈ ટોળું ભડકી ઉઠ્યું હતું. અને શબવાહિનીના કાચ તોડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. દરમિયાન પથ્થરમારો કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. અને પોલીસે ચાર જેટલા ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

હાલ સ્થિતિ કાબુમાં: પોલીસ

પોલીસે જણાવ્યું હતું કે, કારીગરના મોત બાદ એકઠાં થયેલા લોકો અને કારખાનાના માલિક વચ્ચે વળતર અને અન્ય માંગ અંગે વાતચિત કરાવવામાં આવી હતી. જોકે, કોઈ નિવેડો આવ્યો ન હતો. દરમિયાન પાલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શબવાહિનીના કાચ તોડવામાં આવ્યા હતા. અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને કારખાના પર પથ્થરમારો ચાલું કરી દીધો હતો. જેથી ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડાયા હતા. હાલ સ્થિતિ કાબુમાં છે. અને પોલીસ કાફલો તૈનાત છે.

કરંટની મોત થયાની વાતો ફેલાવી હતી

કારખાનાના માલિક અંકુર જયંતીભાઈ ચેવલીએ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારની હાજરીમાં જણાવ્યું હતું કે, પાંડેસરામાં આવેલા વડોદ ગામના ગણેશનગરમાં દયા ગોડ રહેતો હતો. અને છેલ્લા 6 મહિનાથી કારખાનામાં કામ કરતો હતો. રાત્રે દયા ચા પીવા માટે ગયો હતો. ત્યારબાદ તબિયત લથડતા ઓફિસમાં સૂઈ ગયો હતો. સવારે 6.55 કલાકે સાથી કારીગરોએ જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે ન ઉઠતા મને જાણ કરી હતી. ત્યારબાદ 108ને જાણ કરી હતી. બ્રોડ ડેડ હોવાના કારણે 108 દ્વારા પોલીસને જાણ કરી હતી. દરમિયાન કેટલાક કારીગરોએ કરંટથી મોત થયું હોવાની વાતો ફેલાઈ દીધી હતી. અને મોટી સંખ્યામાં કારીગરો એકઠાં થઈ ગયા હતા. જેથી આવી ઘટના બની છે.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે

તંગ વાતાવરણ વચ્ચે મૃતકનો મૃતદેહ પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન મૃતકના પરિવારજનો, કારખાનાના માલિક સહિતના લોકો પહોંચી ગયા હતા. પાંડેસરા પીઆઈ ડી.ડી.પવારે જણાવ્યું હતું કે, દયા ગોડના શંકાસ્પદ મોતના પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી