• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Waterfall in south Gujarat, 4 and half inches of rain in Gandevi, several causeways down in water, water entering houses

મેઘ મહેર / દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ગણદેવીમાં 4.5 ઈંચ વરસાદ, અનેક કોઝવે પાણીમાં ગરકાવ, ઘરોમાં પાણી ઘૂસ્યા

અંબિકા નદી કિનારે આવેલા ભાઠાના ઘોલ ફળિયાના માર્ગ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણું બન્યું અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
અંબિકા નદી કિનારે આવેલા ભાઠાના ઘોલ ફળિયાના માર્ગ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણું બન્યું અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

  • જલાલપોરમાં ચાર ઈંચ વરસાદથી પાણી-પાણી થયું
  • દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે
  • 6 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે

Divyabhaskar.com

Sep 11, 2019, 01:02 PM IST

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારી જિલ્લાના ગણદેવીમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે ભારે વરસાદના પગલે ગણદેવી, જલાલપોર, નવસારી, વાપી, ચોર્યાસી, મહુવાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

10 પરિવારોને સ્થળાંતર કરાવાની પણ ફરજ પડી

ધોધમાર વરસાદના કારણે નવસારી, ગણદેવી અને વિજલપોર પંથકમાં અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. કોટન મિલ, પ્રજાપતિ આશ્રમ નજીકનો રોડ, શિવાજી ચોક નજીક, પ્રકાશ ટોકીઝ ગરનાળુ વગેરે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર સવારે અસરગ્રસ્ત થયો હતો. ધોધમાર વરસાદના કારણે કાલીયાવાડીના કેટલાક ઘરોમાં પાણી ભરાયા અને 10 પરિવારોને સ્થળાંતર કરાવાની પણ ફરજ પડી હતી. ગણદેવી વેંગણિયા નદીમાં પાણીનો આવરો આવતા બંધારા પુલ પર પાણી ફરી વળ્યાં હતા. આ સાથે નેરોગેજ અન્ડરપાસમાં પાણી ભરાતા કાત્રક વીલા, કોઠી ફળિયા સંપર્ક વિહોણા થયાં હતાં. બીલીમોરા અંબિકા નદી કિનારે આવેલ ભાઠાના ઘોલ ફળિયાના પિચિંગવાળા માર્ગ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણું બન્યું હતું. ગત વર્ષની સરખામણીએ મોસમનો કુલ 77.6 ઇંચ (1940 મિમિ) વરસાદ હાલ સુધી નોંધાઇ ચુક્યો છે, જે ગત વર્ષની સરખામણીએ 5 ઇંચ વધુ નોંધાયો છે.

ઔરંગા સહિતની લોકમાતા બે કાંઠે

ખેરગામમાંથી પસાર થતી તાન અને ઔરંગા સહિતની લોકમાતા ઉભરાઈ જતા આજુબાજુના કોતરડા પણ પાણીના ધસમસતો પ્રવાહ વધી રહ્યા છે. પાટી-ખટાણા ચીમનપાડા-મરઘમાળ બહેજ-ભાભા અને નાધઇ-મરલા ગામોને જોડતા ચાર કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો.

પૂર્ણા નદીની સપાટી 16 .75 ફૂટ સુધી પહોંચી

નવસારી નજીક થી પસાર થતી પૂર્ણા નદીની સપાટી સોમવારે સાંજે તો 10 ફૂટ સામાન્ય જ હતી પરંતુ રાત્રે ધીમી ગતિએ સપાટીમાં વધારો થયો હતો. આજે 16.75 ફૂટે(ભયજનક 23 ફૂટ)પહોંચી બન્ને કાંઠે વહેતી થઈ હતી. નવસારી ઉપરાંત ડાંગ, મહુવા, વાલોડમાં સારો વરસાદ પડતાં સપાટી વધી હતી.

કાલીયાવાડીમાં 40નું સ્થળાંતર

નવસારીને અડીને આવેલા કાલીયાવાડીમાં ઘરોમાં પાણી ભરાયા હતા. ગામના અગ્રણી ભૂતપૂર્વ સરપંચ પરેશ પટેલના જણાવ્યા મુજબ ગામના રાજીવ નગરમાં પાણી ભરાતા 10 ઘરોના 40 લોકોને સત કેવલ મંદિરમાં સ્થાળાંતર કારવાયું હતું. તેમના ભોજનની વ્યવસ્થા પણ કરાવાય હતી.

માંડવી કીમ રોડ બેટમાં ફેરવાયો

આમલી ડેમથી છોડાયેલું 15 હજાર ક્યુસેક પાણી તથા ગોડસંબા વિસ્તારમાં ભારે વરસાદથી વરેહ નદી જાણે છલકાઈ હતી. કીમ માંડવી રોડ પર ઘણી જગ્યાએ ચારથી પાંચ ફૂટ સુધી પાણી ફરી વળતાં રાજ્ય ધોરી માર્ગ બેટમાં ફેરવાયો હતો અને માંડવી ફાયરની ટીમ હોડી લઈને લોકોનું સ્થળાંતર કર્યુ હતું. માંડવી મામલતદાર, નાયબ મામલદારની ટીમ ફાયર સાથે ખડે પગે રહ્યા હતાં. પાણીની મોટા પાયે આવકથી તંત્ર પણ ડઘાઈ ગયું હતું.

150થી વધુ ઘરોમાં પાણી ભરાયાં

આમલીડેમમાંથી રાત્રિ દરમિયાન 15 હજાર ક્યુસેક પાણી છોડવા સાથે ગોડસંબા વિસ્તારમાં 9 ઈંચ વરસાદના કારણે વરેહ નદી છલકાતાં ઠેરઠેર પાણી ઘૂસી ગયાં હતાં. જેમાં ગોડસંબાનાં 34 ઘરોમાં પાણી ઘૂસતાં 150 લોકોનું સ્થળાંતર, કરવલીમાં 40 ઘરોમાં પાણી ઘૂસ્યાં અને 200 લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. જ્યારે મોરીઠામાં સાત ઘરોમાં, દેવગઢમાં 4, કાછીયાબોરીમાં 32 અને ફૂલાવડીમાં 10 ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં.

વાપીમાં ઠેર ઠેર પાણીના દ્રશ્યો

આ વર્ષે વલસાડ જિલ્લામાં 117 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને સપ્ટેમ્બર દરમિયાન આવતા નક્ષત્રોમાં પણ ‌વર્ષાની હેલી થઇ રહી છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદનો સિલસિલો વણથંભ્યો રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 6 તાલુકામાં સમાંતરધોરણે બેઠી ધારનો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વાપી તાલુકામાં 4 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા હતા.

દક્ષિણ ગુજરાતના વરસાદની આંકડાકીય માહિતી(મિમિ)

નવસારી જિલ્લાનો વરસાદ

નવસારી 92
જલાલપોર 98
ગણદેવી 114
ચીખલી 38
વાસદા 12
ખેરગામ 44

તાપી જિલ્લાનો વરસાદ

વ્યારા 30
વાલોડ 61
સોનગઢ 10
ઉચ્છલ 12
નિઝર 2
કુકરમુંડા 2
ડોલવણ 85

વલસાડ જિલ્લાનો વરસાદ

ઉમરગામ 41
કપરાડા 58
ધરમપુર 30
પારડી 53
વાપી 90
વલસાડ 50

ડાંગ જિલ્લાનો વરસાદ

આહવા 9
વઘઈ 13
સુબીર 10
સાપુતારા 25

સુરત જિલ્લાનો વરસાદ

બારડોલી 35
ચોર્યાસી 94
કામરેજ 50
મહુવા 88
માંડવી 65
માંગરોળ 78
ઓલપાડ 30
પલસાણા 41
સુરત સિટી 32
ઉમરપાડા 15

X
અંબિકા નદી કિનારે આવેલા ભાઠાના ઘોલ ફળિયાના માર્ગ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણું બન્યું અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુંઅંબિકા નદી કિનારે આવેલા ભાઠાના ઘોલ ફળિયાના માર્ગ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણું બન્યું અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી