વાવાઝોડાની અસર / દક્ષિણ ગુજરાતમાં ત્રણના મોત, નવસારીના 24 ગામોમાં એલર્ટ, વલસાડમાં તિથલનો દરિયો તોફાની બન્યો

વલસાડ ખાતે એનડીઆરએફની ટીમ પહોંચી
વલસાડ ખાતે એનડીઆરએફની ટીમ પહોંચી

  • વલસાડમાં સ્કૂલોમાં ત્રણ દિવસની રજા જાહેર
  • ભારે પવન સાથે વરસાદ પડતા પતરાંઓ ઉડ્યા
  • દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ અપાયું
  • નવસારી જિલ્લાના 24 ગામોમાં એલર્ટ જાહેર

Divyabhaskar.com

Jun 12, 2019, 01:17 PM IST

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના સુરત-તાપી જિલ્લામાં એકનું ઝાડ પડતા નીચે દબાઈ જતા, બે મહિલાનું વીજળી પડતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાની અસરના કારણે ગત રોજ સાંજથી જ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે સુરતના પણ કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જ્યારે કાંટા વિસ્તારના ગામોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. તંત્રએ સાવચેતીના પગલે વલસાડમાં તિથલ બીચ, સુરત જિલ્લામાં ડુમસ અને સુંવાલી દરિયા કાંઠે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને તમામ જગ્યા પર પોલીસ બંબોદબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન વલસાડમાં તિથલનો દરિયો તોફાની બનતા 10 ટીમો દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. અને દરિયા નજીક ન જવાના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. જ્યારે હાલ એક એનડીઆરએફની ટીમ વલસાડ ખાતે પહોંચી છે.

વલસાડમાં એલર્ટ

ગુજરાતમાં 12 અને 13 જૂને વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં ત્રાટકવાની હવામાન ‌વિભાગની આગાહીના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી છે.કલેકટરે તાત્કાલિક અધિકારીઓ અને કાંઠાના ગામોના સરપંચો સાથે મીટિંગ કરી આગોતરી કાર્યવાહી સાથે એલર્ટ કરી દીધા હતાં. વહીવટી તંત્રના અધિકારીઓ,પોલિસ અધિકારીઓ અને ગ્રામપંચાયતોને કલેકટરે વાવાઝોડાની સંભવિત અસરથી બચવા માટે સ્થળાંતર માટેની વ્યવસ્થા તૈયાર રાખવા આદેશ કર્યા હતા.વાયુ વાવાઝોડાની આગાહી સાથે જ ગત રોજ મોડી સાંજે વલસાડ જિલ્લામાં મેઘરાજાનું ગાજવીજ સાથે આગમન થયું હતું. કપરાડા તાલુકામાં 1 ઇંચ વરસાદ જ્યારે પારડીમાં 2 મિમિ અને વાપી તાલુકામાં 3 મિમિ વરસાદ નોંધાયો હતો. 12 અને 13 જૂને અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાની સંભાવના હોવાની આગાહીના પગલે વલસાડ જિલ્લામાં કાંઠાના દરિયામાં ઘૂઘવાટ શરૂ થયો છે.

બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

તિથલ બીચ પર સમુદ્ર કિનારે રમણીય વાતાવરણ વચ્ચે આવેલા ભ‌‌‌‌વ્ય સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થીઓનો ધસારો રહે છે.આ સ્થળે વોકપાથ,પ્રોટેક્શન વોલ અને પ્લાન્ટેશનના પ્લેટફોર્મ પર ફરવા આવતા દર્શનાર્થીઓ અને સહેલાણીઓને સમુદ્ર કિનારાથી દૂર રહેવા માટે કલેકટરે પોલિસ અને તંત્રને સતર્ક કર્યા હતા. વાયુ વાવાઝોડનાના કારણે દરિયો તોફાની બનવાની સંભાવના જોતા કલેકટરે ડીવાયએસપી મનોજ ચાવડા સાથે મીટિંગ કરી તિથલ બીચ પર પોલિસની ટીમ ગોઠવી છે. દરિયા કિનારા અને ભરતીના મોજાં નજીક નહીં જવા અને તેમ કરતા રોકવા માટે દોરડા બાંધી દેવાની પણ સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડું સમગ્ર દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોને વધુ અસર કરશે. જેના પગલે તમામ જિલ્લાના કલેક્ટરોએ આ પ્રમાણેના સુરક્ષાત્મક પગલાં ભરી લોકોને જાગૃત કરી દીધા છે.

સ્કૂલોમાં રજા જાહેર

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વાવાઝોડાની આગાહીને લઈને વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓમાં તા 13 થી 15 જૂન સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્રણ તાલુકાની 39 જેટલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાઓ 13 થી 15 જૂન સુધી રજા જાહેર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13 અને 14 જૂનના રોજ વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારની શાળાઓમાં રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. અને 15 જુનની રજા અંગે તબક્કાવાર જાહેર કરવામાં આવશે.

નવસારી જિલ્લામાં વરસાદ

વાવાઝોડાની આગાહીને પગલે સ્થાનિક વહીવટીતંત્ર સાબદુ થયું છે અને ખાસ કરીને દરિયાકાંઠાના બે તાલુકા જલાલપોર અને ગણદેવીમાં અધિકારીઓ વિઝીટ કરી રહ્યા છે. આ બે તાલુકાના કુલ 24 ગામોને તો વિશેષ તકેદારી રાખવા એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં જલાલપોર તાલુકાના 11 અને ગણદેવી તાલુકાના 13 ગામોનો સમાવેશ થાય છે. આ 24 ગામોમાં કદાચ લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તો 24 જેટલા સ્થળાંતર સ્થળો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. દરમિયાન નવસારી જિલ્લા કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

સુરત જિલ્લામાં વરસાદ

સુરતમાં મોડી રાત્રે કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. જ્યારે સુરત જિલ્લામાં સોનગઢ, વ્યારા, ઉનાઈમાં ગત રોજ સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદના કારણે ત્રણ જેટલા મોત પણ નીપજ્યા હતા. બારડોલીમા વાવાઝોડાની અસર પાઠકવાડી, દોલવણ, કકડવા, પંચોલ સહિતના અનેક ગામડાઓમાં ઘરોના છાપરા ઉડી ગયા હતા, નળીયા અને કાચા ઘરના પતરાં ઉડતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જ્યારે ઓલપાડ તાલુકાનાં કાંઠાનાં 21 ગામોના 1672 લોકોને અસર થવાની શક્યતાના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. અને એનડીઆરએફ અને એસઆરપીની ટીમ ઓલપાડ પહોંચી ગઈ છે.

તાપી જિલ્લામાં વરસાદ

ગતરોજ મોડી સાંજેથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાયુ વાવાઝોડાની અસર જાણે તાપી જિલ્લામાં પણ જોવા મળી હતી. તાપીના વાતાવરણમાં પલટો આવતા અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવનએ માઝા મૂકી હતી. આવુ જ એક દ્રશ્ય તાપી જિલ્લાના ડોલવણ ચાર રસ્તા નજીક જોવા મળ્યું હતું. જ્યાં ભારે પવનને કારણે સહકારી મંડળીના પતરા ઉડી ગયા હતા અને ભારે પવન જોવા મળ્યો હતો. અનેકો વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરતા લોકોએ ગરમીથી થોડે અંશે રાહત પણ મેળવી હતી

ડાંગમાં વરસાદ

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા સહિત પૂર્વપટ્ટી પંથકોમાં મંગળવારે તોફાની વાવાઝોડાની સાથે થોડાક સમય માટે મધ્યમ સ્વરૂપનો વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું, જેમાં તોફાની વાવાઝોડાએ ગાઢવી પ્રા.શાળા ઉપર કહેર વર્તાવતા પતરા ઉડીને ધરાશાયી થઈ જતા જંગી નુકસાન થયાની માહિતી સાંપડી છે.

X
વલસાડ ખાતે એનડીઆરએફની ટીમ પહોંચીવલસાડ ખાતે એનડીઆરએફની ટીમ પહોંચી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી