સુરત / આજે વરસાદ સાથે 40થી 50 કિ.મી ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા, NDRF તૈનાત

The possibility of wind blowing at 40 to 50 kmph with today's rain, NDRF ready

  • મોડી રાત્રે વાવાઝોડાની દિશા બદલાતા  શહેરને નહીંવત અસર થવાની સંભાવના
  • બુધવારે 32 કિ.મીની ઝડપે પવન ફૂંકાતા 10 સ્થળોએ ઝાડ પડ્યા, 2 મીમી વરસાદ નોંધાયો
     

Divyabhaskar.com

Jun 13, 2019, 01:17 AM IST

સુરત : વાયુ વાવાઝોડાને પગલે બુધવારે શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. શહેરમાં સવારથી જ કાળાડિંબાંગ વાદળો છવાતાં ભારે ઉકળાટ અને બફારાની લોકો પરેશાન થયા હતા. દરમિયાન અચાનક બપોરે શહેરમાં વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ સાથે મોડી સાંજે શહેરમાં 32 કિ.મીની ઝડપે જોરદાર પવન ફૂંકાતા શહેરમાં 10થી વધુ સ્થળે ઝાડ જમીનદોસ્ત થઇ ગયા હતા. વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હતો.

દરિયામાં ઉંચા મોજાં ઉછળી રહ્યા હોઇ ડુમસ તથા સુંવાલીના દરિયાકિનારે લોકોના જવા પર 14 જૂન સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાનું કલેક્ટર ધવલ પટેલે કહ્યું હતું. જે પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને તમામ પ્રકારની તકેદારી રાખવા માટે એકશન લઇ લીધા છે તેમજ NDRF તૈનાત કરાય છે.

બુધવારે શહેરમાં 32 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાથી યોગીચોક પાણીની ટાંકી પાસે, ઘોડદોડ રોડ રંગીલાપાર્ક, અડાજણ ભૂલકાભવન, અડાજણ મીરાનગર, રાંદેર કોઝવે રોડ, જહાંગીરપુરા અંજની હાઇટસ, પાંડેસરા કોળી ફળિયા, ભાગળ ચેવલી ભજીયાની ગલીમાં, ગોડાદરા માનસરોવર, ભાગળ લીમાડા ચોકમાં ઝાડ પડવાના બનાવ બન્યા હતા.

ડાળીઓ- હોડિગ્સ દૂર કરવા 24 ટીમ કાર્યરત
પાલિકા કમિશનર એમ.થેન્નારાસને જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે 24 ટીમ તૈયાર કરી ઝાડની લટકતી ડાળીઓ કાપવા સાથે જોખમી હોડિગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો
વાવાઝોડાને લીધે ભેજનું પ્રમાણ 70 ટકા નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં આજે 2.3 ડિગ્રી વધુ મહત્તમ તાપમાન રહ્યું. મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું.

4 ટ્રેન આજે રદ અને 4ને શોર્ટ ટર્મિનેટ કરાય
13મી જૂને ગાંધીધામ - બાન્દ્રા ટર્મિનસ, બાન્દ્રા ટર્મિનસ - ગાંધીધામ એક્સપ્રેસ અને ભુજ - દાદાર એક્સપ્રેસ તથા 15મી જૂને દાદર - ભુજ એક્સપ્રેસ એમ ચાર ટ્રેનને રદ કરવામાં આવી છે.

દરિયાકાંઠા વિસ્તારનાં 31 ગામો ઍલર્ટ, હજારો મજૂરોને સલામત સ્થળે ખસેડાયા
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ નામના વાવાઝોડાની સંભવત: અસરને ધ્યાને લઈ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને એસઆરપીએફ (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ)ની ટુકડી આવી પહોંચી છે. એ સાથે જ વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં મીઠાના અગર અને જિંગાતળાવોમાં કામ કરતા હજારો મજૂરોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ પૂરી કરવામાં આવી છે.

હેલ્પ લાઇન નં. 1077 કાર્યરત રહેશે
વાવાઝોડાને લગતી કોઈ પણ સમસ્યા સંદર્ભે કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક અસરથી વહીવટી તંત્રનો સંપર્ક કરી શકે તે વાતને ધ્યાને લઈ હેલ્પ લાઇન નં. 1077 કાર્યરત કરવામાં આવ્યો છે. DGVCL માટે 1800-233-3003 પર સંપર્ક કરી શકાશે.

પાલિકાની ટીમો ખડેપગે રહેશે
વાવાઝોડાના કારણે રાત્રિ દરમિયાન કોઈ જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના બને તો તાત્કાલિક અસરથી એ વૃક્ષને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી માટે પાલિકાની તેમજ માર્ગ અને મકાન વિભાગની ટીમો સતત કાર્યરત રહેશે.

4 પોલીસ સ્ટેશનમાં 160 પોલીસ કર્મચારી ફાળવાયા
દરિયાકાંઠે આવેલાં ચાર પોલીસ મથકો ડુમસ, હજીરા, ઇચ્છાપોર અને મરિનમાં 160 પોલીસ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. એક-એક પોલીસ સ્ટેશનદીઠ 40 કર્મચારીઓ ફાળવાયા છે. જે બે શિફ્ટમાં ફરજ બજાવશે.

બુધવારે 20 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો

સમય દિશા ઝડપ/કલાક
સવારે 8:30 સાઉથવેસ્ટ 6 કિમી
સાંજે 5:30 સાઉથવેસ્ટ 32 કિમી
સાંજે 7:30 સાઉથવેસ્ટ 20 કિમી
રાતે 8:30 સાઉથવેસ્ટ 24 કિમી
X
The possibility of wind blowing at 40 to 50 kmph with today's rain, NDRF ready
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી