સુરત / સુસાઈડ નોટ લખી તાપી નદીમાં છલાંગ લગાવનાર બિલ્ડરનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો

તાપી નદીમાં કુદીને આપઘાત કરી લેનાર બિલ્ડરની ફાઈલ તસવીર
તાપી નદીમાં કુદીને આપઘાત કરી લેનાર બિલ્ડરની ફાઈલ તસવીર

  • ફાયરબ્રિગેડની ટીમો દ્વારા હોડી મારફતે શોધખોળ કરાતી હતી
  • આપઘાતના સ્થળથી ઘણે દૂર કાપોદ્રા બ્રિજ નજીકથી મૃતદેહ મળ્યો

Divyabhaskar.com

Nov 16, 2019, 10:48 AM IST

સુરતઃ મોટા વરાછામાં સવજી કોરાટ બ્રિજ પરથી ગુરૂવારે સવારે 6 વાગ્યે એક બિલ્ડરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. નદીમાં કૂદનાર યુવકને શોધવા માટે ફાયરની ત્રણ ટીમ કામે લાગી હતી. ઘટનાના ત્રીજા દિવસે ફાયરબ્રિગેડને મૃતકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પૈસેટકે સુખી અને સંયુક્ત કુટુંબમાં રહેતા યુવકે શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો એ સુસાઇડ નોટ પરથી પણ જાણી શકાયું નથી.જો કે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નદીમાં મૃતદેહ તણાઈને દૂર જતો રહ્યો

તાપી નદીમાં હાલ પાણીનો પ્રવાહ વધુ છે જેના કારણે સવજી કોરાટ બ્રિજ પરથી કુદેલા શૈલેષનો મૃતદેહ તણાઈને કાપોદ્રા બ્રિજ પાસે પહોંચી ગયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા સતત શોધખોળ શરૂ રાખવાના કારણે મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો હતો. પાણીના વહેણમાં દૂર સુધી તણાઈને આવેલો મૃતદેહ કોહવાયેલી હાલતમાં હતો. ફાયરે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

બ્રિજ પરથી મોપેડ-સુસાઈડ નોટ મળેલી

પોલીસને બ્રિજ પરથી યુવકનું મોપેડ, બૂટ ને સુસાઇડ-નોટ મળી હતી. સુસાઇડ-નોટ પરથી તાપીમાં છલાંગ લગાવનાર યુવકની ઓળખ શૈલેશ પ્રેમજીભાઈ વઘાસિયા (રહે. સ્નેહસ્મૃતિ સોસા. નાના વરાછા) તરીકે થઈ હતી. મૂળ ભાવનગરના શૈલેશ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોલીસે શૈલેશના પરિવારને આ અંગે જાણ કરી શૈલેશના તાપીમાં છલાંગ લગાવવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

અગાઉ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો

પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ શૈલેશભાઈએ થોડા મહિનાઓ અગાઉ પણ ઘરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે ઘરવાળાઓને ખબર પડી જતાં જે-તે સમયે તેમનો જીવ બચી ગયો હતો.

વઘાસિયા પરિવાર શોકમાં ગરકાવ થયો

શૈલેશભાઈના ભત્રીજા સંજિતે જણાવ્યું હતું કે, બે ભાઈઓમાં શૈલેશભાઈ મોટા હતા. તેઓ પત્ની અને બે બાળકો, ભાઈ-ભાભી અને માતા-પિતા સાથે સુખમય જીવન જીવી રહ્યા હતા. વ્યવસાયમાં પણ કોઈ રૂપિયાની લેવડ-દેવડ મોટી થઈ હોય એ ખબર નથી પણ તેમણે નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યાની જાણ થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

લાલ ચોપડામાં સમગ્ર વિગતો લખી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

સુસાઇડ-નોટમાં જણાવ્યા પ્રમાણે શૈલેશભાઈએ ઘરમાં એક લાલ ચોપડો રાખ્યો હતો. જેમાં તેમના લેતી-દેતી અને વીમાની સંપૂર્ણ વિગતો લખી હતી. આ ઉપરાંત સુસાઇડ-નોટમાં સગાં-સંબંધીઓના નંબર લખ્યા હતા અને આપઘાત મામલે પરિવારના કોઈ સભ્યને પરેશાન ન કરવા વિનંતી કરી છે. હું બહુ એકલો પડી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હજી સુધી યુવકના આપઘાતના પ્રયાસનું કારણ જાણવા મળી શક્યું નથી.

X
તાપી નદીમાં કુદીને આપઘાત કરી લેનાર બિલ્ડરની ફાઈલ તસવીરતાપી નદીમાં કુદીને આપઘાત કરી લેનાર બિલ્ડરની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી