સૂર્યા મરાઠીની હત્યાનો પ્લાન જેલમાં બન્યાની આશંકા, કોલ ડિટેઈલ્સની તપાસમાં હકીકતો બહાર આવી શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામ સામે હુમલામાં મોતને ભેટેલા ડાબે સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
સામ સામે હુમલામાં મોતને ભેટેલા ડાબે સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીર
  • હત્યાના ગુનામાં જેલમાં મળેલા હાર્દિક અને સૂર્યા વચ્ચે મિત્રતા થયેલી
  • ભાજપ પ્રમુખ નીતિન ભજીવાળાએ જમીન વિવાદ 2005નો હોવાનું કહ્યું

સુરત:વેડરોડ પર બુધવારે ખેલાયેલા લોહિયાળ જંગમાં બન્ને જૂથોના મુખ્ય સૂત્રધાર સુર્યા મરાઠી અને હાર્દિક બન્નેની હત્યા થઈ હતી. આ ડબલ મર્ડર કેસમાં શુકવારે સાંજે હાર્દિકના બે પન્ટરોની ચોકબજાર પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા પન્ટરોમાં એકનું નામ સતીશ ઉર્ફે બાબુ ધાગરે(રહે,માંડવી) અને બીજાનું રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ ભાઈદાસ પીપળે(રહે,એસએમસી આ‌વાસ, ઉધના) છે. વધુમાં પોલીસે જણાવ્યું કે હાર્દિક પટેલ સતીશ ધાગરેને ઓળખતો હતો. હાર્દિકના કહેવાથી ધાગરે તેના મિત્ર રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટને સાથે લઈ આવ્યો હતો. ત્રણેય જણા જહાંગીરપુરામાં પહેલા ભેગા થયા હતા અને ત્યાંથી હાર્દિકે મારી સાથે ચાલો એવુ કહી છેલ્લી ઘડીએ હથિયાર સાથે રાખી બાદમાં સુર્યા મરાઠીની ઓફિસ પર ધુસી હુમલો કર્યો હતો. 

સુર્યા મરાઠી અને હાર્દિક પટેલ બન્ને જેલમાં મિત્રતા થઈ
સુર્યા મરાઠી અને હાર્દિક પટેલ બન્ને જેલમાં હત્યાના ગુનામાં આવ્યા ત્યારે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ઉપરાંત સુર્યાની હત્યા કરવા માટે આવેલા અન્ય બે હત્યાઓમાં વિક્કી અને સાહીલ સીધીં અગાઉ જમીન દલાલ નિલેશ ગજ્જરની હત્યામાં પકડાયા તે વખતે જેલમાં હાર્દિકની સાથે મિત્રતા થઈ હતી. સુર્યા અને હાર્દિકની જેલમાં મિત્ર બની જેલમાંથી બહાર આવી હાર્દિકએ સુર્યાનો હાથ પકડી લીધો હતો. સુર્યાએ હાર્દિક પર આંધળો વિશ્વાસ મુકી તે જેલમાં જતો તે વખતે તમામ કારભાર હાર્દિક સંભારતો હતો. 

શું સુર્યા મરાઠીની હત્યાનો પ્લાન જેલમાંથી બન્યો છે ?
શું સુર્યા મરાઠીની હત્યાનો પ્લાન જેલમાંથી બન્યો છે ? ખરેખર આ બાબતે તપાસ કરાય તો ઘણા રહસ્યો બહાર આવી શકે તેમ છે. સુર્યાની હત્યામાં તેના પન્ટરોની પણ મદદગારી હોવાની આશંકા છે. સુર્યાના બે પન્ટરો જે ઓફિસની બહાર બેઠેલા છે અને તે સમયે હથિયારો લઈને સાત જણા ધસી આવે છે છતાં બન્ને જણા જાણે કશું થયું ન હોય તેમ બિદાસ્ત બેસી રહે છે અને ઓફિસમાં ખૂની ખેલ થાય છે છતાં કોઈ દરકાર ન લીધી જેના પરથી બન્ને પન્ટરો સામે પોલીસને હત્યારાઓને મદદગારી કરી હોય એવી આશંકા છે. જ્યારે સુર્યાની તેના જ નજીકના મિત્રોએ તેની ગેમ બનાવી હોય એવી પણ આશંકા પોલીસને લાગી રહી છે. ભૂતકાળમાં સુર્યાએ જેના કહેવાથી હત્યાને અંજામ આપ્યો તેવા કેટલાક લોકોની પૂછપરછ કરાય તો હત્યા પાછળની સાચી હકીકતો બહાર આવી શકે તેમ છે. ટૂંકમાં પોલીસ જે છેડતીની વાત કરી રહી છે તે વાત પોલીસને ગળે ઉતરે તેમ નથી. આ કેસમાં ખરેખર સુર્યા મરાઠીની કોલ ડિટેઈલ્સની તપાસ કરાય તો ઘણી હકીકતો બહાર આવી શકે છે. 

શું ઘટના બની હતી
સૂર્યા મરાઠીની હત્યા બાદ શહેર ભાજપ પ્રમુખ નીતીન ભજીયાવાળા ચર્ચામાં આવ્યા છે, બિલ્ડર અલ્પેશ તમાકુંવાલાની પત્ની અમીષાબેનની ઓલપાડમાં કાસલાકુદ ગામમાં જમીન આવેલી છે. અમીષાબેને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુરૂવારે એક અરજી આપવામાં આવેલી છે. કાસલાકુદ જમીન મુદ્દે નીતીન ભજીયાવાલા દ્વારા મનસુખ ચોટલીયાના નામથી બોગસ દસ્તાવેજ ઉભા કરાયા હતા. જેથી નીતિન ભજીયાવાલાએ સૂર્યા મરાઠીને બિલ્ડરની ઓફિસે મોકલી કેસ પરત ખેચી લેવા ધમકી અપાવી હોવાની વાતનો પોલીસ અરજીમાં મહિલાએ ઉલ્લેખ કર્યો હતો. 

સુરત શહેર ભાજપ પ્રમુખ નીતીન ભજીયાવાલા સાથે સીધી વાત
મહિલા તમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી આક્ષેપો કર્યા છે તે બાબતે તમારે શુ કહેવું છે
જવાબ-મારી કોર્ટ મેટર ચાલે છે, રેવન્યુમાં બધે જ ઠેકાણે જીતેલો છું. કોર્ટમાં પણ 8-5માં મારી તરફેણમાં હુકમ થયેલો છે, લીગલ કોઈપણ રીતે એ લોકો જીતી શકયા નથી. એટલે મારી સામે ખોટા એલીગેશન કરી મને બદનામ કરી રહયા છે.

-સુર્યા મરાઠી સાથે તમે પરિચયમાં કેવી રીતે આવ્યા
જવાબ-સુર્યા મરાઠી રિક્ષા ચલાવતો હતો તે વખતથી હું ઓળખું છું, બાકી મારે તેના ઈતિહાસ જોડે કોઈ લેવાદેવા નથી

-તમારી સામે કોર્ટમાં કેસ કર્યો છે
જવાબ-કોર્ટમાં કેસ ચાલે છે. મારા વિરૂધ્ધ પોલીસ કેસ કરવા માટે હાઈકોર્ટમાં જઈ આવ્યા, હાઈકોર્ટએ પણ અરજી કાઢી નાખી

-મનસુખ ચોટલીયાને તમે ઓળખો છે
મનસુખ ચોટલીયા આ લોકોનો જ માણસ હતો. આ લોકોએ મનસુખ ચોટલીયાના નામે જમીન કરેલી હતી, મનસુખ ચોટલીયા પાસેથી દસ્તાવેજ આ લોકોએ મને કરાવી આપ્યો હતો. આ જમીન વેચી છે અને મને કોઈ વાંધો નથી એવી બહેનએ કોર્ટની રૂબરૂ એફીડેવિટ કરી છે ઉપરાંત નોટરી રૂબરૂ બે વાર એફીડેવિટ કરી છે. જમીનના ભાવો વધતા માથાકૂટ કરી છે. અત્યારે હું ભાજપનો પ્રમુખ છું બાકી આ કેસ 2005થી ચાલે છે.
 
-બિલ્ડરના મિત્ર શૈલેષને નીતીનભાઈએ એવુ કહયું હતું કે સુર્યા મરાઠી તો અલ્પેશને ઉડાવી દેવાની વાત કરતો હતો જો કે સુર્યા મે ના પાડી હતી. 
જવાબ-આ બધી બોગસ વાત છે.

અન્ય સમાચારો પણ છે...