અગ્નિકાંડના 22 માસૂમોની કહાની / ચામડી કાળી ન થાય એટલે મેં ટ્યૂબ મગાવી હતી પણ બળી ગયેલા મારા શરીર માટે નકામી હતી : ઋતુ સાકરિયા

surat fire accident rutu sakariya story sugar

Divyabhaskar.com

Jun 12, 2019, 11:28 AM IST

સુરત: તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. ‘દિવ્ય ભાસ્કર’ એ લોકોનાં સ્વજનો સાથે વાત કરીને જાણ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની કેફિયત કહેવાનો પ્રયોગ વાંચો આ અહેવાલમાં..

(ઋતુ સાકરિયાની કેફિયત)
અમારે 25મી મેએ ગોવા ફરવા જવાનું હતું. ગોવામાં દરિયાનાં પાણીથી મારી ચામડી કાળી ન પડી જાય, તે માટે મેં પપ્પા પાસે એક ટ્યૂબ મગાવી હતી! હવે, એ ટ્યૂબ મારા કોઈ કામની નથી. કારણ કે, એ ટ્યૂબ ચામડીને કાળી થતી બચાવવા માટેની હતી, બળીને રાખ થઈ ગયેલા મારા શરીર માટે નહોતી! એ દિવસે તક્ષશીલામાં લાગેલી આગમાં મારું શરીર બળીને રાખ થઈ ગયું હતું.

આગમાં મારું શરીર એ રીતે બળી ગયું હતું કે મારાં મમ્મી અને પપ્પા પણ મને ઓળખી શકે એમ નહોતાં. પપ્પાએ એક દિવસ પહેલાં જ મને મિકી માઉસના પૅન્ડેન્ટવાળી ચેન અને વિંટી લઈ આપ્યાં હતાં. ક્લાસનો પહેલો દિવસ હતો એટલે હું એ પહેરીને ગઈ હતી. મારી ઓળખ પણ એ ચેન અને વિંટીથી જ થઈ હતી. અને હા, મારા પગમાં બાંધેલો સાળંગપુર મંદિરનો દોરો પણ મારી ઓળખની નિશાની બન્યો હતો.

મારે ઇન્ટિરિયર ડિઝાઇનર બનવું હતું. ઑસ્ટ્રેલિયામાં મારા ફોઈના દીકરા રહે છે, ત્યાં જ સેટ થવું હતું. આ સપનું પૂરું કરવા મેં પણ વંશવી કાનાણી સાથે એ ક્લાસિસમાં જવાનું નક્કી કર્યું હતું. 15 દિવસ પહેલાં ઍડ્મિશન લીધું હતું પણ મારી કઝીન સિસ્ટરનાં લગ્ન હતાં એટલે અમે ધોરાજી ગયા હતા. અમે 24 મેએ સુરત પાછા આવવાના હતા પણ મને મારા અભ્યાસની ચિંતા હતી એટલે મેં વહેલા આવવા જીદ કરી હતી એટલે અમે 2 દિવસ પહેલાં સુરત આવી ગયા હતા.

ક્લાસિસનો મારો સમય સાંજે 4 વાગ્યાનો હતો પણ મારે રજાના દિવસોનો અભ્યાસ કવર કરવો હતો એટલે એ દિવસે હું સવારે 11 વાગ્યે જ ક્લાસિસ પહોંચી ગઈ હતી. 4 વાગ્યાની આસપાસ તક્ષશીલા આર્કેડ આગની લપેટમાં સપડાઈ. મને હતું કે હું અને મારા બધા મિત્રો બચી જઈશું. મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ક્લાસિસનો પહેલો દિવસ મારો છેલ્લો દિવસ બની જશે!

આગની જ્વાળાઓ જેમજેમ બધું બાળીને રાખ કરતી જતી હતી તેમતેમ મારી બચવાની, જીવતા રહેવાની આશા પણ રાખ થઈ રહી હતી. મારી છેલ્લી આશા મારા પપ્પા હતા! મેં 4:12 વાગ્યે પપ્પાને ફોન કર્યો, ‘પપ્પા! તમે જલદી આવો. અહીંયાં આગ લાગી છે. મને બચાવો. વહેલા આવીને મને બચાવો, નહીં તો હું નહીં બચું!’ પપ્પા આવ્યા જ હશે પણ ત્યાં સુધીમાં હું આગને હવાલે થઈ ગઈ હતું. પપ્પાને હું નહીં, આગમાં બળી ગયેલું મારું શરીર મળ્યું હશે!

તક્ષશીલામાં આગ લાગી એના બીજા દિવસે ધોરણ 12 કોમર્સનું મારું 68 ટકા પરિણામ હતું અને એ જ દિવસે મારાં મમ્મી અને પપ્પાએ મારી અંતિમવિધિ કરવી પડી હતી. હું પપ્પાને બહુ વ્હાલ કરતી હતી. મેં જમણા હાથ પર ‘ડેડ’ લખેલું ટેટુ પણ કરાવ્યું હતું. પપ્પા પણ મને બહુ લાડ કરતા હતા. પપ્પા મારી બહુ ચિંતા કરતા હતા.

હું એકલી બહાર જાઉં ત્યારે કહેતા, ‘એકલા બહાર ન જવાય, જમાનો બહુ ખરાબ છે,’ ત્યારે હું કહેતી, ‘પપ્પા! તમે ચિંતા ન કરો. હું બ્રિલિયન્ટ છું. હું મને કાંઈ નહીં થવા દઉં!’ પપ્પા! તમે સાચું કહેતા હતા, જમાનો બહુ ખરાબ છે. અમે આગથી બચવા માટે, જીવવા માટે પ્રયત્નો કરતા હતા પણ ફાયર બ્રિગેડે અમને બચાવવાના બહુ પ્રયત્નો કર્યા જ નહીં!

X
surat fire accident rutu sakariya story sugar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી