સંતાન ન થતા હોવાથી ભુવા પાસે ડામ આપતા પત્નીએ આપઘાત કર્યો, પતિની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાને શરીર પર ચાર ડામ આપ્યા
  • દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરૂણ અંજામ

સુરત: જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની પાછળ હળપતિવાસમાં છેલ્લા 1 વર્ષથી લગ્ન કર્યા વગર લિવ ઇન રિલેશનમાં કોમલબેન (19) અને દીપક રાઠોડ સાથે રહેતાં હતાં. દરમિયાન 5મીએ કોમલે બપોરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કારણ કોમલને સંતાન થતા ન હોવાથી બેકાર પ્રેમી દીપક શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો અને તેના પર વહેમ રાખતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ આ પગલું ભર્યું હતું. વધુમાં યુવતીની લાશ પર ડામ આપેલાનાં નિશાન જોઈને પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે ડામ બાબતે પરિવારની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક કોમલ રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે નોકરી કરતી હતી. 

કોમલને સાપરિયાની બીમારીના કારણે પ્રેગ્નન્સી રહેતી ન હોઈ એવું માનીને તેની સાસુ અને માતા રિક્ષામાં ગણદેવીના કેસલી ગામે ભૂવા પાસે તાંત્રિક વિધિ માટે લઈ ગયાં હતાં. જ્યાં ભૂવા પ્રકાશ પટેલએ વિધિ કરી કોમલને શરીરે ચાર ડામ આપ્યા હતા. જ્યારે દીપક પણ કોમલ પર શંકા રાખી તેનો મોબાઇલ ચેક કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. દીપકને પિતા બનવાની ઉતાવળ હોવાથી કોમન ત્રાસ આપતો હતો. આપઘાતના એક દિવસ પહેલા તા. ચોથીએ રથયાત્રામાં માતાને મળી હતી અને મોટી બહેન લક્ષ્મીનાં બન્ને સંતાનો માટે રમકડાં લીધાં છે અને આવતી કાલે 5 તારીખે આપવા માટે આવીશ એવી વાત પણ કરી હતી. આ અંગે જહાંગીરપુરા પોલીસે મૃતક મહિલાની માતા સવિતાબેન રાઠોડની ફરિયાદ લઈને પ્રેમી દીપક ઉર્ફે દીપલો ગુણવંત રાઠોડ સામે દહેજ અને આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. 

લાશ પર ડામના નિશાન હતા
મહિલાની લાશ પર ડામના નિશાન જોવા મળતાં અમે પરિવારની આ બાબતે પૂછપરછ કરી હતી. જેમાં મૃતક યુવતીને સંતાન થતા ન હોવાથી ભૂવાએ ડામ આપ્યા હોવાની વાત કરી હતી. મહિલાનો પતિ તેના પર શંકા રાખીને માનસિક ત્રાસ આપતો હતો. ભૂવાની તપાસ માટે અમે ગુરુવારે ગણદેવી જવાના છે. ત્યાર બાદ હકીકતો ખબર પડશે. - એચ.એ.સિધા, પીએસઆઈ, જહાંગીરપુરા.પો.સ્ટે

ભૂવાએ મોઢામાં ડૂચો માર્યો હતો
બીજી તારીખે વહેલી સવારે 4 વાગ્યે હું, મારી દીકરી કોમલ અને તેની સાસુ ત્રણે ય જણાં રિક્ષામાં ગણદેવી ગયાં હતાં. મારી દીકરીને સંતાન થતાં ન હોવાથી ગણદેવીમાં એક ભૂવાને ત્યાં તાંત્રિક વિધિ માટે તેની સાસુ દબાણ કરીને લઈ ગઈ હતી. મારી અને મારી દીકરીની ઇચ્છા ન હોવા છતાં જબરજસ્તી લઈ ગયાં હતાં. ભૂવાએ મારી દીકરીને ચાર ડામ આપ્યા હતા. જેમાં બે કમરમાં અને પેટ તેમ જ માથામાં એક ડામ આપ્યો હતો. મારી દીકરી ચીસો નહિ પાડે તે માટે ભૂવાએ મોઢામાં ડૂચો મારી દીધો હતો. 

દીપક સાથે રહેવા કોમલે 10 માસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો 
કોમલ દીપકના ઘરની પાસે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે વખતે બન્નેની આંખ મળી ગઈ હતી. જોકે, કોમલને તેના પરિવારે દીપક સાથે લગ્ન કરવાની ના પાડતાં તેણીએ 10 મહિના પહેલા ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી કોમલ તેના પરિવારને છોડીને દીપક રાઠોડ સાથે રહેવા ચાલી ગઈ હતી. બન્ને એક વર્ષથી લગ્ન કર્યાં વગર જ લિવ ઇન રિલેશનમાં સાથે રહેતાં હતાં.