વાવાઝોડું / દક્ષિણ ગુજરાતના વ્યારા, વઘઇ, સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ, ડાંગમાં સ્કૂલના પતરા ઉડ્યાં, 3નાં મોત

શાળાના પતરા ઉડતાં વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.
શાળાના પતરા ઉડતાં વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.

  • ડાંગના ગાઢવીમાં શાળાના પતરા ઉડતાં 3 બાળકોને ઈજા
  • વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદની શરૂઆત 

Divyabhaskar.com

Jun 12, 2019, 06:36 AM IST

સુરતઃદક્ષિણ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારીના આસપાસના વિસ્તારો સહિત વલસાડના અમુક વિસ્તારો સાથે ડાંગ અને સાપુતારામાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અને વાવાઝોડાની આગાહીના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ડાંગના ગાઢવી ગામમાં શાળાના પતરા ઉડતાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં.

સુરત-તાપી જિલ્લામાં છાપરાં ઊડ્યાં, 3નાં મોત
સિઝનનો પહેલા વરસાદની શરૂઆત તોફાની રહેતા સુરત અને તાપી જિલ્લામાં એક ખેડૂત અને બે મહિલાનો ભોગ લેવાયો છે. જ્યારે ડોલવણ અને સોનગઢના જુની કેઇલીવેલ ગામે પવનના કારણે ઘરના છાપરા ઊડી ગયા હતાં. મહુવાના વસરાઇ ગામે ખેડૂતની મોટરસાયકલ પર ઝાડ પડતા અકસ્માતમાં મોત થયુ હતું. જ્યાંરે વ્યારાના ખુશાલપુરા ગામે ખેતરમાં કામ કરતી વૃધ્ધા પર વીજળી પડતા મોત થયું હતું, અને સોનગઢના જુનીવાવલી ગામે મહિલા પર વીજળી પડતા મોત થયુ છે. મહુવા તાલુકામા મંગળવારના રોજ સાંજે 5 વાગ્યા બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભારે પવનને લઈ સાંજે 5:30 વાગ્યાના અરસામા મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ભગવાનપુરા અને વસરાઈ ગામની સીમમાં આવેલ ગુલમહોરનુ તોતિંગ વૃક્ષ ધરાશાયી થયુ હતુ.

વીજળીથી વૃદ્ધનું મોત
જે વૃક્ષ દેદવાસણ ગામેથી પરવળ લઈ વલવાડા ગામે આપવા જતા ખેડૂત ગુલાબભાઈ મગનભાઈ પટેલ(ઉં-60)ની મોટરસાયકલ નંબર GJ-19-AJ-3628 પર પડ્યુ હતું, જેથી ખેડૂત ગુલાબભાઈ પટેલ મોટરસાયકલ પરથી રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી હતી. જ્યારે વ્યારા તાલુકાના ગોરૈયા ગામે નારણભાઈ ભીલાભાઇ ગામીતનું ખેતર ખુશાલપુરા ગામની સીમમાં આવેલું છે. જ્યાં ભાત કાપણી માટે સોનગઢ તાલુકાના ખગોળ ગામના 15 મજૂરોને બોલાવેલા હતા. કાપણીની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન સાંજે ચાર કલાકના સુમારે વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ શરૂ થયા હતા. જે દરમિયાન આકાશમાંથી વીજળી પડી હતી. જે 65 વર્ષીય નુરીબેન વેચ્યાભાઈ ગામીત (રહે ખગોળ તા. સોનગઢ)ના ઉપર પડતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.

વાલિયા અને નેત્રંગમાં પવન સાથે વરસાદ : વૃક્ષો ધરાશાયી
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડા પહેલા ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. નેત્રંગ અને વાલીયામાં મંગળવારે મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો. ભારે પવન સાથે તુટી પડેલા વરસાદમાં બંને તાલુકામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. ભરૂચ જિલ્લાના અરબી સમુદ્રના કિનારાથી 12 કીમીના અંતરે આવેલાં 40 ગામોના લોકોને 12મી અને 13મીના રોજ વાવાઝોડાના કારણે સતર્ક રહેવા તાકીદ કરાય છે.

મંગળવારે મોડી સાંજે વરસાદ તૂટી પડયો હતો
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ નામક વાવાઝોડાથી ભરૂચના દરિયાકિનારે 80 કીમીથી વધારેની ઝડપે પવન ફૂંકાવાની તથા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે. દહેજ બંદર ખાતે મંગળવારે બપોરથી વાવાઝોડાની ચેતવણી આપતું બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે વીજકંપની, આરોગ્ય સહિતના વિભાગોને ફરજો સોંપી દેવાઈ છે. સ્થળાંતરની જરૂર પડશે તો 300 બસ સ્ટેન્ડબાય, 59 આશ્રયસ્થાનો તૈયાર રખાયાં છે.

તાપી જિલ્લામાં વરસાદ

મંગળવાર મોડી સાંજેથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાયુ વાવાઝોડાની અસર જાણે તાપી જિલ્લામાં પણ જોવા મળી હતી. તાપીના વાતાવરણમાં પલટો આવતા અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવનએ માઝા મૂકી હતી. આવુ જ એક દ્રશ્ય તાપી જિલ્લાના ડોલવણ ચાર રસ્તા નજીક જોવા મળ્યું હતું. જ્યાં ભારે પવનને કારણે સહકારી મંડળીના પતરા ઉડી ગયા હતા અને ભારે પવન જોવા મળ્યો હતો. અનેકો વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરતા લોકોએ ગરમીથી થોડે અંશે રાહત પણ મેળવી હતી

ડાંગમાં વરસાદ

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા સહિત પૂર્વપટ્ટી પંથકોમાં મંગળવારે તોફાની વાવાઝોડાની સાથે થોડાક સમય માટે મધ્યમ સ્વરૂપનો વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું, જેમાં તોફાની વાવાઝોડાએ ગાઢવી પ્રા.શાળા ઉપર કહેર વર્તાવતા પતરા ઉડીને ધરાશાયી થઈ જતા જંગી નુકસાન થયાની માહિતી સાંપડી છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં મંગળવારે ચોમાસાના વરસાદે દસ્તક દેતા ડાંગી જનજીવન ખુશખુશાલ બન્યું છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બોરખલ, પાંડવા, શામગહાન, ચૌક્યા, લીંગા સહિતના ગામોમાં મંગળવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેવાની સાથે સમયાંતરે છૂટક વરસાદી ઝાપટાએ દસ્તક દીધા હતા. જ્યારે વહીવટી મથક આહવા સહિત પૂર્વપટ્ટીના ગામોમાં સાંજે 4 વાગ્યા બાદ વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીના દૃશ્યો જોવા મળ્યા હતા.

ઠેક ઠેકાણે નુકસાની

આહવા તાલુકાની ગાઢવી પ્રાથમિક શાળા ઉપર તોફાની વાવાઝોડાએ કહેર વર્તાવતા ઓરડાના પતરા ઉડીને જમીનદોસ્ત ધરાશાયી થતા જંગી નુકસાન થયાની વિગતો સાંપડી છે. આજે અહીં ગાઢવી પ્રાથમિક શાળા પણ ચાલુ હોય અને નાના ભૂલકાઓ પણ હાજર હોવાથી વાઝોડાના નુકસાની સાથે 3 બાળકોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. જોકે આ ઘટનાથી સદનસીબે જાનહાનિ ટળી હતી. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના ગામોમાં પણ વાવાઝોડાએ કહેર વર્તાવતા ઠેકઠેકાણે નુકસાન થયાની માહિતી મળી છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા અને સાંજે હળવા વરસાદી ઝાપટા પડતા અહીંના સમગ્ર સ્થળોના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

X
શાળાના પતરા ઉડતાં વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.શાળાના પતરા ઉડતાં વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી