સુરત / તક્ષશિલા અગ્નિકાંડના આરોપીનો ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ અધિકારીના બેંક ખાતામાં 11 વર્ષમાં રૂ. 74 લાખથી વધુ જમા થયા

તક્ષશિલા અગ્નિકાંડ અને ફાયર અધિકારી સંજય આચાર્યની ફાઈલ તસવીર
તક્ષશિલા અગ્નિકાંડ અને ફાયર અધિકારી સંજય આચાર્યની ફાઈલ તસવીર

  • સસ્પેન્ડેડ CFO  સંજય આચાર્ય પાસે 67.33 લાખની 81 ટકા વધારે મિલકતો મળી
  • તક્ષશિલા અગ્નિકાંડના પાલિકાના અધિકારીઓ સહિતાના 10 આરોપી જેલમાં છે

Divyabhaskar.com

Sep 13, 2019, 11:43 AM IST

સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડમાં બેદરકારીના ગુનામાં ઝડપાયેલા અને હાલમાં લાજપોર જેલમાં બંધ સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય કે. આચાર્યની મિલકતની તપાસ કરાઈ હતી. તેમની પાસે પણ કાયદેસરની આવક કરતા રૂા. 67,33,166 ની અપ્રમાણસરની મિલકત વસાવી હોવાનું જણાતા તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. એસીબીને તપાસમાં જાણવા મળ્યું હતું કે, ભ્રષ્ટ અધિકારી સંજયના બેંક ખાતામાં માત્ર 11 વર્ષમાં રૂા. 74,35,726 જમા થયા હતા.

ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા હતા

24 મે 2019ના રોજ તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. આ પ્રકરણમાં સંબંધિત અધિકારીઓએ ગેરકાયદે પરવાનગીઓ આપી ન હોત અને ફરજમાં બેદરકારી દાખવી ન હોત તો 22 વિદ્યાર્થીઓના મોત નહીં નિપજતે. તેથી પોલીસે આ પ્રકરણમાં ગુનો દાખલ કર્યો હતો. તેમાં હજી સુધી 10 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં કોર્પોરેશને પણ પોતાની રીતે તપાસ કરી હતી. કોર્પોરેશનની તપાસમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય કે.આચાર્ય( ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર) ની બેદરકારી સામે આવતા તેમને સસ્પેન્ડ કરાયા હતા.

એસીબીએ ત્રણ મહિના તપાસ કરી

તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગનું ગેરકાયદે બાંધકામ અને તેના વપરાશ બાબતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા બિલ્ડર સાથે મિલિભગતથી ગેરકાયદે રૂપિયા મેળવ્યા હોવાની શક્યતા જણાતા એસીબી દ્વારા તપાસ કરાઈ હતી. તેના અનુસંધાને એસીબીએ સંજય આચાર્યએ ભ્રષ્ટાચાર કરીને એકત્રિત કરેલી અપ્રમાણસર મિલકતની તપાસ કરી હતી. ત્રણ મહિના સુધી અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણે તપાસ કરી હતી.

40થી 46 હજાર સુધીની રકમ 100થી વધુ વખત જમા થઈ

તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, સંજય આચાર્યએ તેમની કાયદેસરની આવકની તુલનામાં 67,33,166 રૂપિયાની મિલકત વધારે મેળવી હતી. જે તેમની આવકની તુલનામાં 81.40 ટકા થાય છે. સંજય આચાર્યએ રોકડ રૂપે રૂપિયા લીધા હતા. 2008થી 2019 દરમિયાન સંજય આચાર્યના બેંક ખાતામાંઓમાં 40 થી 46 હજાર સુધીની રકમ 100 થી વધુ વખત જમા થઈ હતી. જે કુલ 74,35,726 રૂપિયા થાય છે. તેથી એન્ટી કરપ્શન બ્યૂરોએ સંજય આચાર્ય વિરુદ્ધ એસીબીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

મની લોંડરિંગથી નાણાંને કાયદેસર કરાય છે

નાણાકિય સંસ્થાઓ કે ઇનકમ ટેક્સ વિભાગ જેવી સંસ્થાઓ કે જેઓ નાણાકિય ગેરરીતિને પકડી શકે છે. આ સંસ્થાઓ ગેરરીતિને ન પકડી શકે તે માટે વિશિષ્ટ પેટર્નની મર્યાદાથી ઉપર રહીને બેંકમાં નાણાં જમા કરાવવામાં આવે છે. આ ગેરકાયદે રીતે મેળવેલી બિન કાયદેસરની રકમને બેંકિંગ સોર્ટ દ્વારા મની લોંડરિંગ કરીને નાણાંને કાયદેસર કરવામાં આવે છે.

SMCની તપાસમાં સામે આવેલા તથ્યો

એસએમસીની તપાસમાં જે તથ્યો સામે આવ્યા હતા. તેમાં 31- જાન્યુઆરીના રોજ ફાયરની કામગીરી અંગે મીટિંગ યોજાઈ હતી. તેમાં મુદ્દા નંબર 7 પ્રમાણે અધિકારીઓએ તેમની હદના શોપિંગ સેન્ટર, મોલ અને હાઇરાઇઝ બિલ્ડિંગની ચકાસણી કરીને ફાયર સેફટી મુદ્દે જો કંઈ ખામી જણાય તો બીજા દિવસે નોટીસ બજવણી કરવાની હતી. તક્ષશિલા આર્કેડ વરાછા રોડ પર આવેલ હતું અને અલોહા ક્લાસીસ ચાલતા હતા છતાં સંજય આચાર્યએ તક્ષશિલા આર્કેડનો સરવે ન કર્યો અને તેનો રિપોર્ટ પણ કર્યો ન હતો. જે વહિવટી દ્રષ્ટીએ ચલાવી શકાય તેમ ન હતું. તેમજ આચાર્યએ ઉપરી અધિકારીઓની સૂચનાનું પાલન તેમના તાબા હેઠળના સ્ટાફ દ્વારા ન કરાવીને મિલકતનો સરવે કરીને હેતુલક્ષી રિપોર્ટ કર્યો ન હતો. જો રિપોર્ટ કર્યો હોત તો દુઘર્ટના નિવારી શક્યા હોત. સંજય આચાર્યએ સમયસુચકતા ન વાપરીને ફરજમાં ગંભીર ફરજચુક કરીને સુરત મહાનગર પાલિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. તેથી સંજય આચાર્યને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. પોલીસે સંજય આચાર્યની ધરપકડ કરી હતી.

આ પહેલાં આવા બે ગુના નોંધાઈ ચૂક્યા છે

આ પહેલા તક્ષશિલા અગ્નિકાંડમાં ઝડપાયેલા ડેપ્યુટી ઇજનેર વિનુ કે.પરમાર અને જુનિયર ઇજનેર હરેરામ દુર્યોધનસિંહ વિરુદ્ધ પણ કાયદેસરની આવકની તુલનામાં અપ્રમાણસર મિલકતના ગુના દાખલ થયા છે. વિનુ પરમાર પાસે આવક કરતા 1.20 કરોડ ( 116.61 ટકા) જેટલી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જયારે હરેરામ પાસે આવક કરતા વધુ 42.62 લાખ રૂપિયા(47.88 ટકા) જેટલી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી હતી.

X
તક્ષશિલા અગ્નિકાંડ અને ફાયર અધિકારી સંજય આચાર્યની ફાઈલ તસવીરતક્ષશિલા અગ્નિકાંડ અને ફાયર અધિકારી સંજય આચાર્યની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી