સુરત BMW અકસ્માત / નશામાં ચૂર કાર ચાલકે ઘરના મોભીનો જીવ લીધો, મૃતકનો પુત્ર મૂકબધિર, પત્ની પથારીવશ

  • આરોપી કાર ચાલકનો પીછો કરીને પકડી પાડી પોલીસ હવાલે કરવામાં આવ્યો
  • રોજ રિક્ષામાં ઘરે આવતા આધેડ બાઈક પર ઘરે પરત ફરતા કાળનો કોળીયો બન્યા

Divyabhaskar.com

Sep 14, 2019, 04:05 AM IST

સુરતઃ ગણેશ વિસર્જનના આગલા દિવસે બુધવારે મોડી રાત્રે ડુમસ રોડ નજીક વાલ્વ સ્ટેશન પાસે ફૂલ સ્પીડે દોડતી બીએમડબ્લ્યુ કારે બાઈકને અડફેટે લીધું હતું. જેમાં બાઈક પર બેસેલા બન્ને ફંગોળાઈને રોડ પર પડ્યાં હતાં.બાઈક પરથી રોડ પર પટકાયેલા બન્નેને ગંભીર ઈજા થઈ હતી. બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ અશોકભાઈ ખલાસીનું મોત થયું હતું. સમગ્ર દુર્ઘટના અંગે મૃતકની પત્નીએ વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, તેમના પર જ સમગ્ર ઘર ચાલતું હતું.પુત્ર જન્મજાત મૂકબધિર છે.કમાનારાનું જ અવસાન થઈ જતાં હાલત આપઘાત કરવા જેવી થઈ ગઈ હોવાનું કહી રોષ ઠાલવતાં કહ્યું કે, અકસ્માત કરનારને ફાંસીની સજા થવી જોઈએ.

એકની હાલત કટોકટ

ભીમપોરમાં રહેતા અને મગદલ્લા અલ્ટ્રાટેક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર 35 વર્ષીય અનિલ બાબુભાઈ ખલાસી બુધવારે મોડી રાત્રે નોકરી પૂરી કરી બાઇક પર અન્ય કર્મચારી અશોક પ્રભુભાઈ ખલાસી (ઉ.વ. 49) સાથે ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન ડુમસ રોડ નજીક વાલ્વ સ્ટેશન પાસે પૂરપાટ અને બેફામ રીતે નશાની હાલતમાં બીએમડબ્લ્યુ કારના ચાલકે બાઇકને અડફેટે લેતા ફંગોળાયા હતા. રોડ પર પટકાયેલા બાઇકચાલક અને તેની પાછળ બેઠેલા આધેડને ગંભીર ઈજા થઈ હતી. બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ અશોક ખલાસીનું મોત થયું હતું. જ્યારે અનિલ ખલાસી હાલમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બનાવ અંગે ડુમસ પોલીસે અકસ્માત અને પ્રોહિબિશનનો કેસ નોંધીને કારચાલક પરેશ બચુ ગોધાણી (ઉ.વ.43) (રહે. સોના એપાર્ટ., ઉમિયાધામ, વરાછા)ની ધરપકડ કરી હતી.

હું છેલ્લા ત્રણ વર્ષથી અપંગ જેવી સ્થિતિમાં છું: મૃતકની પત્ની

મૃતક અશોકભાઈ પત્ની રમીલાબેને જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે પતિ સાથે ત્રણવાર વાત થઈ હતી. જેમાં તેમણે 10 વાગ્યા આસપાસ આવવાનું કહી થોડો ભાત બનાવી રાખવા જણાવ્યું હતું. જોકે, 10થી સાડા દસ થવા છતા ઘરે પરત ફર્યા ન હતા. જેથી તેમને ફોન કોલ પણ કર્યો પરંતુ કોઈએ ઉપાડ્યો નહોતો. આ દરમિયાન દીકરીનો ફોન આવ્યો કે પિતાને અકસ્માત બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ તેણીએ કહ્યું હતું. પછી મને કંઈ ખબર ન હતી. મારું મગજ સૂન થઈ ગયું અને મને હોસ્પિટલ લઈ જવામાં આવી.. જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારા પતિનું મોત થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. આ પરિસ્થિતિમાં મારૂં જીવન કેવી રીતે ગુજારું? કોને કહેવા જાવ?, હું છેલ્લા ત્રણ વર્ષથી અપંગ જેવી સ્થિતિમાં છું. ગત 20 તારીખે મારૂં ઓપરેશન કરાવ્યું ત્યારથી પથારીમાં છું. મારો દીકરો 30 વર્ષનો થવા આવ્યો તે જન્મથી મૂકબધિર છે. કંઈ કામ કરી શકતો નથી. મારે મહિનાની 4 હજારની દવા લેવી પડે છે. મારી સેવા ચાકરી પણ મારા પતિ જ કરતાં હતાં.

આરોપીને ફાંસી થવી જોઈએઃ મૃતકની પત્ની

રમીલાબેને વધુમાં જણાવ્યું હતું કે,મારી માંગ છે કે, ગાડીવાળાને સજા તો થવી જ જોઈએ અને તે પણફાંસીની જ સજા થવી જોઈએ. ગાડીવાળાને લાયસન્સ આપનારનો પણ ગુનો કહેવાય. મારી સ્થિત કફોડી થઈ ગઈ છે. મારું જીવન મારો પતિ હતો. મારો સહારો છીનવાઈ ગયો. હવે તો મારો આપઘાત કરવાનો વારો આવ્યો છે. હવે હું કેવી રીતે જીવીશ.

મૃતક અશોકભાઈ રોજ રિક્ષામાં જ ઘરે આવતા

અશોકભાઈના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક મૂક બધિર દીકરો છે . ઘરના મોભી અશોકભાઈ પર આખું ઘર ચાલતું હતું. દીકરીએ જણાવ્યું કે, મારા પિતા રોજ રિક્ષામાં ઘરે આવતા હતા. જોકે, બુધવારે ઓવરટાઈમ કરી ઘરે આવવાના હોવાથી ગામના યુવકની બાઇક પર બેસીને આવ્યાં હતાં.

કાર માલિક શૈલેશને જવાબ લેવા બોલાવાયો

નશામાં ચૂર કારચાલક જમીનદલાલ છે અને તેના મિત્ર શૈલેશ પટેલની બારડોલી પાસિંગની કાર લઈને મોડી રાત્રે ડુમસ ફરવા માટે આવ્યો હતો. પોલીસે ગાડીના માલિકને પણ જવાબ લેવા માટે બોલાવ્યો છે. જોકે, તે હજુ સુધી આવ્યો નહોતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી