દાણચોરી / સુરત એરપોર્ટ પર વેટરના જીન્સ-બૂટનાં મોજામાંથી રૂપિયા 90 લાખનું સોનું પકડાયું

સોનાના 19 બિસ્કીટ અને 2 બેસ્લેટ જપ્ત કરાયા
સોનાના 19 બિસ્કીટ અને 2 બેસ્લેટ જપ્ત કરાયા

 • યુવક શૂઝ અને કપડાંની પટ્ટીમાં સોનું છુપાવીને લાવ્યો હતો
 • યુવક પાસેથી સોનાની 19 બિસ્કીટ અને 2 બ્રેસ્લેટ મળ્યા
 • મુસાફર શારજાહથી એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આવ્યો હતો

Divyabhaskar.com

Oct 13, 2019, 03:06 AM IST

સુરતઃ એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત-શારજાહની ઇન્ટરનેશન ફ્લાઇટ શરૂ થયા પછી સુરત કસ્ટમ એરપોર્ટ પર સોનાની દાણચોરી વધી ગઈ છે. જેને લઈ એરપોર્ટ સોનાની ‘ખાણ’ બની ગઈ હોય, તેવું લાગી રહ્યું છે. તેવામાં જ શુક્રવારની મોડી રાત્રે એરપોર્ટથી સૌથી મોટી દાણચોરી પકડાઈ છે. વલસાડનો જિજ્ઞેશ પટેલ પોતાના જીન્સમાં અને બૂટના મોજામાં 24 કેરેટની 19 સોનાની બિસ્કિટ તેમજ 2 સોનાના બ્રેસલેટ સંતાડીને શારજારથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેસીને સુરત આવી રહ્યો છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટે બાતમીના આધારે જિજ્ઞેશને એરપોર્ટથી પકડીને તપાસ કરતાં તેની પાસેથી 24 કેરેટનું 2 કિલો 300 ગ્રામનું રૂ. 90 લાખનું સોનું મળી આવ્યું હતું. જિજ્ઞેશ વલસાડમાં રહે છે અને દુબઇની એક હોટલમાં વેટર છે.

સુરતમાં વિશાલને સોનું આપી 1 લાખ લઈ લેજે
કસ્ટમ અધિકારી સૂત્રોએ કહ્યું કે, દુબઈમાં એક શખ્સે જિજ્ઞેશને જણાવ્યું હતું કે સુરતના વિશાલને સોનું પહોંચાડશે તો 1 લાખ રૂપિયો આપીશ. જેથી રૂપિયાની લાલચે જિજ્ઞેશ તૈયાર થતાં શખ્સે એવું કહ્યું હતું કે વિશાલ એરપોર્ટની બહાર ઊભો હશે, તું જેવું સોનું આપશે કે એ તને1 લાખ રૂપિયો આપશે.

જીન્સથી લઈને મોજા સુધી સોનું જ સોનું
શખ્સે જિજ્ઞેશના જીન્સથી માંડીને બૂટના મોજા સુધી સોનું જ સોનું ભરીને શારજાહથી સુરત મોકલી આપ્યો હતો. તેવું કસ્ટમ અધિકારીના સૂત્રોએ કહ્યું હતું.

કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં 8 કેસો કર્યા છે

મળતી માહિતી પ્રમાણે, દુબઈથી સુરત આવેલા વલસાડના યુવાન પાસેથી સોનાની 19 બિસ્કીટ અને 2 બ્રેસ્લેટ કસ્ટમ વિભાગે જપ્ત કર્યા છે. યુવાને શૂઝ અને પગ વચ્ચેના ભાગમાં અને જીન્સમાં કપડાંની સ્ટીચ કરેલી પટ્ટીની વચ્ચે આ સોનું છુપાવ્યું હતું. સુરત-શારજાહની ફ્લાઈટ શરૂ થયા બાદ કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં આવા 8 કેસો કર્યા છે. જેમાં કસ્ટમ વિભાગનો અત્યાર સુધીનો આ સૌથી મોટો કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ફેબ્રુઆરીમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થયા બાદ નોંધાયેલા કેસો

 • 12મી મેના રોજ અંડરગાર્મેન્ટમાં 19 લાખનુ સોનુ લઇને આવતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો
 • 20મી મેના રોજ રૂપિયા 6.5 લાખની કિંમતના 200 ગ્રામ સોનાની પેસ્ટ ભરેલી કેપ્સુલ ગુદામાર્ગમાં છુપાવી હોવાનુ ઝડપાયું હતું
 • 27મી મેના રોજ શર્ટના કોલરમાં 3.16 લાખનું સોનું છુપાવીને લાવનાર પકડાયો હતો
 • 29મી મેના રોજ શર્ટની બાંય અને જીન્સની વેસ્ટલાઇનમાં સોનુ છુપાવીને લાવનાર પાસેથી 16.70 લાખનુ સોનું કબ્જે કરાયું હતું
 • 13મી જૂનના રોજ અંડરગારમેન્ટમાં 19 લાખનું લિક્વીડ સોનું છુપાવી લાવનાર યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો
 • 9 ઓગષ્ટના રોજ ગુદામાર્ગમાં છુપાવેલા રૂપિયા 19.35 લાખની કિંમતના 602 ગ્રામના સોના સાથે એકને ઝડપી પાડ્યો હતો
 • 23 ઓગષ્ટના રોજ પ્રાઇવેટ પાર્ટસમાં છુપાવેલા રૂપિયા 10 લાખની કિંમતના સોના સાથે દિલ્હીના શખ્સને ઝડપી પાડ્યો હતો
 • 25 સપ્ટેમ્બરના રોજ પ્રાઇવેટ પાર્ટસમાં છુપાવેલા રૂપિયા 11 લાખની કિંમતના સોના સાથે મુંબઈના યુવકને ઝડપી પાડ્યો હતો

દેશમાં 143 કરોડનું સોનું ઝડપાયું છે

દેશના વિવિધ એરપોર્ટ પર ફક્ત નવ મહિનામાં રૂ. 143 કરોડનું 323 કિલો સોનું ઝડપાયું છે. આ સફળતા વિદેશી ચીજવસ્તુઓની હેરાફેરી પર નજર રાખતી એજન્સી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગના કારણે મળી છે. આ વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીના 66થી વધુ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ સોનું ચેન્નાઈ, ત્રિચી, ત્રિવેન્દ્રમ, મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પરથી જપ્ત કરાયું છે.

સુરતમાં અત્યાર સુધી દોઢ કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે

16 ફેબ્રુઆરીથી ઈન્ટરનેશનલ ઉડાનની સૂચિમાં સામેલ થયેલા સુરત એરપોર્ટ પર પણ અત્યાર સુધી આઠ મામલા સામે આવી ચૂક્યા છે, જેમાં કસ્ટમે અત્યાર સુધી દોઢ કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. આ અંગે મોટા ભાગના મામલા ખાડી દેશો જેવા કે ઓમાન, મસ્કત, દુબઈ અને ઈરાન જેવા દેશોમાંથી આવતા પ્રવાસીના હોય છે.

X
સોનાના 19 બિસ્કીટ અને 2 બેસ્લેટ જપ્ત કરાયાસોનાના 19 બિસ્કીટ અને 2 બેસ્લેટ જપ્ત કરાયા

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી