ધારાસભ્ય હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાથી ડોક્ટર-સ્ટાફને ખખડાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રોમા સેન્ટર ખાતે તપાસ હાથ ધરી
  • એક્સ-રે મશીન બંધ હાલતમાં હતું

સુરતઃ રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીને બદલે આજે મજૂરા ગેટ વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવી અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ટ્રોમા સેન્ટરમાં અપૂરતી સુવિધાને લઈને ડોક્ટરો, સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી.

અપૂરતી સુવિધા, અવ્યવસ્થા ધ્યાને આવી

ધારાસભ્ય હર્ષ સંઘવી અંદાજે બે મહિના પહેલાં સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને ડોક્ટરો અને સ્ટાફને અપૂરતી સુવિધા મામલે સૂચના આપી હતી. દરમિયાન આજે અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી ગયા હતા. અને ટ્રોમા સેન્ટર ખાતે તપાસ હાથ ધરી હતી. અને દર્દીઓ સાથે પણ વાત કરી હતી. ધારાસભ્યની તપાસમાં અપૂરતી સુવિધા, અવ્યવસ્થા ધ્યાને આવી હતી. જેથી ધારાસભ્યએ ડોક્ટરો અને સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને બરાબરના ખખડાવ્યા હતા. અને ટાંટીયા તોડી નાખવા સુધીની ચિમકી પણ આપી દીધી હતી. 

સિવિલ સુપ્રિટેન્ડન્ટ પણ દોડી આવ્યા

ધારાસભ્યએ ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે તપાસ કરી હતી. જેમાં અપૂરતો દવાઓનો જથ્થો, અપૂરતી વ્યવસ્થા સહિતના મુદ્દાઓ સામે આવ્યા હતા. ધારાસભ્યની મુલાકાત અંગે જાણ થતા સિવિલ સુપ્રિટેન્ડન્ટ પણ દોડી આવ્યા હતા. પીઆઈયુ(સિવિલમાં રિનોવેશનથી લઈને તમામ કામગારી કરતી એજન્સી)ના અધિકારીઓ, આરએમઓ સહિતનાને ખખડાવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં બંધ રહેલા એક્સ-રે મશીન અને એસી ગાયબ હોવાના કારણે પણ આડેહાથ લીધા હતા.