સુરતઃ શહેરમાં મારૂતી વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહિદોના સન્માન અને ધનરાશી અર્પણ કાર્યક્રમ બહુ જ રાષ્ટ્રભાવના, ઉત્સાહ અને પ્રેમથી ઉજવાયો હતો. કાર્યક્રમમાં આવેલા શહિદોના પરિવાજનોએ સુરતીઓ દ્વારા મળેલો પ્રેમ અને સન્માન જોઈને પોતાના આસું રોકી શક્યા ન હતા. અને જણાવ્યું હતું કે, લોકો દ્વારા આટલો પ્રેમ અમને મળ્યો હોય તેવું સૌપ્રથમ વખત સુરતમાં જોયું છે. સ્ટેડિયમમાં રાજ્યપાલ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શહિદોના પરિવારોનું સન્માન કરીને 120 પરિવારોને 2.50 લાખ રૂપિયાનો ચેક અપાયો હતો.
પ્રેમ જોઇ પરિવારજનો ભાવુક બન્યાં
દેશના 24 રાજ્યોમાંથી આવેલા શહિદોના પરિવારો અગ્રવાલ સમાજની વાડીમાં 10 બસમાં ચારેક વાગ્યે આવ્યા હતાં. ત્યાં તમામને જમાડવામાં આવ્યા હતા. ત્યાંથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી સંપૂર્ણ સન્માન સાથે લઈ જવા ટ્રસ્ટે તૈયારી કરી હતી. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો શહિદોના પરિવારને આવકારવા,સન્માન આપવા માટે આતુર હતાં. નાના બાળકો લેઝિમ નૃત્ય અને યુવક-યુવતીઓ ગરબા રમી રહ્યા હતા. યુવકોના હાથમાં મશાલો હતી અને તમામ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા.સ્ટેડિયમની અંદર એન્ટ્રી થઈ ત્યારે વીર શહિદ અમર રહોના નારા ગુંજતા લોકોનો પ્રેમ અને શહિદોના પરિવાર પ્રત્યે આદર સન્માન જોઈને શહિદોના પરિવારો પોતાના આંસુ રોકી શક્યા ન હતા.મહારાષ્ટ્રથી આવેલા શહિદ સંતોષની માતા રામાકા ગુરવે જણાવ્યું કે,આટલો પ્રેમ પહેલી વખત મળ્યો. સુરતના લોકો ખરેખર બહુ મોટા અને ઉદાર મનના છે. આટલી સહાયતા કોઈ શહેરમાંથી મળી નથી. અમે પહેલી વખત સુરત આવ્યા છે.કર્ણાટકથી આવેલા શહિદ વિજયાનંદની માતા વિદ્યાબેન નાયકે જણાવ્યું કે,‘આટલો પ્રેમ જોઈને હું મારા આસું રોકી શકી નથી.રક્ષામંત્રી રાજનાથસિંહે કાર્યક્રમના વખાણ કરી કહ્યું કે,કાર્યક્રમ જોઇને મને લાગ્યું કે, ભારતમાં ભામશાઓની કમી નથી.આવા કાર્યક્રમ માત્ર ઉચ્ચ વિચારના લોકો જ કરી શકે છે.
ત્રણ મહિનાથી 500 સ્વયંસેવકો તૈયારી કરતા હતા
મારૂતિ વીર જવાન ટ્રસ્ટના પ્રમુખ નાનુભાઈ સાવલિયાએ જણાવ્યું કે, 120 શહિદોના પરિવારોને સન્માન સાથે સહાય આપવાના કાર્યક્રમની તૈયારી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી હતી. જેમાં 500 જેટલા સ્વયંસેવકો દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. શહિદોના પરિવારોનો સંપર્ક કરવો તેમને વાત કરવી અને સુરત આવ્યા બાદ તેમની સંપુર્ણ વ્યવસ્થા કરવા સુધીની તૈયારી આવી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.