ખંડેર થયેલો કિલ્લો 16મી સદીમાં હતો એવો જ બનાવવા 52 કરોડ લાગ્યા, ઇતિહાસ ‘રિસ્ટોર’ થતાં દેશ માટે નવો દાખલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિનોવેટ કરવામાં આવ્યો તે ‘ચોકનો કિલ્લો’ - Divya Bhaskar
રિનોવેટ કરવામાં આવ્યો તે ‘ચોકનો કિલ્લો’
  • ચોકબજાર કિલ્લાને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એવોર્ડ, અન્ય બે કેટેગરીમાં પણ ટ્રોફી મળી
  • જે કિલ્લાને જીતવા અકબરે યુદ્ધ છેડેલું તે કિલ્લાની અગાશી પર બેસી કોફી પી શકાશે, 6 મહિના બાદ ફરવાની નવી જગ્યા મળશે
  • ઠંડી હવા નીચેથી પ્રવેશીને ગરમ હવાના રૂપે ઉપરથી નીકળે એ‌વી સિસ્ટમ મળી આવી હતી

સુરતઃ 24 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ ખાતે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી એવોર્ડ-2019 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગર પાલિકાએ બે અલગ અલગ કેટેગરીમાં બે એવોર્ડની સાથે ઓ‌વરઓલ પરર્ફોમન્સમાં પણ એવોર્ડ મેળવ્યો છે. સુરતને કલ્ચર અને ઈકોનોમી કેટેગરી હેઠળ રિસ્ટોરેશન, રિયુઝ અને રિડેવલપમેન્ટ ઓફ સુરત કાસલમાં સુરતના ચોકબજાર કિલ્લા માટે એવોર્ડ મળ્યો હતો. તેમજ મોબિલિટી અને ટ્રાન્સપોર્ટેશન કેટેગરીમાં વન સિટી, વન કાર્ડમાં સુરત મની કાર્ડને એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી બનાવવા પાછળ મનપાએ કરેલી કામગીરીને કારણે સ્માર્ટ સિટી એવોર્ડ પણ મળ્યો હતો. ચાલુ વર્ષે મનપાને સર્ટિફિકેટની સાથે સ્માર્ટ સિટી એવોર્ડમાં રૂ.10 લાખ અને બે કેટેગરીમાં રૂ.5 લાખ એમ કુલ 20 લાખની પ્રોત્સાહન રકમ પણ મળી છે. આ એવોર્ડ  મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રા અને જોઈન્ટ સેક્રેટરી-મિશન ડિરેકટર કૃણાલ કુમારના હસ્તે મેયર ડૉ.જગદીશ પટેલ, કમિશનર બંછાનિધિ પાની, સીઈઓ ચૈતન્ય ભટ્ટ ને વિશાખાપટ્ટનમ ખાતે એનાયત કરવામાં આવ્યો છે.

2016માં સમારકામ શરૂ થયું હતું
સુરત મહાનગર પાલિકાને સ્માર્ટ સિટી મિશન હેઠળ કલ્ચરલ અને ઈકોનોમી કેટેગરી હેઠળ આઉટસ્ટેન્ડીંગ પર્ફોમન્સ માટે એવોર્ડ મળ્યો છે. સરકારે મનપાને ચોકના કિલ્લાને હેરિટેજ તરીકે સાચવવા માટે સુચના આપી હતી અને તેને આધારે કિલ્લાને હેરિટેજ બનાવવા માટે મનપાએ 2016થી ચોકમાં આવેલા આ કિલ્લાનું સમારકામ કરવાનું શરૂ કર્યું હતું. આ નવા કિલ્લામાં ડચ કોર્ટ, ડચ લાઇફ સ્ટાઇલ ગેલેરી, બ્રિટિશ ટી રૂમ ઉપરાંત જૂના નકશાઓ, જૂની પેઈન્ટિંગ્સનું પ્રદર્શન પણ જોવા મળે છે. જ્યારે આ કિલ્લાનું રિનોવેશન થઈ રહ્યું હતું તે દરમિયાન અગાઉ બનેલા નાના કિલ્લાના અવશેષો પણ મળી આવ્યા હતા અને તેનો પાયો કિલ્લામાં પ્રવેશ કરતા જમણી બાજુ જોવા મળે છે.

આગામી 6 મહિનામાં બીજો ફેઝ ખુલ્લો મૂકાશે
રિનોવેશન વખતે આર્કિટેક્ચર સામે સૌથી મોટી મુશ્કેલી કિલ્લાના સ્ટ્રકચર સ્ટેબિલિટીની હતી. એટલા માટે મનપાએ કિલ્લાની સ્ટેબિલિટી તપાસવા માટે 6 અલગ અલગ પ્રકારના ટેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત કિલ્લાના સ્ટ્રક્ચર અંગે રિસર્ચ કરવા માટે દુનિયાની ઘણી લાઈબ્રેરીઓમાંથી ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા. કિલ્લાના પુન:સ્થાપન દરમિયાન બહાર આવ્યું હતું કે કિલ્લાનો નીચેનો ભાગ ફિરોઝશાહ તુગલક યુગનો છે, તેની ઉપર બ્રિટીશ બાંધકામ કરાયું છે અને તેની એક બાજુએ ગુજરાત સલ્તનત એટલે કે ખુદાવંદ ખાનના સમયની. આ બધામાંથી, તે ભાગ, જેણે સૌથી મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી હતી તે પુન:સ્થાપિત કરવામાં આવી. આ ઉપરાંત કિલ્લાની અંદરનો વધુ એક ભાગ મળી આવ્યો હતો. તેમાં વેન્ટિલેશન સિસ્ટમ છે જેના દ્વારા ઠંડી હવા નીચેથી પ્રવેશે છે અને ગરમ હવા રૂમની ઉપર પરથી બહાર નીકળી જાય છે. તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે આ ટનલ બહારથી દેખાતી નથી. કિલ્લાના રિનોવેશન માટે મનપાએ પ્રથમ ફેઝમાં કુલ રૂ.19.50 કરોડનો ખર્ચો કર્યો હતો. અને હાલ ચાલી રહેલા બીજા ફેઝ માટે કુલ રૂ.33 કરોડનો ખર્ચો કરશે અને આગામી 6 મહિનામાં સહેલાણીઓ માટે બીજો ફેઝ પણ ખુલ્લો મુકી દેવાશે.

શું નવું હશે ફેઝ-2 માં?

  • ડ્રો બ્રીજ
  • કિલ્લેદાર હાઉસ
  • સિટી હેરિટેજ ગેલેરી(શહેરની છ જૂની હવેલી)
  • મ્યુઝીયમને ફેઝ-2 માં ખસેડાશે

કેટલાએ મુલાકાત લીધી

  • 33,815 વર્ષ 2018
  • 30089 વર્ષ 2019

આ કામગીરી બદલ એવોર્ડ મળ્યો
સ્મેક સેન્ટર: પાલિકા દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓનો કમાન્ડ સેન્ટરથી કંન્ટ્રોલ કરવામાં આવે છે. લોકોની ફરિયાદથી લઈ વિવિધ ખાતાઓની ઈન્ટરનલ કનેક્ટિવીટીને લગતી તમામ બાબતો આ મુખ્ય સ્મેક સેન્ટરમાં સ્ટોર થાઈ છે.  
ઈન્ટેલીજન્ટ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સીસ્ટમ: પાલિકાના તમામ વાહનો ઉપર મોનિટરીંગ સિગ્નલથી સંકલન કરવામાં આવે છે. 
એર ક્વોલિટી મોનિટરીંગ સીસ્ટમ: શહેરમાં વધતાં પ્રદુષણ અંગેની જાણકારી મેળવવા માટે પાલિકાએ લિંબાયત, વરાછા સહિતના વિસ્તારમાં સીસ્ટમ ગોઠવી છે.જેથી લોકો શહેરની હવાનું પ્રદૂષણ કેવું છે તે જાણી શકશે. 
સોલાર એન્ડ વિન્ડ પાવર પ્લાન્ટ: સ્માર્ટ સોલાર એન્ડ વિન્ડ પાવર પ્લાન્ટની મદદથી સ્માર્ટ સિટીના 10 ટકા રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જીના લક્ષ્યને પુરો કર્યો છે.
વિઝ્યુઅલ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ સીસ્ટમ: શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર એલઈડી લાઈટો લગાડવામાં આવી રહી છે.
એઆઈસી સુરતી આઈલેબ ફાઉન્ડેશન: પાલિકા ઘણાં નાના ઉદ્યોગકારોને અને નાના ઉત્પાદકોને એક પ્લેટફોર્મ પુરુ પાડવા સુરતી આઈલેબ ફાઉન્ડેશનની રચના કરી છે. 
એફોર્ડેબલ હાઉસિંગ: શહેરી ગરીબો માટેના આવાસના પ્રોજેક્ટને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો છે. તેમાં, પીએમએવાય યોજનામાં ફેઝ 1 થી 4 હેઠળ આવાસો નિર્માણ કરાઈ રહ્યાં છે. 29 સ્થાનો પર 18 હજારથી વધુ આવાસો બનાવવાનું આયોજન છે. તેમાં, 25 આવાસો પ્રગતિ હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...